જયમાલા પછી દહેજમાં મળેલી બાઇક લઈને જ દુલ્હો રફુચક્કર થઈ ગયો

08 June, 2026 12:53 PM IST  |  Uttar Pradesh | Gujarati Mid-day Correspondent

ઉત્તર પ્રદેશના મિર્ઝાપુરમાં એક લગ્નસમારોહમાં દુલ્હાની હરકતને કારણે પ્રસંગ માતમમાં ફેરવાઈ ગયો હતો

જાનના લોકોને ગામમાં જ રોકીને તાત્કાલિક પોલીસમાં જાણ કરવામાં આવી હતી.

ઉત્તર પ્રદેશના મિર્ઝાપુરમાં એક લગ્નસમારોહમાં દુલ્હાની હરકતને કારણે પ્રસંગ માતમમાં ફેરવાઈ ગયો હતો. પ્રયાગરાજના હગરઢ ગામથી રાતના સમયે અશોક ભોર નામના યુવકની જાન આવી હતી. જાનને દરવાજે પોંખ્યા પછી જયમાલા પણ થઈ ગઈ. દુલ્હા-દુલ્હનને મંડપમાં બેસાડવામાં આવ્યાં અને એ પછી બન્ને પક્ષની મહિલાઓ કપડાં અને ઝવેરાતની લેવડદેવડની વાતોમાં વ્યસ્ત હતી. હજી લગ્નની વિધિ ચાલુ થવાની વાર હતી અને પરોઢના ૪ વાગ્યા હતા. એ સમયે દુલ્હો તેને દહેજમાં આપવામાં આવેલી બાઇક લઈને તેના બે સાથીઓ સાથે ચૂપચાપ ત્યાંથી ભાગી ગયો. દુલ્હો ફરાર થઈ ગયો છે એની ખબર પડતાં જ કન્યા પક્ષે વર પક્ષને આડે હાથ લીધો. જાનના લોકોને ગામમાં જ રોકીને તાત્કાલિક પોલીસમાં જાણ કરવામાં આવી. પોલીસની સામે વરનાં માતા-પિતાએ પણ આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું કે તેમનો દીકરો બાઇક લઈને ભાગી કેમ ગયો એની તેમને પણ ખબર નથી. 

offbeat news uttar pradesh india social media