22 August, 2026 12:24 PM IST | Maharajganj | Gujarati Mid-day Correspondent
દર ૩ વર્ષે આ કાકાના શરીરમાં નાગપંચમીના અવસરે મહિષાસુર પ્રવેશે છે
ઉત્તર પ્રદેશના મહારાજગંજ જિલ્લાના રુદલાપુર ગામમાં નાગપંચમીના અવસરે ૭૦ વર્ષના બુદ્ધિરામ નામના ભાઈનું વર્તન અચાનક જ બદલાઈ જાય છે. તેમનો દાવો છે કે તેમના શરીરમાં મહિષાસુરનો પ્રવેશ થાય છે. ગામવાસીઓનું કહેવું છે કે લગભગ દર ૩ વર્ષે નાગપંચમીના જ દિવસે તેમના શરીરમાં અત્યંત વિચિત્ર બદલાવો થવા લાગે છે. બુદ્ધિરામ ધૂણવા લાગે છે અને જાનવરો માટેનું ઘાસ અને ભૂસું પોતે ખાવા લાગે છે. આ સિલસિલો છેક ૧૯૭૫થી જોવા મળ્યો છે. દર વર્ષે આવું નથી થતું, પરંતુ ૩ વર્ષના અંતરે નાગપંચમીમાં આ ખાસ બદલાવ થાય છે અને એ જોવા માટે મોટી સંખ્યામાં ગામલોકો તેમના ઘરે ઊમટી પડે છે. ઘાસ અને ભૂસું પાણીમાં પલાળીને તેમની સામે મૂકવામાં આવે છે અને બુદ્ધિરામ એમાં મોં ડુબાડીને મોંથી જ એ ખાય છે અને પછી ધૂણે છે. ગામના લોકો માટે આ શ્રદ્ધાનો વિષય છે. અલબત્ત, આ બાબતે કોઈ વૈજ્ઞાનિક પુષ્ટિ થઈ શકી નથી.