21 May, 2026 11:02 AM IST | Washington | Gujarati Mid-day Correspondent
આ ઘટનાની તસવીરો પાડનારા ફોટોગ્રાફરના હાથ થરથર કાંપી રહ્યા હતા
ગ્રૅજ્યુએશન સેરેમનીને યાદગાર બનાવવા માટે અમેરિકામાં યુવાનો આજકાલ જાતજાતનાં ગતકડાં કરતાં હોય છે. લોકો ડિગ્રી લેવાના કાર્યક્રમમાં અતરંગી વેશ ધારણ કરીને આવે છે. અમેરિકાની મૅકનીસ સ્ટેટ યુનિવર્સિટીમાં ગ્રૅજ્યુએશન કરનારી કૅટ ડેલી નામની યુવતીએ આ પ્રસંગે જે કર્યું એવું સાહસ કદાચ કોઈ કરી શકે એમ નથી. કૅટ ગ્રૅજ્યુએશનનું ગાઉન અને કૅપ પહેરીને બિગ અલ નામના ૧૪ ફુટ લાંબા વિશાળકાય મગરના તળાવમાં ઊતરી પડે છે અને હદ તો ત્યારે થાય છે જ્યારે તે મોં ફાડીને ઊભેલા મહાકાય મગરના ખુલ્લા જડબાને કિસ કરી લે છે.
આવા સ્ટન્ટ પાછળનું રાઝ સમજી લેવું જરૂરી છે. જંગલી પ્રાણીઓના મામલે કૅટનો આ કોઈ પહેલો અનુભવ નથી. કૅટ ફિયૉન્સે સાથે ‘ગેટર કન્ટ્રી’નામનો રેસ્ક્યુ પાર્ક ચલાવે છે અને બિગ અલ મગર એમાં જ રહે છે. કૅટ ૭ વર્ષની હતી ત્યારથી જંગલી જાનવરોની વચ્ચે જ ઉછરી છે. ફોટોશૂટ દરમ્યાન કૅટે હાથમાં એક સાપ પણ પકડ્યો હતો. કૅટ આ સ્ટન્ટથી ડરતી નહોતી કેમ કે તેણે આ મગરને રેસ્ક્યુ કરીને મોટો કર્યો છે, પરંતુ આ ઘટનાની તસવીરો પાડનારા ફોટોગ્રાફરના હાથ થરથર કાંપી રહ્યા હતા. કૅટનું કહેવું છે કે ‘મારો હેતુ આવું કરીને લોકોને સમજાવવાનો છે કે મગર તમે માનો છો એવો વિલન નથી હોતો. એ હરહંમેશ આક્રમક નથી હોતા. જોકે આવો સ્ટન્ટ કોઈએ ઝૂ કે પ્રાણીસંગ્રહાલયોમાં એમ જ ન કરવો જોઈએ.’