20 June, 2026 01:55 PM IST | Washington | Gujarati Mid-day Correspondent
અહીં તે ફોટોગ્રાફ્સ ખેંચાવે છે અને પછી ચૂપચાપ ત્યાંથી ગાયબ થઈ જાય છે
અમેરિકામાં એક ડાર્ક સર્વિસ ખૂલી છે. અહીં કેટલીક એજન્સીઓના લોકો પૈસા લઈને મરનારના સંબંધીઓ તરીકે સુંદર છોકરીઓને ફ્યુનરલમાં મોકલે છે. આ છોકરીઓ કાળાં કપડાં પહેરીને અંતિમ ક્રિયા દરમ્યાન હાજર રહે છે અને મરનારના પરિવારજન હોય એમ આંસુડાં સારે છે. અહીં તે ફોટોગ્રાફ્સ ખેંચાવે છે અને પછી ચૂપચાપ ત્યાંથી ગાયબ થઈ જાય છે. આ ડાર્ક સર્વિસ વિશે બહુ ઓછા લોકો જાણે છે, પરંતુ હવે ધીમે-ધીમે એની પબ્લિસિટી વધવા લાગી છે. એક મહિલાએ તો પોતે સોશ્યલ મીડિયા પર આ સર્વિસ ઑફર કરી છે અને અજાણી વ્યક્તિના ફ્યુનરલમાં ફૅશનેબલ બનીને હાજર રહે છે. એ માટે તે ૫૦૦ ડૉલર એટલે કે લગભગ ૫૦,૦૦૦ રૂપિયાનો ચાર્જ કરે છે. આ સર્વિસનું ચલણ એટલા માટે પણ વધ્યું છે કેમ કે હવે લોકોને ફ્યુનરલમાં પણ કંઈક હૅપનિંગ થાય એવું જોઈએ છે. સામાન્ય રીતે પરિવારજનો ગમમાં જ ડૂબેલા હોય છે, પરંતુ આવી કોઈ ખૂબસૂરત વ્યક્તિ ત્યાં હાજર હોય અને રડવાનો ડ્રામા ચાલતો હોય તો બધાનું ધ્યાન બીજે ખેંચાય છે અને બધા એ વિચારવા અને ચર્ચવા લાગે છે કે આટલું રડતાં આ બહેન કોણ છે? કોનાં સગાં છે? ક્યાંથી આવ્યાં? બસ, એ ચર્ચા શરૂ થાય એટલો સમય એ જગ્યાએ હાજર રહીને ડાર્ક સર્વિસવાળાં બહેન ત્યાંથી ગાયબ થઈ જાય છે.