29 July, 2026 06:59 PM IST | Amroha | Gujarati Mid-day Correspondent
એક જ છોકરા સાથે લગ્ન કરનારી ત્રણ બહેનો ફરી ગઈ, ‘આ સાચાં લગ્ન નહોતાં, પણ પ્રૅન્ક હતો.’
ઉત્તર પ્રદેશના અમરોહા જિલ્લાના ધોરિયા ગામની ૩ બહેનોએ એક જ યુવક સાથે લગ્ન કરી લીધાં એ ઘટનાનો વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો હતો. જ્યારે આ બાબતે પોલીસે ચારેયને ચોકી પર બોલાવીને પૂછપરછ કરી હતી ત્યારે ત્રણેય બહેનોએ કદી અલગ ન પડવું હોવાથી પોતાની મરજીથી આ લગ્ન કર્યાં હોવાનું કહ્યું હતું. જોકે આ ત્રણ બહેનોમાંથી સૌથી નાની છોકરી હજી પુખ્ત ન હોવાની વાતને કારણે ચોતરફ સવાલો ઊઠી રહ્યા હતા. આખરે આ મામલે ચાઇલ્ડ વેલફેર કમિટી (CWC)એ હસ્તક્ષેપ કર્યો. કડક ભાષામાં CWCએ નોટિસ મોકલીને ચારેયને હાજર રહેવાનું કહ્યું હતું અને જો કાનૂની રીતે કંઈ પણ ખોટું થયું હશે તો કડક સજા કરવામાં આવશે એવી ચીમકી પણ આપી હતી. આ નોટિસના જવાબમાં ત્રણેય છોકરીઓ સોમવારે CWC સમક્ષ હાજર થઈ હતી અને તેમણે કબૂલી લીધું હતું કે તેમણે લગ્ન નથી કર્યાં, માત્ર સોશ્યલ મીડિયા પર વાઇરલ થવા માટે આ પ્રૅન્ક કર્યો હતો. CWCએ પણ બહેનો પાસે લેખિતમાં આ વાત કબૂલ કરાવીને માફી મગાવી હતી.
હકીકતમાં આ ત્રણ બહેનો પણ સગી નથી. મોટી બે બહેનો અલકા અને દેવિકા સાથે છેલ્લાં ૬ વર્ષથી તેમની માસીની દીકરી પણ સાથે રહે છે જે હજી પુખ્ત નથી. ત્રણેય જણ યુટ્યુબ પર કૉમેડી અને મનોરંજક વિડિયો બનાવે છે. તેમની યુટ્યુબ ચૅનલ પર ૪ લાખથી વધુ ફૉલોઅર્સ છે. હજી વધુ વાઇરલ થવા માટે તેમણે પોતાની ચૅનલ માટે વિડિયો-શૂટિંગનું કામ કરતા છોકરા સાથે લગ્ન કરી લીધાં હોય એવા વિડિયો શૂટ કર્યા હતા. તેમને હતું કે આ પ્રૅન્કથી ઝડપથી ફૉલોઅર્સ વધશે. જોકે ફૉલોઅર્સની સાથે મુસીબત પણ વધતી જણાતાં તેમણે સાચું કબૂલી લીધું હતું.