સુસાઇડ-સીનની રીલ બનાવવા જતાં મહિલાનો જીવ ગયો, ચાર વર્ષની માસૂમ દીકરી જોતી રહી

08 February, 2026 02:29 PM IST  |  Uttar Pradesh | Gujarati Mid-day Correspondent

ઉત્તર પ્રદેશના બાંદાના બબેરુ ગામમાં ૨૭ વર્ષની મોહની નામની મહિલા રીલ બનાવવાના ચક્કરમાં મોતને ભેટી હતી

મોહની

ઉત્તર પ્રદેશના બાંદાના બબેરુ ગામમાં ૨૭ વર્ષની મોહની નામની મહિલા રીલ બનાવવાના ચક્કરમાં મોતને ભેટી હતી. તે મોબાઇલ પર એક સુસાઇડ-સીન શૂટ કરી રહી હતી. એ વખતે ઘર પર માત્ર તેની ૪ વર્ષની દીકરી જ હાજર હતી. તેણે રીલ માટે ચોક્કસ ઍન્ગલ પર મોબાઇલ ગોઠવ્યો અને ગળામાં ફાંસો લગાવીને સુસાઇડની ઍક્ટિંગ કરી રહી હતી. જોકે ગળામાં ફંદો સાચે જ લાગી ગયો અને તેણે એ ખોલીને નીકળવાની ખૂબ કોશિશ કરી પરંતુ તેનો જીવ બચી શક્યો નહીં. ગળામાં ફંદો લગાવ્યા પછી તેનું સંતુલન બગડી જતાં તે પડી ગઈ અને ગળામાં લગાવેલી રસ્સી વધુ ફિટ થઈ ગઈ અને તેનાથી શ્વાસ લેવાનું પણ શક્ય ન બન્યું. એ દરમ્યાન તેની ચાર વર્ષની દીકરી રમતાં-રમતાં એ રૂમમાં પહોંચી તો મમ્મીને લટકતી જોઈને ચીસ પાડી ઊઠી. તેણે બૂમો પાડીને આસપાસના લોકોને એકઠા કર્યા. લોકોએ પોલીસને જાણ કરી. દીકરીએ કહ્યું કે તેની મમ્મી વિડિયો બનાવી રહી હતી. જોકે પરિવારજનોએ મૃત્યુનું કોઈ કારણ નથી જણાવ્યું. પોલીસ હવે બધા દૃષ્ટિકોણથી તપાસ કરી રહી છે. 

offbeat news uttar pradesh Crime News social media