ઉત્તરાખંડમાં એક સ્કૂલે મોબાઇલની લત છોડાવવા માટે બાળકીઓની આંખો કાઢી નાખી હોવાનો સ્ટન્ટ કર્યો

24 September, 2026 07:30 PM IST  |  Uttarakhand | Gujarati Mid-day Correspondent

ઉત્તરાખંડની એક પ્રાઇવેટ સ્કૂલે બાળકોનો મોબાઇલ વપરાશ ઘટાડવા આંખ કાઢી લેવાના ડર સાથે નાટક કરાવ્યું. સિનિયર વિદ્યાર્થીઓએ આંખે લાલ પટ્ટી બાંધી નાટક કરતાં નાનાં બાળકો તેને સાચું માની રડવા લાગ્યાં અને વિડિયો વાઇરલ થયો.

ઉત્તરાખંડ સ્કૂલ

ઉત્તરાખંડના ઉધમસિંહ નગર જિલ્લાના ખટીમા ગામમાં બાળકોમાં મોબાઇલનો વપરાશ ઘટાડવાની જાગૃતિ લાવવા માટે એક એવો સ્ટન્ટ થયો જેણે જબરજસ્ત કાગારોળ મચાવી દીધી. બાળકોમાં વધતુંજતું મોબાઇલનું ઍડિક્શન છોડાવવા માટે એક પ્રાઇવેટ સ્કૂલે બાળકોમાં એવી વાત ફેલાવી કે જો તમે વધુ મોબાઇલ વાપરશો તો ડૉક્ટર તમારી આંખો કાઢી લેશે. બાળકો આ વાત સાચી માની લે એ માટે એક નાટક રચવામાં આવ્યું. એક છોકરીની આંખ પર લાલ રંગ લગાવીને એની આંખ પર લાલ પટ્ટી લગાવી દેવામાં આવી. આ છોકરીએ રડારોળ અને બૂમાબૂમ કરીને બીજા વિદ્યાર્થીઓને કહ્યું કે તે ખૂબ મોબાઇલ વાપરતી હોવાથી ડૉક્ટરોએ તેની આંખ કાઢી લીધી છે અને તેને કંઈ દેખાતું નથી. થોડી જ વારમાં બીજા પણ કેટલાક સ્ટુડન્ટ્સ આંખે લાલ પાટા બાંધીને બૂમાબૂમ કરતા જોવા મળ્યા. અલબત્ત, આ બધું જ સિનિયર વિદ્યાર્થીઓ પાસે નાટકરૂપે કરાવવામાં આવ્યું હતું જેથી નાનાં બાળકોને સમજણ પડે. જોકે આ નાટકને સાચું માની લેનારાં નાનાં બાળકોએ તો જોરદાર રડારોળ કરી મૂકી. આ વિડિયો વાઇરલ થતાં સ્કૂલમાં ચિંતાતુર પેરન્ટ્સનો પણ ધસારો થવા લાગ્યો. ભલે સ્કૂલનો જાગૃતિ માટેનો આશય સારો હતો, પરંતુ એ માટે જે રસ્તો વાપરવામાં આવ્યો એ બાબતે ઇન્ટરનેટ પર મતમતાંતર છે.

uttarakhand viral videos social m social networking site offbeat news hatke news