હું ભિખારી નથી... બોર્ડ પર લખેલી આ વાત દિલને સ્પર્શી ગઈ : વાંસળી વગાડતા વૃદ્ધનો વિડિયો વાઇરલ

28 June, 2026 02:23 PM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

દિલ્હીના હાર્દ સમાન કનૉટ પ્લેસનો અત્યંત ભાવુક કરી દેતો એક વિડિયો આ દિવસોમાં સોશ્યલ મીડિયા પર જોરદાર વાઇરલ થઈ રહ્યો છે

વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ

દિલ્હીના હાર્દ સમાન કનૉટ પ્લેસનો અત્યંત ભાવુક કરી દેતો એક વિડિયો આ દિવસોમાં સોશ્યલ મીડિયા પર જોરદાર વાઇરલ થઈ રહ્યો છે. આ વિડિયોમાં એક વૃદ્ધ કલાકાર રસ્તા કિનારે બેસીને વાંસળી વગાડતા જોવા મળે છે. તેમની મધુર ધૂન સાંભળીને ત્યાંથી પસાર થતા રાહદારીઓ મંત્રમુગ્ધ થઈને થોડી વાર માટે ત્યાં રોકાઈ જાય છે. આ વિડિયોમાં સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર તેમની પાસે રાખેલું એક બોર્ડ બન્યું છે, જેના પર લખેલા શબ્દોએ લાખો લોકોને ભાવુક કરી દીધા છે.

તેમની પાસે રાખેલા બોર્ડ પર અંગ્રેજીમાં લખ્યું છે : I am not a beggar, just want to touch your soul with the help of music (હું ભિખારી નથી, માત્ર સંગીતના માધ્યમથી તમારા આત્માને સ્પર્શવા માગું છું).

વાઇરલ વિડિયોમાં જોઈ શકાય છે કે આ વૃદ્ધ ઓતપ્રોત થઈને પૂરા દિલથી વાંસળી વગાડી રહ્યા છે. બોર્ડ પર લખેલો તેમનો આ સંદેશ સ્પષ્ટ કરે છે કે તેઓ લોકો પાસે ભીખ નથી માગી રહ્યા, પરંતુ પોતાની અદ્ભુત કલા અને સંગીતના સૂર રેલાવીને લોકો સુધી પોતાની લાગણીઓ પહોંચાડવા માગે છે. આ ઉંમરે પણ તેમનું આ સ્વાભિમાન અને કલા પ્રત્યેનો પ્રેમ જ લોકોને સૌથી વધુ પ્રભાવિત કરી રહ્યાં છે.

offbeat news social media india delhi news new delhi