24 September, 2026 07:04 PM IST | Amaravati | Gujarati Mid-day Correspondent
આંધ્ર પ્રદેશ સમાચાર
આંધ્ર પ્રદેશના વિજયવાડામાં ગણેશોત્સવ નિમિત્તે અન્નદાન કાર્યક્રમની તૈયારી દરમ્યાન એક દર્દનાક ઘટના ઘટી. ૪૬ વર્ષની એક મહિલા ઉકળતા સાંભારના તપેલામાં માથાભેર પડી ગઈ હતી. ઉત્સવ દરમ્યાન રવિવારે યોજાયેલા ભંડારામાં ભોજન બનાવવા માટે સુજાતા નામની મહિલા મદદ કરી રહી હતી. મોટું તપેલું ભરીને સાંભાર તૈયાર થઈ ગયા પછી એ તપેલાને બે જણ ઊંચકીને બીજે લઈ જઈ રહ્યા હતા ત્યારે સંતુલન બગડતાં સુજાતા માથાભેર એ તપેલામાં પડી હતી. સાંભાર જસ્ટ બનીને તૈયાર થયો હતો અને ઊકળતો હોવાથી તે બહુ ગંભીર રીતે દાઝી ગઈ હતી. ઉત્સવના આયોજકો તેને તરત હૉસ્પિટલ લઈ ગયા હતા, પરંતુ ચહેરા અને શ્વાસનળીમાં ઉકળતું પ્રવાહી જવાથી સારવાર પણ બેઅસર થઈ ગઈ અને થોડા જ કલાકોમાં તે મૃત્યુ પામી હતી. ઉત્સવના આયોજકોને પહેલાં તો સમજાયું જ નહીં કે મહિલા કઈ રીતે તપેલામાં પડી ગઈ, પણ આ ઘટના CCTVમાં કેદ થઈ ગઈ હતી અને ખબર પડી હતી કે પગમાં ઠેસ વાગવાથી તપેલું ઉપાડતી વખતે મહિલા ખુદ તપેલામાં પડી હતી.