23 April, 2026 11:49 AM IST | Washington | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
અમેરિકાના કોલંબસ શહેરમાં ૩૨ વર્ષના ડેનિયલ હાર્ગ્રોવ નામના અખતરા કરવાના શોખીન ભાઈ સોશ્યલ મીડિયા પર અજીબોગરીબ પ્રયોગો વિશે પોસ્ટ કરતા રહેતા હતા. અળવીતરા પ્રયોગોને કારણે તેમનું સોશ્યલ મીડિયા હૅન્ડલ વાઇરલ થઈ રહ્યું હતું ત્યારે ભાઈએ જીવલેણ અખતરો કર્યો. આ વખતે તેણે એક પેપર પર રિસર્ચ કરતો હોય એમ લખાણ કર્યું હતું કે જો એક માઇક્રોવેવની અંદર બીજા નાના માઇક્રોવેવને મૂકવામાં આવે તો શું થાય? આ માટે ભાઈસાહેબ એકની અંદર બીજું સમાઈ જાય એવું જૂનું માઇક્રોવેવ પણ ભંગારવાળાને ત્યાંથી ઉપાડી લાવ્યા અને પછી શરૂ કર્યો પ્રયોગ. મોટા માઇક્રોવવમાં નાનું મૂક્યું અને ચાલુ કરી દીધું. રાતના ૯.૪૦ વાગ્યાનો સમય હતો અને તેના ઘરમાં જોરદાર ધડાકો સંભળાયો. પાડોશીઓ દોડી આવ્યા કેમ કે તેમના આખા વિસ્તારની વીજળી જતી રહી હતી. ધમાકાને કારણે ધુમાડો જ્યારે ઘરની બહાર નીકળ્યો ત્યારે પાડોશીઓ તેના ઘરે પહોંચ્યા. પોલીસને જાણ કરતાં દરવાજો તોડીને પોલીસ અંદર ગઈ અને જોયું તો બે માઇક્રોવેવના અવશેષો તૂટેલી હાલતમાં ચોમેર વેરાયા હતા અને ડેનિયલભાઈ નિર્જીવ થઈને પડ્યા હતા.