09 July, 2025 05:14 PM IST | Dwarka | Gujarati Mid-day Correspondent
ઊંટ તરીને દ્વારકા પહોંચ્યાં
કચ્છના દીનદયાલ પોર્ટ પર દરિયામાં ૧૦ જેટલાં ઊંટોનું એક ટોળું તણાઈ ગયું હતું જે થોડા દિવસો બાદ દ્વારકાના વાડીનાર પોર્ટ પર પહોંચ્યું હતું. અહીં પોલીસે ઊંટના ટોળાને રેસ્ક્યુ કરીને બહાર કાઢ્યું હતું. કચ્છમાં મેઘરાજાએ જબરદસ્ત ધડબડાટી બોલાવી એમાં એક આશ્ચર્યનજક ઘટના સામે આવી છે. કચ્છથી કેટલાંક ઊંટ પાણી સાથે દરિયામાં તણાયાં હતાં. આ ઊંટ તરીને લગભગ ૧૦ દિવસ બાદ દ્વારકા જિલ્લાના વાડીનાર બંદર પહોંચી ગયાં હતાં.
આ ઊંટ સિંગચ ગામના માલધારીઓનાં છે એવું જાણવા મળ્યું હતું. ઊંટ રણપ્રદેશનું પ્રાણી છે, પરંતુ ખારાઈ પ્રજાતિનાં ઊંટ એવાં છે જે દરિયામાં કે પાણીમાં તરી શકે છે. પાણીમાં તરી શકતી આ એશિયાની એકમાત્ર ઊંટની પ્રજાતિ છે. આ ઊંટો ચેરનાં વૃક્ષો ચરે છે. ખારાઈ ઊંટ એશિયામાં માત્ર કચ્છ અને ખંભાતના અખાતના વિસ્તારોમાં જ જોવા મળે છે. દરિયામાં તરી શકવાની કુદરતી ક્ષમતા માત્ર ખારાઈ ઊંટમાં જ છે.