20 December, 2025 12:56 PM IST | Wellington | Gujarati Mid-day Correspondent
વાઇરલ થયેલા એક વિડિયોમાં ટ્રક પર આખેઆખું ઘર લાદીને લઈ જવાતું હોય એવું દેખાય છે
સોશ્યલ મીડિયા પર વાઇરલ થયેલા એક વિડિયોમાં ટ્રક પર આખેઆખું ઘર લાદીને લઈ જવાતું હોય એવું દેખાય છે. આવું કંઈક અળવીતરું જોઈએ તો હવે તો તરત જ વિચાર આવે કે નક્કી આ આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સનો જ મામલો હશે. જોકે અહીં એવું નથી. દાવો થઈ રહ્યો છે કે આવો નજારો ન્યુ ઝીલૅન્ડમાં સામાન્ય છે. અહીં ઘરને શિફ્ટ કરવાનું ખૂબ સરળ છે અને એ જ સ્થાનિક લોકો માટે સસ્ટેનેબલ રસ્તો છે.
કલ્પના કરો કે તમારે કાયમ માટે એક ગામ છોડીને બીજે રહેવા જવાનું હોય તો જૂનું ઘર ખાલી કરવાની અને નવું ઘર શોધવાની કેટલી ઝંઝટ હોય? જોકે ન્યુ ઝીલૅન્ડમાં કેટલાક વિસ્તારોમાં ઘર ટ્રાન્સફરેબલ હોય છે. અહીં નાનકડાં ઘર લાકડાંથી બનેલાં હોય છે. લાકડાંથી બનેલાં, પરંતુ મજબૂતાઈમાં અવ્વલ એવાં આ ઘરો વજનમાં પણ સામાન્ય કૉન્ક્રીટના ઘર કરતાં હલકાં હોવાથી એને ટ્રક પર ઊંચકીને બીજા સ્થળે લઈ જઈ શકાય છે. ન્યુ ઝીલૅન્ડનાં મોટા ભાગનાં જૂનાં ઘરો આ જ કારણસર લાકડાનાં બનેલાં હોય છે. આ ઘરોને તોડવાને બદલે બીજી જગ્યાએ શિફ્ટ કરી દેવામાં આવે છે. એનાથી ઘર પણ બચી જાય છે અને ઘર તોડવાને કારણે પેદા થતો કચરો ડમ્પ થતો અટકે છે. નવાં ઘરો બનાવવા માટે ફરી કુદરતી સંસાધનોનો વપરાશ પણ ઘટે છે. ન્યુ ઝીલૅન્ડમાં સસ્તો, ટકાઉ અને પર્યાવરણની સુરક્ષા કરતો આ વિકલ્પ અનેક લોકોને ગમે છે. ઘણી વાર તો આખેઆખું ઘર શિફ્ટ કરીને બીજે લઈ જવામાં આવે છે અને ત્યાં કોઈકને રહેવા માટે આપી દેવાય છે. આ ચલણ ૧૯૬૦થી ચાલ્યું આવે છે. એને મૂવિંગ હાઉસિસ કહેવાય છે.
પહેલાં આ પ્રથા ખૂબ સામાન્ય હતી, પરંતુ હવે નવા કૉન્ક્રીટનાં બહુમાળી બિલ્ડિંગોને કારણે આ પ્રૅક્ટિસ શક્ય નથી.