12 January, 2026 11:34 AM IST | Virginia | Gujarati Mid-day Correspondent
કૅથરિન નામની મહિલા નાકથી ખાય છે અને મોઢાથી શ્વાસ લે છે
સામાન્ય રીતે નાકથી શ્વાસ લેવાય અને મોઢાથી ખવાય, પણ અમેરિકાના વર્જિનિયામાં રહેતી કૅથરિન નામની મહિલા ઊલટું કરે છે. તે નાકથી ખાય છે અને મોઢાથી શ્વાસ લે છે. લગભગ છેલ્લાં પાંચ વર્ષથી તેણે ખાવા માટે મોંને બદલે નાકનો જ ઉપયોગ કર્યો છે. નાકથી વળી કેવી રીતે ખવાતું હશે? એવો વિચાર આવતો હોય તો એક સ્પષ્ટતા કે આ બહેન મોટા ભાગે ખાવાનું સ્મૂધી બનાવીને સેમી-લિક્વિડ ફૉર્મમાં જ ખાય છે. જોકે નાકથી ખાવાનો વિચાર કઈ રીતે આવ્યો? શું કોઈ શારીરિક તકલીફ છે? ના, આ કોઈ મેડિકલ કન્ડિશનની મજબૂરી નથી, શોખ છે. કૉલેજમાં હતી ત્યારે કૅથરિનના દોસ્તોએ તેને નાકથી ફ્લેવર્ડ મિલ્ક પીવાનો પડકાર આપ્યો હતો. જુવાનીના જોશમાં લોકો કોઈ પણ ચૅલેન્જ લઈ લેતા હોય છે. કૅથરિને પણ એમ જ કર્યું. જોકે પીણામાં સ્ટ્રૉ મૂકીને એને નાકના નસકોરામાં લગાવીને પછી ઊંડો શ્વાસ ખેંચતાં ડ્રિન્ક નાક વાટે મોંમાં ગયું. શરૂઆતમાં તેને હળવું ચક્કર જેવું લાગ્યું, પણ સ્વાદ અલગ રીતનો આવ્યો. બસ, પછી તો તેને એમાં જ મજા આવવા લાગી. તે ખાવાની દરેક ચીજને બ્લૅન્ડરમાં પીસીને નાકમાં સ્ટ્રૉ વાટે ખેંચીને જ ખાય છે. બહેનનું કહેવું છે કે નાકથી ખાવાને કારણે ફૂડ ગળામાં અટકી રહેવાનો ડર નથી રહેતો. હવે આ આદતને કારણે લોકો તેને માનસિક રોગી કહી રહ્યા છે.