05 April, 2025 06:56 AM IST | West Bengal | Gujarati Mid-day Correspondent
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ
સોશ્યલ મીડિયા પર એક વિડિયો વાઇરલ થઈ રહ્યો છે જેમાં પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદના એક યુવકે પલંગને કારમાં તબદીલ કરી દીધો છે. પલંગ પર ગાદલું, ચાદર અને તકિયા પણ છે. પલંગના છેવાડે ટેકો દેવાની આડશ પાસે નીચે બેસવાની સીટ જેવું બનાવ્યું છે. એ સીટની અંદર સ્ટીઅરિંગ અને કાર ચલાવવાની સંપૂર્ણ મશીનરી સમાઈ જાય છે. ચાર પાયાની જગ્યાએ ચાર વ્હીલ્સ છે અને મોટર અને એન્જિન વગેરે પલંગની બૉડીમાં સમાઈ જાય છે.
ઈદ દરમ્યાન આ યુવક રોડ પર આ અતરંગી કાર લઈને ફરતો દેખાયો હતો. ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ @noyabsk53 પરથી જે વિડિયો શૅર થયો છે એમાં તે ફુલ સ્પીડમાં આ પલંગ, સૉરી કાર ચલાવી રહ્યા છે. વચ્ચે તો ભાઈસાહેબ ઊભા થઈને શાહરુખ ખાનની જેમ બે હાથ ફેલાવીને ખાસ પૉઝ પણ આપે છે. આસપાસના લોકો તો અચંબિત છે જ, પણ વિડિયો જોનારા બધાને જલસો પડી ગયો છે. ૩.૭૭ કરોડથી વધુ લોકો આ વિડિયો જોઈ ચૂક્યા છે. એક જણે તો મસ્ત કમેન્ટ કરી છે, ‘જ્યારે બાપા કહે કે મારા ઘરમાંથી બોરિયા-બિસ્તરા લઈને નીકળી જા ત્યારે આ કામ લાગે.’ તો બીજાએ કમેન્ટ કરી છે, ‘આ જુગાડ ઇન્ડિયામાંથી બહાર ન જવો જોઈએ. આ કારીગરને પાંચ લાખ નહીં, પચાસ લાખ આપવા જોઈએ.’