04 August, 2026 05:36 PM IST | Kolkata | Gujarati Mid-day Correspondent
મૅરેજ-ઍનિવર્સરીમાં જે આમંત્રિત મહેમાનો ન આવ્યા તેમને ૫૦૦ રૂપિયાનો દંડ કર્યો
પશ્ચિમ બંગાળના હુગલી જિલ્લાના સુખેન ઘોષ નામના ભાઈ સ્થાનિક નગરપાલિકામાં કામ કરે છે. ૨૯ જુલાઈએ તેમનાં લગ્નની ઍનિવર્સરી હતી. આ અવસરે તેમણે બહુ ગ્રૅન્ડ સેલિબ્રેશન ગોઠવ્યું હતું. માત્ર સગાંસંબંધીઓ જ નહીં, પરિચિતો, સહકર્મચારીઓ અને અધિકારીઓને પણ કાર્ડ આપીને નિમંત્રણ આપવામાં આવ્યું હતું. તેમણે બહુ જ બધા લોકોને દિલ ખોલીને આ પ્રસંગમાં મહાલવા માટે નિમંત્ર્યા હતા, પણ ઘણાબધા મહેમાનો પ્રસંગમાં હાજર જ ન રહ્યા. સુખેન ઘોષનું કહેવું છે કે કાર્યક્રમમાં ન આવનારા લોકોની સંખ્યા ખૂબ વધુ હતી, એને કારણે ભોજનનો બહુ જ બગાડ થયો અને મને પણ આર્થિક નુકસાન વેઠવું પડ્યું. તેમણે જે-જે વિસ્તારોના લોકોને પ્રસંગમાં બોલાવ્યા હતા એ વિસ્તારોમાં મોટાં પોસ્ટર્સ છપાવીને ચિપકાવી દીધાં. પોસ્ટરમાં લખ્યું હતું, ‘સમારંભમાં હાજર ન રહેનારા લોકોએ મને ખૂબ દુખ પહોંચાડ્યું છે. એટલે એ બધાએ ૫૦૦ રૂપિયાનો દંડ ભરવો પડશે જે હાજર નથી રહ્યા. જે લોકો પણ નથી આવ્યા તેમણે ફોન કરીને સમય લઈને ઘરે આવીને દંપતીને આશીર્વાદ આપી જવા.’એક વ્યક્તિના ઘરે તો એકસ્ટ્રા ૨૦૦ રૂપિયાનો દંડ પણ લગાવ્યો છે. વાત એમ છે કે એક ભાઈને પોતાના કાર્યક્રમમાં આવવા માટે દાઢી કરીને તૈયાર થવા માટે સુખેને ૨૦૦ રૂપિયા આપ્યા હતા. એમ છતાં એ ભાઈ ઍનિવર્સરીના કાર્યક્રમમાં હાજર ન રહેતાં સુખેને ૫૦૦ના દંડ સાથે ૨૦૦ રૂપિયા પણ પાછા માગી લીધા.