24 March, 2025 12:53 PM IST | Washington | Gujarati Mid-day Correspondent
જુઓ સાદાઈથી પરણનાર કપલની તસવીર
અમેરિકાના વેસ્ટ વર્જિનિયામાં બાવીસ વર્ષની ઍમી બૅરોન અને ૨૪ વર્ષના હન્ટરે આ વર્ષના જાન્યુઆરીમાં એક પબ્લિક લાઇબ્રેરીમાં સાદાઈથી લગ્ન કર્યાં હતાં જેમાં ખર્ચ માત્ર ૧૦૦૦ ડૉલર એટલે કે લગભગ ૮૬,૦૦૦ રૂપિયા આવ્યો હતો. વર અને કન્યાએ મોંઘા ડ્રેસને બદલે રોજ પહેરતાં હોય એવાં જીન્સ અને શર્ટ પહેર્યાં હતાં. બેઉએ ૩૦૦ ડૉલરનાં કાઉબૉય બૂટ ખરીદ્યાં અને ૪૮૦ ડૉલર ફોટોગ્રાફરને આપ્યા. ઍમીએ મેકઅપ, સંગીત અને ભોજનની જાતે વ્યવસ્થા કરી. લગ્નમાં માત્ર ૨૦ લોકોને આમંત્રિત કરવામાં આવ્યા હતા. આ લગ્નનો વિડિયો ઍમી બૅરોને તાજેતરમાં સોશ્યલ મીડિયામાં મૂકીને લગ્નની સાદાઈ, તેમના સંઘર્ષ અને પરીકથા જેવાં લગ્ન પાર પડ્યાં એવું દર્શાવવાનો પ્રયાસ કર્યો ત્યારે યુઝર્સે તેને ભારે ટ્રોલ કરી હતી.
સોશ્યલ મીડિયા યુઝર્સે લખ્યું હતું કે આ નિરાશાજનક છે, સમગ્ર ઘટના અગ્લી (કદરૂપી) લાગે છે. બીજાએ લખ્યું કે આ ફક્ત અન્ય સામાન્ય દિવસ હતો. મોટા ભાગના મેસેજ ટીકાત્મક આવતાં ઍમીએ લખ્યું હતું કે અમે જ્યારે લગ્નનું આયોજન કરી રહ્યાં હતાં ત્યારે અમને બધાએ કહ્યું હતું કે આમ કર્યા બાદ તને પસ્તાવો થશે, પણ લોકોએ અમને ટેકો આપ્યો નહીં. જે લોકોએ અમારી ટીકા કરી છે એવા નજીકના લોકોને અમારે અમારા જીવનમાંથી દૂર કરવા પડ્યા છે. જોકે ઍમી બૅરોન હજી પણ લગ્નના વિડિયો શૅર કરી રહી છે અને જણાવે છે કે ટીકાત્મક મેસેજ અમારાં લગ્નને અસર કરશે નહીં.