08 January, 2026 02:15 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
હજી જાન્યુઆરી મહિનો શરૂ થયો છે, પણ અત્યારથી સોશ્યલ મીડિયા પર પર્ફેક્ટ ફેબ્રુઆરી ટ્રેન્ડ થઈ રહ્યો છે. આ અનોખા ટ્રેન્ડનું કારણ છે આ વર્ષે ફેબ્રુઆરીના ૨૮ દિવસોનું રવિવારથી શનિવારનાં ચાર ચોકઠાંમાં એકદમ બંધબેસતું બેસી જવું. આ વખતનો ફેબ્રુઆરી મહિનો રવિવારથી શરૂ થવાનો છે અને શનિવારે પૂરો થવાનો છે. એટલે કે સપ્તાહની શરૂઆત સાથે શરૂ થઈને સપ્તાહના છેલ્લા દિવસે પૂરો થવાને કારણે આ વર્ષના ફેબ્રુઆરીને ઇન્ટરનેટ પર યુઝર્સ પર્ફેક્ટ ફેબ્રુઆરી ગણાવી રહ્યા છે. જોકે કેટલાક લોકો એવો પણ દાવો કરે છે કે આખી દુનિયા કંઈ રવિવારને અઠવાડિયાનો પહેલો દિવસ નથી ગણતી. ઘણા દેશો સોમવારને પહેલો દિવસ ગણે છે અને રવિવારને છેલ્લો. જે હોય તે, આ ફેબ્રુઆરીને મોટા ભાગના લોકો ‘પર્ફેક્ટ’ માની તો રહ્યા છે.
આમ તો આ યુનિક ઘટના એટલી પણ યુનિક નથી. ૨૦૧૫માં એક યુઝરે સેમ-ટુ-સેમ આવા ફેબ્રુઆરી વિશે પોસ્ટ મૂકીને પર્ફેક્ટ ફેબ્રુઆરી ટ્રેન્ડ કરતી વખતે લખ્યું હતું, ‘દોસ્તો, હવે આવો ફેબ્રુઆરી ૨૦૨૬ સુધી ફરી નહીં આવે.’
અને આ લો આવી ગયું ૨૦૨૬. રવિવારે શરૂ થઈને શનિવારે પૂરા થતા ફેબ્રુઆરી મહિનાની આ સાઇકલ દર ૧૧-૧૧ અને ૬ વર્ષે રિપીટ થતી રહે છે એટલે હવે ૨૦૩૭ અને ૨૦૪૩માં ફરી આવા પર્ફેક્ટ ફેબ્રુઆરી આવશે એ નોંધી રાખવું હોય તો નોંધી રાખજો.