28 April, 2026 01:38 PM IST | Europe | Gujarati Mid-day Correspondent
પેટ ખરાબ થઈ જાય તો વાંદરા માટી ખાય છે
યુરોપના ઝિબ્રાલ્ટરના પર્વતોમાં રહેતા મકાક પ્રજાતિના વાંદરાઓના વર્તનનો અભ્યાસ કરી રહેલા વૈજ્ઞાનિકોને કેટલાક વાંદરાઓમાં અજીબોગરીબ વર્તન જોવા મળ્યું હતું. તેમણે નોંધ્યું હતું કે કેટલાક વાંદરાઓ માટી ખાતા હોય છે. આનું કારણ શું એ સમજવા માટે વૈજ્ઞાનિકોએ દરેક વાંદરાના બિહેવિયરને બહુ નજીકથી મૉનિટર કર્યું હતું. એમાં તારણ નીકળ્યું હતું કે મકાક પ્રજાતિના વાનરોને ટૂરિસ્ટો ચિપ્સ, ચૉકલેટ અને આઇસક્રીમ જેવી જન્ક ચીજો આપે છે એ બહુ ભાવે છે. જ્યારે તેઓ આ બધું ખાય છે ત્યારે તેમનું પેટ બગડે છે. પેટ બગડ્યા પછી તેઓ ચોક્કસ જગ્યાએ જઈને સ્વચ્છ માટી ખાવા લાગે છે. રિસર્ચરોએ નોંધ્યું હતું કે સહેલાણીઓના સંપર્કમાં આવનારા અને જન્ક ફૂડ ખાનારા વાંદરાઓમાં જ માટી ખાવાની આદત નોંધાઈ છે. આ આદતને મેડિકલ ભાષામાં જિયોફૅગી કહેવાય છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે જ્યારે પાચનશક્તિ ખરાબ થઈ જાય ત્યારે વાનરો માટી ખાઈને એને ઠીક કરવાની કોશિશ કરે છે. માટીમાં રહેલાં બૅક્ટેરિયા અને મિનરલ્સ પેટમાં સારા બૅક્ટેરિયાનું સંતુલન વધારે છે.