મહિલાએ પેટ્રોલ-પમ્પના ટૉઇલેટમાં જાતે જ આપ્યો બાળકને જન્મ

19 October, 2021 10:04 AM IST  |  Texas | Gujarati Mid-day Correspondent

ટેક્સસના બીસલી પ્રાંતમાં જુલાઈમાં કૅટલિન ફુલ્લરટન તેના પતિ સાથે કારમાં પ્રવાસ કરી રહી હતી

કૅટલિન ફુલ્લરટન

પ્રસવપીડા એટલે એક જીવમાંથી બીજા જીવની ઉત્પત્તિની પ્રક્રિયા ઘણી કષ્ટદાયક અને અટપટી હોય છે. ડૉક્ટરો પણ મોટા ભાગે લેબરરૂમમાં જતાં પહેલાં પોતાની સાથે ઍનેસ્થિશિયોલૉજિસ્ટ, બાળરોગનિષ્ણાત અને સેકન્ડ ઓપિનિયન માટે એક ગાયનેકોલૉજિસ્ટની ટીમને સાથે રાખતા હોય છે.

જોકે ઈશ્વર જેને બચાવવા માગે તે ક્યાંય પણ જન્મ લે, કોઈ વાંધો નથી આવતો અને તેની જીવાદોરી ટૂંકી હોય એ બાળક નિષ્ણાતોની ટીમ વચ્ચે પણ બચી નથી શકતો.

લઘુશંકાએ જવાની આશંકાએ પેટ્રોલ-સ્ટેશન પર કાર રોકનારી મહિલાએ એકલા હાથે પોતાની મેળે બાળકને જન્મ આપ્યો હતો.

ટેક્સસના બીસલી પ્રાંતમાં જુલાઈમાં કૅટલિન ફુલ્લરટન તેના પતિ સાથે કારમાં પ્રવાસ કરી રહી હતી. અચાનક તેને વૉશરૂમ જવાનું ફીલ થતાં તેણે નજીકના પેટ્રોલ-સ્ટેશન પર કાર રોકાવી હતી. કૅટલિન સગર્ભા હતીઽ પણ હાલમાં ડિલિવરી થવાની કોઈ સંભાવના તેને જણાતી ન હોવાથી વૉશરૂમ જવાની ઇચ્છા સમજીને તેણે કાર રોકાવી હતી. જોકે વૉશરૂમમાં જતાં જ તેને લેબર પેઇન થઈ રહ્યું હોવાનો ખ્યાલ આવી ગયો હતો. માત્ર ૧૦ જ મિનિટમાં તે પોતાના નવજાત શિશુ સાથે બહાર આવી હતી.

અવિશ્વસનીય બાબત એ છે કે કૅટલિનને શૌચાલયની અંદર કોઈ મદદ ઉપલબ્ધ  નહોતી. અહેવાલ અનુસાર તેણે પોતે જ એકલા હાથે બાળકને જન્મ આપ્યો હતો.

બાળકના જન્મ બાદ તરત જ કૅટલિન અને નવજાત શિશુને નજીકની હૉસ્પિટલ લઈ જવામાં આવી હતી. માતા અને બાળક બન્નેનું સ્વાસ્થ્ય સારું છે.

offbeat news international news texas