03 August, 2026 05:22 PM IST | Mewar | Gujarati Mid-day Correspondent
મેવાડમાં હજી પૂરતો વરસાદ ન પડતાં મંદિરો અને દુકાનોની બહાર મહિલાઓએ મટકાં ફોડ્યાં
ભારતમાં કેટલાંક ઠેકાણે તો પૂર જેવી સ્થિતિ નિર્માણ થઈ છે, પરંતુ રાજસ્થાનના મેવાડ વિસ્તારમાં હજી સારો વરસાદ આવ્યો નથી. એવામાં મહિલાઓએ ઇન્દ્રદેવને રીઝવવા માટે સદીઓ જૂની અનોખી પરંપરા નિભાવી હતી. શુક્રવારે સાંજે ભોઈવાડાના રાજમાળી સમાજની મહિલાઓએ ઘરેથી પાણી ભરેલાં માટલાં લઈને રસ્તામાં સરઘસ કાઢ્યું હતું. માટલાં લઈને ગણગૌર ઘાટ પહોંચેલી મહિલાઓએ પહેલાં ત્યાં આવેલા સરોવરની પૂજા-અર્ચના કરી અને ઘૂઘરી નામની વાનગીનો ભોગ ધરાવ્યો. એ પછીથી ઘરે પાછા ફરતી વખતે એ માટલાં મંદિરો અને દુકાનોની ચોખઠ પર ફેંકીને ફોડ્યાં હતાં. આ પરંપરા પાછળ માન્યતા છે કે દુકાનદારો આ માટલાં ફૂટવાથી ગુસ્સે થાય તો એ નારાજગી ઇન્દ્રદેવ સુધી પહોંચે છે અને તેઓ પણ ધરતી પર વરસવા આવી જાય છે. બીજી તરફ કેટલાક લોકો માને છે કે મહિલાઓ જે દુકાનની બહાર માટલું ફોડે એ દુકાનમાં સારી બરકત થાય છે.