નોએડામાં ૫૦૦ ટન લોખંડના વેસ્ટમાંથી વન્ડરલૅન્ડ તૈયાર થયું

19 September, 2025 02:32 PM IST  |  Noida | Gujarati Mid-day Correspondent

નોએડા-દિલ્હી-ફરીદાબાદની બૉર્ડર પર યુમના કિનારે ૧૮.૩ એકરમાં ફેલાયેલા આ પાર્કનું ૨૫ સપ્ટેમ્બરે લોકાર્પણ થવાનું છે

આ પાર્કમાં તમામ જંગલી પ્રાણીઓનાં વિવિધ શેપનાં લોખંડનાં શિલ્પો છે.

દિલ્હીના ‘ભારત દર્શન પાર્ક’ અને ‘વેસ્ટ ટુ વન્ડર પાર્ક’ની જેમ હવે નોએડાના સેક્ટર ૯૪માં વેસ્ટમાંથી એક પાર્ક તૈયાર થઈ ગયો છે. એનું નામ છે નોએડા જંગલ ટ્રેઇલ પાર્ક. નોએડા-દિલ્હી-ફરીદાબાદની બૉર્ડર પર યુમના કિનારે ૧૮.૩ એકરમાં ફેલાયેલા આ પાર્કનું ૨૫ સપ્ટેમ્બરે લોકાર્પણ થવાનું છે. એમાં વેસ્ટ મટીરિયલમાંથી બનેલાં ૮૦૦ પશુ-પંખીઓનાં શિલ્પો હશે. એમાં હજારો કિલો લોખંડનો કબાડ વપરાયો છે. એમાં ૫૦૦ કિલોના વેસ્ટમાંથી ડાયનોસૉર પણ બનાવ્યું છે. ૧૫ કરોડ રૂપિયાના ખર્ચે બનેલા આ પાર્કમાં તમામ જંગલી પ્રાણીઓનાં વિવિધ શેપનાં લોખંડનાં શિલ્પો છે. આ જંગલ પાર્કમાં આફ્રિકન સિંહ, હાથી, જિરાફ; એશિયન ટાઇગર, હરણ; ઑસ્ટ્રેલિયન કાંગારૂ અને ઈમુ જેવાં પ્રાણીઓ જોવા મળશે. ઠંડા ધ્રુવપ્રદેશમાં જોવા મળતાં પૅન્ગ્વિન અને પોલર બેઅર પણ અહીં હશે. આ પાર્કમાં નાઇટ સફારીની પણ સુવિધા હશે. સાંજે અને રાતની રોશનીમાં આ વન્યજીવોની પ્રતિમા જીવંત મહેસૂસ થાય એવી રીતે બનાવવામાં આવી છે. 
પાર્કમાં એન્ટ્રી-ફી ૧૦૦ રૂપિયાની હશે અને એમાં ઝિપલાઇનિંગ અને હાઈ રોપ જેવી ઍડ્વેન્ચર ઍક્ટિવિટીઝ પણ થશે.

offbeat news noida india new delhi delhi wildlife environment