બૉસે ઊંચા અવાજે વાત કરી તો યુવતીએ નોકરી છોડી દીધી: Gen Z વર્ક કલ્ચર ફરી ચર્ચામાં

13 May, 2026 07:38 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Workplace Debate: મુંબઈની એક યુવતી દ્વારા સોશિયલ મીડિયા પર શેર કરાયેલો વીડિયો હાલમાં ભારે વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોએ કર્મચારીઓના આત્મસન્માન, અનપેઇડ ઓવરટાઈમ અને આજની યુવા પેઢીની બદલાતી ઓફિસ સંસ્કૃતિ અંગે મોટી ચર્ચા જગાવી છે.

વાયરલ વીડિયોનો સ્ક્રીન ગરૅબ (તસવીર સૌજન્ય: સોશિયલ મીડિયા)

મુંબઈની એક યુવતી દ્વારા સોશિયલ મીડિયા પર શેર કરાયેલો વીડિયો હાલમાં ભારે વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોએ કર્મચારીઓના આત્મસન્માન, અનપેઇડ ઓવરટાઈમ અને આજની યુવા પેઢીની બદલાતી ઓફિસ સંસ્કૃતિ અંગે મોટી ચર્ચા જગાવી છે. 26 વર્ષની ધ્રુપદી નામની યુવતીએ ઈન્સ્ટાગ્રામ પર પોતાની નોકરી છોડવાની કહાની શેર કરી હતી. તેણે જણાવ્યું કે લગભગ ત્રણ વર્ષ સુધી એક મ્યુઝિક એડ-ટેક કંપનીમાં કામ કર્યા બાદ તેણે નોકરી છોડી દેવાનો નિર્ણય કેમ લીધો. તેની આ પોસ્ટ હજારો લોકો સાથે જોડાઈ ગઈ અને હવે આ મુદ્દો માત્ર વ્યક્તિગત અનુભવ નહીં, પરંતુ કોર્પોરેટ વર્ક કલ્ચર અંગેની ચર્ચાનો વિષય બની ગયો છે.

વાયરલ વીડિયો

વાયરલ વીડિયોમાં એક ઓડિયો ક્લિપ સંભળાય છે, જેમાં ધ્રુપદીના મેનેજરે ઓવરટાઈમ માટે વળતર માગવા બદલ ઊંચા અવાજમાં જવાબ આપ્યો હોવાનું કહેવાય છે. ઓડિયોમાં મેનેજરને  કહેતા સંભળાય છે, “તમારે બધા મારા નિયમો પ્રમાણે ચાલવું પડશે. જો તમને પસંદ ન હોય તો તમે કાલથી જ નોકરી છોડી શકો છો.” આ ઓડિયો સાથે વીડિયોમાં કેપ્શન દેખાય છે કે, “બે વર્ષ કામ કર્યા પછી મેં માત્ર ઓવરટાઈમનું વળતર માગ્યું હતું.” ત્યારબાદ વીડિયોમાં આગળ લખાય છે, “તો મેં રાજીનામું આપી દીધું.”

ધ્રુપદીએ પોતાની પોસ્ટમાં લખ્યું કે, “ઓછો પગાર સહન કરી શકાય, પરંતુ અપમાન નહીં.” તેણે જણાવ્યું કે જ્યાં કર્મચારીઓની વાતને જાહેરમાં અવગણવામાં આવે છે, ત્યાં કામ કરતા આત્મસન્માન વધારે મહત્વનું છે. તેના જણાવ્યા અનુસાર, તેણે કંપનીમાં બે વર્ષ અને સાત મહિના સુધી કામ કર્યું હતું અને પોતાની સારી પ્રોફેશનલ આઇડેન્ટિટી બનાવી હતી. લાંબા સમય સુધી ઓફિસના નક્કી કરેલા સમય કરતાં વધારે કલાકો કામ કર્યા બાદ તેણે સત્તાવાર રીતે વધારાના કામ માટે વળતર અને જવાબદારીની માગ કરી હતી.

ધ્રુપદીનો દાવો છે કે ચર્ચા અને સમાધાનના બદલે તેને જાહેરમાં અપમાનિત કરવામાં આવી હતી. મામલો પ્રોફેશનલી ઉઠાવી માફીની માગ કરી છતાં કોઈ યોગ્ય કાર્યવાહી ન થતાં તેણે અંતે રાજીનામું આપવાનો નિર્ણય લીધો. પોતાના અનુભવ અંગે તેણે લખ્યું કે, “મને ગર્વ છે કે હું એવી પેઢીનો ભાગ છું જે હવે પોતાની મર્યાદા અને હક માટે જાહેરમાં અવાજ ઉઠાવવા ડરતી નથી.”

આ વીડિયોએ આજની Gen Z પેઢીની બદલાતી માનસિકતા પર પણ પ્રકાશ પાડ્યો છે. ધ્રુપદીના મત અનુસાર, આજના યુવાનો હવે માત્ર “પરફેક્ટ દેખાવા” કરતાં સાચી અને પ્રામાણિક વાતોને વધારે મહત્વ આપે છે. તેની દ્રષ્ટિએ જેન ઝી ક્રીએટર્ઝની લોકપ્રિયતા અને વર્કપ્લેસ પ્રત્યે વધી રહેલી અસંતોષની લાગણી એકબીજાથી જોડાયેલી છે.

આ ઘટના ખાસ કરીને યુવા પ્રોફેશનલ્સ વચ્ચે ચર્ચાનો વિષય બની છે, કારણ કે આજની પેઢી નોકરી પ્રત્યેની પરંપરાગત વફાદારી કરતાં માનસિક સ્વાસ્થ્ય, યોગ્ય વેતન અને સન્માનજનક વર્તનને વધારે પ્રાથમિકતા આપી રહી છે. સોશિયલ મીડિયા પર ઘણા લોકોએ ધ્રુપદીના નિર્ણયને સમર્થન આપ્યું. એક યુઝરે લખ્યું કે, “તમારા આ નિર્ણય પર મને ગર્વ છે. તમે પોતાને વધુ સમય સુધી ‘ટેકન ફોર ગ્રાન્ટેડ’ થવા દીધા નહીં.” જ્યારે બીજા એક યુઝરે લખ્યું કે, “જ્યાં સુધી સરકાર બિનપગાર વધારાના કામ સામે કડક કાયદા નહીં લાવે, ત્યાં સુધી ટેલેન્ટ વિદેશમાં તક શોધતું રહેશે.”

social media viral videos jobs and career career and jobs mental health offbeat videos offbeat news