વિશ્વનો સૌથી વહેલો જન્મેલો પ્રીમૅચ્યોર બાળક થયો એક વર્ષનો

22 June, 2021 09:40 AM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

ડિલિવરીની તારીખના લગભગ પાંચ મહિના વહેલા જન્મેલા રિચર્ડનું વજન માત્ર ૩૩૭ ગ્રામ હતું

રિચર્ડ સ્કૉટ વિલિયમ હચિન્સન

રિચર્ડ સ્કૉટ વિલિયમ હચિન્સન પાંચમી જૂને એક વર્ષનો થયો હતો. ડિલિવરીની તારીખના લગભગ પાંચ મહિના વહેલા જન્મેલા રિચર્ડનું વજન માત્ર ૩૩૭ ગ્રામ હતું. રિચર્ડની મમ્મી બેથની સગર્ભાવસ્થામાં કેટલીક જટિલતા હોવાને કારણે પ્રીમૅચ્યોર જન્મેલા રિચર્ડના બચવાની આશા તો ડૉક્ટરોએ પણ નહોતી રાખી, પરંતુ જન્મ બાદ તેણે વિશ્વના સૌથી વહેલા જન્મેલા પ્રીમૅચ્યોર બાળક તરીકે ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સમાં સ્થાન મેળવ્યું હતું.

જન્મ સમયે રિચર્ડ એટલો બધો નાનો હતો કે તેનાં મમ્મી-પપ્પા તેને એક હાથમાં લઈ શકતાં હતાં. જોકે ડૉક્ટરોએ તેના બચવાની આશા નહીંવત્ હોવાનું જણાવતાં તેઓ આઘાતમાં સરી પડ્યાં હતાં. કોવિડ પ્રોટોકોલને લીધે રિચર્ડનાં માતા-પિતા તેને જ્યાં રાખવામાં આવ્યો હતો એ નિયો-નેટલ વૉર્ડમાં જઈ પણ નહોતાં શકતાં. ૬ મહિના નિયો-નેટલ આઇસીયુમાં રહ્યા બાદ રિચર્ડનું સ્વાસ્થ્ય સુધરતાં તેને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો જે રિચર્ડનનાં માતાપિતા તો ઠીક, હૉસ્પિટલના સ્ટાફ માટે પણ ચમત્કારથી ઓછું નહોતું. આ વર્ષે પાંચમી જૂને રિચર્ડે તેનાં માતા-પિતા અને ઘરમાં પાળેલા ત્રણ ડૉગી સાથે પોતાનો પહેલો જન્મદિવસ મનાવ્યો હતો.

offbeat news international news