૧૦૮ વર્ષના દાદા અને ૧૦૭ વર્ષનાં દાદી છે વિશ્વનાં સૌથી વયસ્ક પતિ-પત્ની

08 November, 2025 09:25 PM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

એક તો તેઓ સૌથી વયસ્ક પતિ-પત્ની છે અને બીજો, તેઓ સૌથી લાંબું લગ્નજીવન જીવનારું યુગલ છે. આ ઉંમરે પણ બન્ને એકમેકના પ્રેમમાં એવાં જ ડૂબેલાં છે જાણે હજી કૉલેજમાંથી બહાર આવ્યાં હોય.

૧૦૮ વર્ષના દાદા અને ૧૦૭ વર્ષનાં દાદી છે વિશ્વનાં સૌથી વયસ્ક પતિ-પત્ની

અમેરિકામાં એક સેન્ચુરિયન કપલ છે જે પૃથ્વી પર હયાત હોય એવાં સૌથી વૃદ્ધ પતિ-પત્નીનો દરજ્જો ધરાવે છે. ૧૦૮ વર્ષના લાયલ નામના દાદા અને ૧૦૭ વર્ષનાં એલીનોર નામનાં દાદી પહેલી વાર ૧૯૪૧માં એક કૉલેજમાં સ્ટુડન્ટ્સ હતાં ત્યારે મળેલાં. પહેલી જ નજરે પ્રેમ થઈ જાય એવું જ કંઈક આ યુગલ વચ્ચે બન્યું. મુલાકાતના બીજા વર્ષે તો તેમણે લગ્ન પણ કરી નાખ્યાં. આજે ૮૩ વર્ષથી બન્ને સાથે છે. ૧૯૪૨ની ચોથી જૂને તેમણે લગ્ન કર્યાં હતાં. લગ્નજીવનથી તેમને એક દીકરો અને બે દીકરી છે અને તેમનો પરિવાર પણ હર્યોભર્યો થઈ ગયો છે. અમેરિકાનું આ યુગલ બબ્બે ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સ ધરાવે છે. એક તો તેઓ સૌથી વયસ્ક પતિ-પત્ની છે અને બીજો, તેઓ સૌથી લાંબું લગ્નજીવન જીવનારું યુગલ છે. આ ઉંમરે પણ બન્ને એકમેકના પ્રેમમાં એવાં જ ડૂબેલાં છે જાણે હજી કૉલેજમાંથી બહાર આવ્યાં હોય. આવો તરોતાજા પ્રેમ કઈ રીતે જાળવી શક્યાં એવું જ્યારે તેમને પૂછવામાં આવ્યું તો તેમનું કહેવું હતું કે અમે રોજ સાથે બેસીને એક ડ્રિન્ક શૅર કરીએ છીએ. અમારો આ નિયમ અમને પરસ્પર પ્રત્યેના પ્રેમને જીવંત રાખવા માટે પૂરતો છે. 

united states of america offbeat news international news world news relationships