22 October, 2026 03:39 PM IST | Bihar | Gujarati Mid-day Correspondent
મોનુ મેટુરબાલા
આ કળિયુગમાં જો મૉડર્ન શ્રવણ કુમારની મિસાલ જોવી હોય તો બિહારના અરરિયામાં રહેતા ૧૯ વર્ષના મોનુ મેટુરબાલાને મળવું પડે. તેણે પોતાની બીમાર મમ્મી સાજી થઈ જાય એ માટે મહાદેવની માનતા રાખી હતી કે જો મમ્મી સાજી થઈ જાય તો તે દોડીને ૧૨ જ્યોતિર્લિંગનાં દર્શન કરશે. હવે મમ્મીની તબિયત સુધારા પર આવતાં તેણે એ માનતા પૂરી કરવાનું પણ આરંભી દીધું છે. મોનુએ આ યાત્રા ૧૫ માર્ચે શરૂ કરી હતી અને અત્યાર સુધીમાં ૮૦૦૦ કિલોમીટર જેટલું દોડીને તેણે ૬ જ્યોતિર્લિંગનાં દર્શન કરી પણ લીધાં છે. હવે તે મધ્ય પ્રદેશના ઓમકારેશ્વર તરફ દોડતો નીકળ્યો છે.
મોનુનું કહેવું છે કે ‘મમ્મીની તબિયત અચાનક ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી. ડૉક્ટરોએ આશા છોડી દીધી હતી એટલે મારો આખો પરિવાર ખૂબ નિરાશ થઈ ગયો હતો. ત્યારે મેં ભગવાનના દરબારમાં જઈને મમ્મીનાં લાંબા આયુષ્ય અને સલામતી માટે કઠિન તપ જેવી માનતા માગી હતી.’
ડૉક્ટરોને જે અસંભવ લાગતું હતું એ સંભવ બન્યું અને મોનુની મમ્મીની તબિયતમાં સુધારો થયો. તેની મમ્મી સાજી થઈને ઘરે આવી એટલે મોનુ પણ અસંભવ લાગતી માનતા પૂરી કરવા નીકળી પડ્યો. તે ૭ મહિનાથી દોડે છે. રોજ ૫૦ કિલોમીટરનું અંતર કાપે છે. ઘરેથી નીકળીને તે સૌથી પહેલાં ઓડિશાના જગન્નાથ પુરી ગયો હતો. એ પછી તેણે જ્યોતિર્લિંગની યાત્રા શરૂ કરી. હતી ઝારખંડના પરળી વૈજનાથ ધામ, આંધ્ર પ્રદેશના શ્રી શૈલમ મલ્લિકાર્જુન, તામિલનાડુના રામેશ્વરમ, મહારાષ્ટ્રના ઘ્રિષ્ણેશ્વર, ભીમાશંકર અને યંબકેશ્વર થઈને હવે તેણે મધ્ય પ્રદેશના ઓમકારેશ્વર તરફ પ્રયાણ કર્યું છે.જ્યાં-જ્યાંથી તે દોડતો નીકળે છે ત્યાં-ત્યાં લોકો તેની ફિટનેસ, સહનશક્તિ અને માતૃભક્તિની સરાહના કરે છે.