બૅન્ગલોરમાં ફ્લાઇટની ટિકિટ ખરીદીને ઍરપોર્ટનો વિડિયો શૂટ કરનારા યુટ્યુબરની અરેસ્ટ

19 April, 2024 10:20 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પોલીસના જણાવ્યા પ્રમાણે ટિકિટ હોવાથી તેને ટર્મિનલ-ટૂ પરથી પ્રવેશ તો મળી ગયો હતો, પણ પ્લેનમાં બેસવાના બદલે તે ઍરપોર્ટ એરિયામાં ફરીને વિડિયો શૂટ કરતો રહ્યો હતો.

વિકાસ ગૌડા

દુનિયાભરમાં યુટ્યુબરો વ્યુઝ, સબસ્ક્રાઇબર્સ વધારવાના ચક્કરમાં અવનવા તુક્કા અજમાવતા હોય છે, પણ બૅન્ગલોરમાં આવું કંઈક કરવા જતાં યુટ્યુબરને જેલની હવા ખાવી પડી હતી. વિકાસ ગૌડા નામનો યુટ્યુબર પોતાની ચૅનલ માટે બૅન્ગલોરના કેમ્પેગૌડા ઍરપૉર્ટનો વિડિયો શૂટ કરવા માગતો હતો. જોકે ફ્લાઇટની ટિકિટ વગર ઍરપોર્ટમાં એન્ટ્રી ન મળે એટલે તે ચેન્નઈ જતી ઍર ઇન્ડિયાની ફ્લાઇટની ટિકિટ બુક કરાવી ઍરપોર્ટ પર પહોંચી ગયો હતો. પોલીસના જણાવ્યા પ્રમાણે ટિકિટ હોવાથી તેને ટર્મિનલ-ટૂ પરથી પ્રવેશ તો મળી ગયો હતો, પણ પ્લેનમાં બેસવાના બદલે તે ઍરપોર્ટ એરિયામાં ફરીને વિડિયો શૂટ કરતો રહ્યો હતો. આશરે ૬ કલાક સુધી તેણે શૂટિંગ કર્યું હતું. એ પછી ફ્લાઇટ ચૂકી ગયો છું એમ કહીને તે ઍરપોર્ટની બહાર નીકળી ગયો હતો. જોકે બાદમાં ઍરપોર્ટની સિક્યૉરિટી સંભાળતા સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યૉરિટી ફૉર્સ (CISF)ના અધિકારીની ફરિયાદ બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી.

offbeat videos offbeat news social media bengaluru