02 November, 2025 11:36 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
મેન્સ T20 એશિયા કપ 2025માં ચૅમ્પિયન બન્યા છતાં ભારતીય ટીમ હજી પણ ટ્રોફી ઉપાડી નથી શકી. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) અને એશિયન ક્રિકેટ બોર્ડ (ACC)ના વડા મોહસિન નકવીની નફટાઈને લીધે ભારતીય ક્રિકેટ બોર્ડ હવે કડક પગલાં લેવાની તૈયારી કરી રહ્યું છે. આ વિવાદમાં ક્રિકેટ બોર્ડના સચિવ દેવજિત સૈકિયાએ ભારતીય ફૅન્સને ખાતરી આપી છે કે એશિયા કપ ટ્રોફી ભારત આવશે.
તેઓ કહે છે, ‘એક મહિના પછી પણ ટ્રોફી અમને સોંપવામાં આવી નથી એનાથી અમે થોડા નારાજ છીએ. અમે લગભગ ૧૦ દિવસ પહેલાં ACCના પ્રમુખને પત્ર લખ્યો હતો પરંતુ તેમના વલણમાં કોઈ ફેરફાર થયો નથી. તેમણે હજી પણ ટ્રોફી પકડી રાખી છે પરંતુ અમને આશા છે કે એ ટ્રોફી એક-બે દિવસમાં મુંબઈની ક્રિકેટ બોર્ડની ઑફિસમાં પહોંચી જશે. અમે ૪ નવેમ્બરથી દુબઈમાં શરૂ થતી ICC મીટિંગમાં આ મુદ્દો ઉઠાવવાના છીએ.’