10 November, 2025 04:06 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ (તસવીર: X)
ઑસ્ટ્રેલિયાનો દિગ્ગજ ક્રિકેટર સ્ટીવ સ્મિથ ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. જોકે આ વખતે તે કોઈ બાઉન્ડ્રી કે બૅટિંગનો રેકોર્ડ બનાવવા માટે નહીં, પરંતુ ટૉસ દરમિયાન તેની ભૂલ માટે સોશિયલ મીડિયા પર તેની ખૂબ જ ચર્ચા થઈ રહી છે અને વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. આઠ વર્ષમાં પહેલી વાર ન્યૂ સાઉથ વેલ્સની આગેવાની લેતા, સ્મિથ ઍશિઝની તૈયારીઓના ભાગ રૂપે વિક્ટોરિયા સામે શૅફિલ્ડ શીલ્ડ મૅચ માટે સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર ઉતર્યો છે. પરંતુ જ્યારે ટૉસ કરવાનો સમય આવ્યો, ત્યારે સ્ટેન્ડ-ઇન ઑસ્ટ્રેલિયન કૅપ્ટન ગભરાઈ ગયો, જેના કારણે બ્રોડકાસ્ટરો પણ હસી પડ્યા હતા અને તેમનો અવાજ પણ વીડિયોમાં સંભળાઈ રહ્યો છે. “મને લાગે છે કે તેને કોઈન ટૉસ કરવા માટે થોડી પ્રૅક્ટિસની જરૂર છે જે આઘાતજનક હતું,” એક કૉમેન્ટેટરે મજાકમાં કહ્યું કારણ કે સ્મિથ પોતાની આ ભૂલ પર હસ્યો હતો.
સ્ટીવ સ્મિથની ઍશિઝ ટૅસ્ટ માટે તૈયારીઓ
આ વાયરલ વીડિયો એવા સમયે સામે આવ્યો જ્યારે 34 વર્ષીય ખેલાડી 21 નવેમ્બરથી પર્થ સ્ટેડિયમ ખાતે શરૂ થનારી આગામી ઍશિઝ સીરિઝની શરૂઆતની ટૅસ્ટમાં ઑસ્ટ્રેલિયાનું નેતૃત્વ કરવા માટે તૈયારી કરી રહ્યો છે. નિયમિત કૅપ્ટન પૅટ કમિન્સ પ્રથમ મૅચમાં ઉપલબ્ધ નહીં રહે જેથી, સ્મિથને કમાન સંભાળશે, સ્મિથ ફરી એકવાર સૌથી લાંબા ફોર્મેટમાં નેતૃત્વની ફરજો સાંભળવા જઈ રહ્યો છે. સ્મિથ શાનદાર ફોર્મમાં છે, તાજેતરમાં શૅફિલ્ડ શીલ્ડમાં વાપસી કરતી વખતે તેણે સદી ફટકારી છે અને લાંબા સમયથી તેની કારકિર્દીને વ્યાખ્યાયિત કરતી દૃઢ નિશ્ચય દર્શાવી રહ્યો છે. ઑસ્ટ્રેલિયા બૅન સ્ટોક્સના નેતૃત્વ હેઠળ આક્રમક ઇંગ્લૅન્ડ ટીમ સામે તાજ બચાવવા માટે તૈયારી કરી રહ્યું છે, ત્યારે સ્મિથની સંયમ અને રન બનાવવાની ક્ષમતા પર બધાની નજર રહેશે. 2018 ના ‘સૅન્ડપેપર ગેટ’ કૌભાંડ પછી, સ્મિથે ઑસ્ટ્રેલિયાના પૂર્ણ-સમયના કૅપ્ટન તરીકેનો તેનો કાર્યકાળ સમાપ્ત કર્યો આ સાથે તેણેપૅટ કમિન્સના નેતૃત્વમાં છ વખત કૅપ્ટન તરીકે પણ સેવા આપી છે.
ફરી ઑસ્ટ્રેલિયાની કૅપ્ટનસી સંભાળશે સ્મિથ?
ઑસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમના ચીફ સિલેક્ટર જ્યૉર્જ બેઇલીએ ઇંગ્લૅન્ડ સામેની ઍશિઝ ટેસ્ટ-સિરીઝ અંગે મોટું નિવેદન આપ્યું છે. ઑસ્ટ્રેલિયા આ ભૂતપૂર્વ કૅપ્ટને પુષ્ટિ કરી છે કે ‘જો પૅટ કમિન્સ સંપૂર્ણ ફિટ ન હોવાને કારણે નહીં રમે તો ઍશિઝમાં સ્ટીવ સ્મિથ કૅપ્ટન્સી કરશે. અમારા માટે આ ફૉર્મ્યુલા પહેલાં પણ કામ કરી ગઈ છે. તે રમી રહ્યો હોય કે ન રમી રહ્યો હોય, પૅટ કમિન્સ ટીમમાં રહેવા માટે ઉત્સુક છે કારણ કે જો તે રમી રહ્યો ન હોય તો તે રીહૅબિંગ, તૈયારી અને બોલિંગ કરશે તેથી ટીમની સાથે જ રહેશે.’