25 June, 2026 03:34 PM IST | Dublin | Gujarati Mid-day Online Correspondent
બન્ને ટીમના કૅપ્ટન
મેદાન પર જ્યારે એક જ સમયે બે મહામુકાબલા આવી જાય, ત્યારે ક્રિકેટ રસિકો માટે ટીવી સ્ક્રીન વહેંચવી મુશ્કેલ બની જાય છે. કંઈક આવો જ રોમાંચક વળાંક આ રવિવારે આવવાનો છે, જેને ધ્યાનમાં રાખીને ક્રિકેટ આયર્લેન્ડ (Cricket Ireland)એ એક મોટો નિર્ણય લીધો છે.
આ રવિવાર, ૨૮ જૂનના રોજ હરમનપ્રીત કૌર (Haramanpreet Kaur)ની આગેવાની હેઠળની ભારતીય મહિલા ટીમ (Indian Women Cricket Team) લોર્ડ્સ (Lords)ના ઐતિહાસિક મેદાન પર ઓસ્ટ્રેલિયા (Australia) સામે વર્લ્ડ કપનો (ICC Women`s T20I World Cup 2026) મહામુકાબલો રમવા ઉતરશે. બરાબર આ જ સમયે પુરુષો (Indian Mens Cricket Team)ની ટીમ પણ આયર્લેન્ડ (Ireland) સામે મેદાન પર હશે.
ક્રિકેટ રસીકો કોઈપણ અડચણ વિના બંને મેચોની પૂરેપૂરી મજા માણી શકે, એટલા માટે જ ભારત અને આયર્લેન્ડ વચ્ચે રમાનારી બે ટી૨૦ (India vs Ireland T20I) મેચોના સમયમાં જાણીજોઈને ફેરફાર કરવામાં આવ્યો છે.
ક્રિકેટ આયર્લેન્ડે બુધવારે મોડી રાત્રે આ વાતની પુષ્ટિ કરી છે, કે ભારત સામે રમાનારી બે ટી20 આંતરરાષ્ટ્રીય મેચ સ્થાનિક સમય મુજબ બપોરે ૧.૩૦ વાગ્યે, એટલે કે ભારતીય સમય અનુસાર સાંજે ૬.૦૦ વાગ્યે શરૂ થશે.
સામાન્ય રીતે, ભારત સાથે જોડાયેલી ટી20 આંતરરાષ્ટ્રીય મેચો ભારતીય સમય અનુસાર સાંજે ૭.૦૦ વાગ્યે શરૂ થતી હોય છે, પરંતુ આ વખતે રવિવારે રમાનારી ભારત-ઓસ્ટ્રેલિયા મહિલા વિશ્વ કપ મેચના કારણે શરૂઆતના સમયને જાણીજોઈને એક કલાક વહેલો કરવામાં આવ્યો છે. હરમનપ્રીતની ટીમનો આ મહત્વપૂર્ણ મુકાબલો લોર્ડ્સ મેદાન પર ભારતીય સમય અનુસાર સાંજે ૭.૦૦ વાગ્યે શરૂ થવાનું નક્કી છે.
શુક્રવાર (૨૬ જૂન) અને રવિવાર (૨૮ જૂન)ના રોજ યોજાનારી આ મેચોના આયોજક `ક્રિકેટ આયર્લેન્ડ`એ આ બાબતે ભારતીય મીડિયા પાર્ટનર `સોની સ્પોર્ટ્સ` (Sony Sports) સાથે ચર્ચા કરી છે.
સામાન્ય પરિસ્થિતિઓમાં, બ્રોડકાસ્ટર (પ્રસારણકર્તા) ભારતીય ટી20 મેચો માટે ભારતીય સમય અનુસાર સાંજે ૭.૦૦ વાગ્યાનો સમય પસંદ કરે છે, પરંતુ એવું માનવામાં આવે છે કે સોની સ્પોર્ટ્સ આ સમયના સંઘર્ષને આંશિક રીતે જ સાચો, પણ ઓછો કરવા માટે આ સુધારેલા સમય પર સહમત થઈ ગયું છે.
શ્રેયસ અય્યર (કેપ્ટન), તિલક વર્મા (વાઇસ કેપ્ટન), અભિષેક શર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), ઇશાન કિશન (વિકેટકીપર), વૈભવ સૂર્યવંશી, શિવમ દુબે, નીતિશ કુમાર રેડ્ડી, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, વરુણ ચક્રવર્તી, રવિ બિશ્નોઈ, મોહમ્મદ સિરાજ, હર્ષિત રાણા, અર્શદીપ સિંહ, પ્રિન્સ યાદવ.
આયર્લેન્ડ શ્રેણીની તરત જ પછી ઇંગ્લેન્ડ (England)માં રમાનારી પાંચ ટી20 આંતરરાષ્ટ્રીય મેચો (England vs India T20I) શરૂ થવાનો સમય અલગ-અલગ છે. જેમાં બે મેચ પરંપરાગત રીતે ભારતીય સમય અનુસાર સાંજે ૭.૦૦ વાગ્યે શરૂ થશે. જેમાં ૪ જુલાઈએ માન્ચેસ્ટર (Manchester)માં રમાનારી બીજી ટી20 અને ૧૧ જુલાઈએ સાઉધેમ્પટન (Southampton)માં રમાનારી પાંચમી ટી20 સામેલ છે. જ્યારે ચેસ્ટર-લી-સ્ટ્રીટ (Chester-le-Street), નોટિંગહામ (Nottingham) અને બ્રિસ્ટલ (Bristol) ખાતે રમાનારી અન્ય ત્રણ મેચો ભારતીય સમય અનુસાર રાત્રે ૧૦.૦૦ વાગ્યે શરૂ થવાની છે. ત્યારબાદ રમાનારી ત્રણેય વનડે મેચો પોતાના નક્કી કરેલા સમય એટલે કે ભારતીય સમય અનુસાર બપોરે ૩.૩૦ વાગ્યે શરૂ થશે.
ભારતમાં ઇંગ્લેન્ડ શ્રેણીના બ્રોડકાસ્ટર્સ સોની સ્પોર્ટ્સ (લીનિયર/ટીવી) અને જીઓસ્ટાર (ડિજિટલ) બંને છે.