✕

તમામ SENA દેશોમાં ટેસ્ટ-સદી ફટકારનાર પ્રથમ એશિયન વિકેટકીપર-બૅટર બન્યો રિષભ પંત

23 November, 2026 02:47 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપમાં હાલમાં ૪૩ મૅચમાં ૩૦૭૬ રન સાથે રિષભ પંત ભારતનો હાઇએસ્ટ રન-સ્કોરર અને ઓવરઑલ ૧૦મો સૌથી વધુ રન કરનાર બૅટર છે.

રિષભ પંત

વેલિંગ્ટન ટેસ્ટ-મૅચમાં રિષભ પંતે પાંચમા ક્રમે રમીને ૧૫૩ બૉલમાં ૧૦ ફોર, ૬ સિક્સની મદદથી ૧૨૮ રન કર્યા હતા. ૯૯ રનના સ્કોરે સિક્સ ફટકારીને ૧૩૫ બૉલમાં સદી પૂરી કરનાર રિષભ પંતે આ ઇનિંગ્સથી શાનદાર રેકૉર્ડ પોતાના નામે કર્યા હતા. સ્પિનર રચિન રવીન્દ્રની ઓવરમાં તે નૅથન સ્મિથના હાથે કૅચઆઉટ થયો હતો. તમામ ચાર SENA દેશો (સાઉથ આફ્રિકા, ઇંગ્લૅન્ડ, ન્યુ ઝીલૅન્ડ અને ઑસ્ટ્રેલિયા)માં ટેસ્ટ-સદી ફટકારનાર રિષભ પંત પ્રથમ એશિયન વિકેટકીપર-બૅટર બન્યો છે. હવે ટોટલ ૬ ભારતીય અને ૯ એશિયન બૅટર તમામ ૪ SENA દેશોમાં ટેસ્ટ-સદી ફટકારી ચૂક્યા છે. રિષભ પંતે ન્યુ ઝીલૅન્ડમાં પહેલી વખત, ઑસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકામાં ૧-૧ વખત અને ઇંગ્લૅન્ડમાં ૪ વખત ટેસ્ટ-સદી ફટકારી છે. ૯ ટેસ્ટ-સદીમાંથી માત્ર બે સદી તેણે ઘરઆંગણે ફટકારી હતી. વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપમાં હાલમાં ૪૩ મૅચમાં ૩૦૭૬ રન સાથે રિષભ પંત ભારતનો હાઇએસ્ટ રન-સ્કોરર અને ઓવરઑલ ૧૦મો સૌથી વધુ રન કરનાર બૅટર છે.

ટેસ્ટ-ક્રિકેટમાં સૌથી વધુ સિક્સ ફટકારવા મામલે બીજા ક્રમે પહોંચ્યો

રિષભ પંત હવે ટેસ્ટ-ક્રિકેટમાં સૌથી વધુ સિક્સ ફટકારવા મામલે બીજા ક્રમે પહોંચ્યો છે. આ લિસ્ટમાં ઇંગ્લૅન્ડનો ભૂતપૂર્વ ઑલરાઉન્ડર બેન સ્ટોક્સ ૧૩૮ સિક્સ સાથે પહેલા ક્રમે છે. રિષભ પંત ૧૦૮ સિક્સના આંકડા સાથે બીજા ક્રમે આવી પહોંચ્યો છે. તેણે ૧૦૭ સિક્સ ફટકારનાર ન્યુ ઝીલૅન્ડના ભૂતપૂર્વ બૅટર બ્રેન્ડન મૅક્લમને ત્રીજા ક્રમે ધકેલી દીધો છે.

Rishabh Pant south africa indian cricket team new zealand england test cricket