06 May, 2026 03:15 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મુંબઈ ઇન્ડિયન્સના રઘુ શર્માએ પહેલવહેલી વિકેટ લઈને દેખાડેલી ચબરખીમાં શું લખ્યું હતું?
પંજાબના ૩૩ વર્ષના લેગ-સ્પિનર રઘુ શર્માએ સોમવારે પોતાની બીજી IPL મૅચમાં અક્ષત રઘુવંશી રૂપે પોતાની પહેલી IPL વિકેટે લીધી હતી. વિકેટ લીધા બાદ તેણે ખિસ્સામાંથી એક ચબરખી કાઢીને હજારો ક્રિકેટચાહકોને દેખાડી હતી. મુંબઈ ઇન્ડિયન્સના તેના સાથી ખેલાડીઓ પણ આ ચબરખીમાં શું લખ્યું છે એ જાણવા ઉત્સુક હતા. ચબરખીમાં ઇંગ્લિશમાં લખ્યું હતું ‘રાધે રાધે. ગુરુદેવની દૈવી કૃપાથી ખૂબ જ પીડાદાયક ૧૫ વર્ષનો આજે અંત આવ્યો. મને આ તક આપવા બદલ મુંબઈ ઇન્ડિયન્સનો આભાર. જય શ્રી રામ.’ રઘુ શર્મા ફર્સ્ટ ક્લાસ-ક્રિકેટની ૧૨ મૅચમાં ૫૭ વિકેટ અને લિસ્ટ-Aની ૧૨ મૅચમાં ૧૮ વિકેટ લઈ ચૂક્યો છે. પાંચ T20 મૅચમાં તેના નામે ૪ વિકેટ છે. વર્ષોથી IPLમાં નેટ-બોલર તરીકે સંકળાયેલા આ ખેલાડીને મુંબઈએ ૩૦ લાખ રૂપિયામાં પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. મૅચ બાદ મુંબઈના સોશ્યલ મીડિયા પર શૅર કરવામાં આવેલા વિડિયોમાં રઘુ શર્માએ પોતાના ગુરુદેવ શ્રી શ્યામ દાસ, ભગવાન જગન્નાથ અને મમ્મી-પપ્પાને યાદ કર્યાં હતાં. તેણે ખુલાસો કર્યો કે તેના ફૅમિલીમાં બધા ડૉક્ટર અને એન્જિનિયર છે. તે પોતે પણ ઇલેક્ટ્રિક એન્જિનિયર છે. ૨૦૧૧માં ક્રિકેટ શરૂ કર્યું ત્યારે વજન ૧૦૨ કિલો હતું. તેણે મહેન્દ્ર સિંહ ધોનીની વર્લ્ડ કપ ફાઇનલની વિનિંગ સિક્સને જોઈને ક્રિકેટમાં કરીઅર બનાવવાનું વિચાર્યું હતું. તેને હમણાં સુધીની ૧૫ વર્ષની કરીઅરમાં ભારે સંઘર્ષનો સામનો કરવો પડ્યો છે. તે અઠવાડિયાના ૬ દિવસ લેગ-સ્પિન બોલિંગની પ્રૅક્ટિસ કરે છે.
| બુમરાહનું વર્તમાન પ્રદર્શન | |
| મૅચ | ૧૦ |
| બૉલ ફેંકયા | ૨૨૨ |
| રન આપ્યા | ૩૨૯ |
| વિકેટ | ૩ |
| ઇકૉનૉમી-રેટ | ૮.૮૯ |
| નો-બૉલ | ૭ |
મુંબઈનો જસપ્રીત બુમરાહ IPL ઇતિહાસમાં સૌથી વધુ ૩૯ નો-બૉલ ફેંકી ચૂક્યો છે
ભારત અને મુંબઈ ઇન્ડિયન્સનો અનુભવી બોલર જસપ્રીત બુમરાહ પોતાની કરીઅરના સૌથી ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યો છે. લખનઉ સામેની મૅચમાં તેણે ૩ નો-બૉલ ફેંક્યા છે. આખી સીઝનમાં તેણે ૭ નો-બૉલ ફેંક્યા છે.
જસપ્રીત બુમરાહ દ્વારા નો-બૉલ ફેંકાય એ મને સ્વીકાર્ય નથી. તે એક પ્રોફેશનલ ક્રિકેટર છે. વાઇડ બૉલ હું સમજી શકું છું પણ નો-બૉલ સ્વીકાર્ય નથી. - કૉમેન્ટેટર સુનીલ ગાવસકર
IPL ઇતિહાસમાં સૌથી વધુ નો-બૉલ ફેંકનાર બોલર્સમાં જસપ્રીત બુમરાહ ૩૯ના આંકડા સાથે સૌથી આગળ છે. ઉમેશ યાદવ ૨૪ નો-બૉલ, ઇશાંત શર્મા ૨૩ નો-બૉલ અને અમિત મિશ્રા-હર્ષલ પટેલ ૨૧-૨૧ નો-બૉલ સાથે આ અનિચ્છનીય રેકૉર્ડના લિસ્ટમાં સામેલ છે.