11 January, 2026 11:56 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગાવસકરે જેમિમાને બૅટ આકારનું ગિટાર ગિફ્ટ કર્યું
૧૯૮૩ના વર્લ્ડ કપ વિજેતા સુનીલ ગાવસકરે વન-ડે વર્લ્ડ કપ 2025ની ચૅમ્પિયન ટીમની સભ્ય જેમિમા રૉડ્રિગ્સને હાલમાં શાનદાર સરપ્રાઇઝ આપી હતી. એક બ્રૅન્ડ સાથે મળીને સુનીલ ગાવસકરે મ્યુઝિકપ્રેમી જેમિમાને બૅટ આકારનું ગિટાર ગિફ્ટ કર્યું હતું. ૨૫ વર્ષની જેમિમા મેદાન પર સેન્ચુરી સહિતના ખુશીના અવસરે ગિટાર વગાડવાની ઍક્શન કરીને સેલિબ્રેશન કરતી જોવા મળે છે.
વન-ડે વર્લ્ડ કપ 2025ની સેમી ફાઇનલમાં ઑસ્ટ્રેલિયા સાથે જેમિમા રૉડ્રિગ્સે ૧૨૭ રનની અણનમ ઇનિંગ્સ રમીને ભારતને ફાઇનલ સુધી પહોંચાડવામાં મોટું યોગદાન આપ્યું હતું. એ સમયે સુનીલ ગાવસકરે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે જો ભારત ટ્રોફી જીતશે તો જેમિમા સાથે હું મ્યુઝિક-સેશનમાં ભાગ લઈશ. વિમેન્સ પ્રીમિયર લીગ (WPL) 2026ની પ્રારંભે સુનીલ ગાવસકરે પોતાનું વચન પાળ્યું હતું.
નવી મુંબઈની હોટેલ-રૂમમાં જેમિમાએ પોતાને મળેલું અનોખું અને શાનદાર બૅટ આકારનું ગિટાર અજમાવી જોયું હતું. તેણે સુનીલ ગાવસકર સાથે મ્યુઝિક-સેશનમાં યે દોસ્તી હમ નહીં તોડેંગે સૉન્ગ ગાયું હતું. ફોટો શૅર કરીને જેમિમા રૉડ્રિગ્સે લખ્યું કે ‘ગિટાર નહીં પણ બૅટાર. સુનીલસરે પોતાનું વચન પાળ્યું અને આ શાનદાર બૅટારથી જેમિંગ કર્યું.’