23 April, 2025 12:48 PM IST | Hyderabad | Gujarati Mid-day Online Correspondent
તસવીર સૌજન્ય : સોશિયલ મીડિયા
કાશ્મીરના પહલગામમાં મંગળવારે ૨૨ એપ્રિલે થયેલા આતંકવાદી હુમલામાં ૨૬ લોકોના મોત થયા હતા, જેનાથી સમગ્ર દેશમાં લોકોનો ગુસ્સો ફાટી નીકળો છે. આ ઘટના બાદ, દેશભરના લોકો, નેતા અભિનેતાઓ આ અંગે દુઃખ વ્યક્ત કરી રહ્યા છે. આ સાથે હવે બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા (BCCI) દ્વારા પણ એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. દેશમાં ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025 ચાલી રહી છે. આજે કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવા મુંબઈ ઇન્ડિયન્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે મૅચ થનારી મૅચ કેટલાક નિયમી અને બંધનો સાથે રમાશે, એવ એવી જાહેરાત કરવામાં આવી છે. આજની મૅચ હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાવાની છે.
BCCIએ નિર્ણય લીધો છે કે આજે થનારી ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) માં મુંબઈ ઈન્ડિયન્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચેની મૅચ પહેલા એક મિનિટનું મૌન પાળવામાં આવશે. વધુમાં, બન્ને ટીમોના અધિકારીઓ અને ખેલાડીઓ પહલગામમાં થયેલા આતંકવાદી કૃત્યના ભોગ બનેલા લોકોની યાદમાં કાળા હાથે પટ્ટી પહેરીને મૅચ રમશે. એમઆઈ અને એસઆરએચ વચ્ચેની મૅચ દરમિયાન કોઈ ફટાકડા અને ચીયરલીડર્સ પણ નહીં જોવા મળશે.
ઘણા વર્તમાન અને ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટરોએ પહલગામમાં થયેલા કાયરતાપૂર્ણ હુમલાની નિંદા કરી છે. "પહલગામ આતંકવાદી હુમલાથી ખૂબ જ દુઃખ થયું. મારા વિચારો પીડિતોના પરિવારો સાથે છે. હિંસાના આ અર્થહીન કૃત્યની નિંદા કરું છું. આ મુશ્કેલ સમયમાં એકતા અને સમર્થનમાં આપણને શક્તિ મળે," ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર આરપી સિંહે X પર લખ્યું. ભારતના ભૂતપૂર્વ હૅડ કોચ રવિ શાસ્ત્રીએ પણ આ મુશ્કેલ સમયમાં રાષ્ટ્રને એક થવાનું આહ્વાન કર્યું અને લખ્યું: "એક ભયાનક, કાયર કૃત્ય જે રાષ્ટ્રને સંપૂર્ણપણે એક કરે, કોઈને પણ બાકાત રાખશે નહીં.”
"હૃદયદ્રાવક એ ઓછું કહી શકાય. પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાથી ખૂબ ગુસ્સે છું. મારું હૃદય તે બધા લોકો પ્રત્યે દુ:ખી છે જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા. તેઓ શાંતિથી આરામ કરે. આ નફરત ક્યારે બંધ થશે?" ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર રોબિન ઉથપ્પાએ X પરની પોતાની પોસ્ટમાં લખ્યું. IPLમાં રૉયલ ચૅલેન્જર્સ બૅંગલુરુ તરફથી રમી રહેલા કૃણાલ પંડ્યાએ પણ આતંકવાદી હુમલા પર પ્રતિક્રિયા આપતા કહ્યું, "હૃદયદ્રાવક. પ્રાર્થના. ક્રૂર પહલગામ હુમલાના પીડિતો માટે ન્યાય," X પર લખ્યું. IPL 2025 ની વાત કરીયે તો એસઆરએચ સાતમાંથી બે મૅચ જીતી છે અને પાંચ મૅચ હારી છે જેથી તે પોઇન્ટ્સ ટેબલમાં નવા સ્થાને છે. આ સાથે મુંબઈની ટીમની વાત કરીએ તો આઠમાંથી ચાર મૅચ જીત્યું છે અને ચાર મૅચ હાર્યું છે જેથી તે છઠ્ઠા સ્થાને છે.