ગુજરાત સામે ધબડકો થયો છતાં પંજાબ કિંગ્સે વિજયી પ્રારંભ કર્યો

01 April, 2026 09:41 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પ્રસિદ્ધ ક્રિષ્નાના તરખાટ વચ્ચે એક સમયે ૮ રનની અંદર ૪ વિકેટ ગુમાવી, કૂપર કૉનોલીની ધમાકેદાર ફિફ્ટીની મદદથી પંજાબે ૧૬૩ રનનો ટાર્ગેટ ૧૯.૧ ઓવરમાં ચેઝ કર્યો

ગુજરાત સામે ધબડકો થયો છતાં પંજાબ કિંગ્સે વિજયી પ્રારંભ કર્યો

ન્યુ ચંડીગઢના મુલ્લાનપુરના સ્ટેડિયમમાં ગઈ કાલે ગઈ સીઝનની રનર-અપ ટીમ પંજાબ કિંગ્સે વિજયી શરૂઆત કરી હતી. ગુજરાતે ૨૦ ઓવરમાં ૬ વિકેટ ગુમાવીને ૧૬૨ રન કર્યા હતા. જવાબમાં પંજાબે ડેબ્યુ કરનાર બાવીસ વર્ષના કૂપર કૉનોલીની ધમાકેદાર ફિફ્ટીના આધારે ૧૯.૧ ઓવરમાં ૭ વિકેટના નુકસાન સાથે ૧૬૫ રન કરીને ૧૬૩ રનનો ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો. ફાસ્ટ બોલર પ્રસિદ્ધ ક્રિષ્નાના તરખાટ વચ્ચે પંજાબે ૧૩થી પંદરમી ઓવર દરમ્યાન ૮ રનની અંદર મિડલ ઑર્ડરની ૪ વિકેટ ગુમાવી દીધી હતી છતાં રનચેઝ મેળવવામાં સફળતા મળી હતી.
ટૉસ હારીને પહેલાં બૅટિંગ કરનાર ગુજરાતે સારી શરૂઆત કર્યા છતાં ૬ વિકેટે ૧૬૨ રન જ કરી શક્યું હતું. પાવરપ્લેમાં ૯ના રન-રેટ સાથે ૧ વિકેટે ૫૪ રન અને પંદરમી ઓવર સુધીમાં ૮.૨૨ના રન-રેટથી બે વિકેટે ૭૪ રન કર્યા બાદ ટીમે ૧૬થી ૨૦ ઓવર દરમ્યાન ૩ વિકેટ ગુમાવીને ૩૪ રન કર્યા હતા.‍

ઓપનિંગમાં આવેલા કૅપ્ટન શુભમન ગિલે ૨૭ બૉલમાં ૬ ફોરની મદદથી ૩૯ રન કર્યા હતા. ત્રીજા ક્રમના બૅટર જૉશ બટલરે ૩૩ બૉલમાં ૩ ફોર અને બે સિક્સની મદદથી ૩૮ રન કર્યા હતા. ચોથા ક્રમે રમીને ગ્લેન ફિલિપ્સે ૧૭ બૉલમાં પચીસ રનનું યોગદાન આપ્યું હતું. 

પંજાબના ફાસ્ટ બોલર વિજય કુમાર વૈશાકે ૪ ઓવરમાં ૩૪ રન આપીને સૌથી વધુ ૩ વિકેટ લીધી હતી. તેણે ગુજરાતના મિડલ ઑર્ડરની કમર તોડી નાખી હતી. સ્પિનર યુઝવેન્દ્ર ચહલે ૪ ઓવરમાં ૨૮ રન આપીને શુભમન ગિલ અને જૉશ બટલરની વિકેટ ઝડપી લીધી હતી. ફાસ્ટ બોલર માર્કો યાન્સેને ૪ ઓવરમાં ૨૦ રન આપીને ૧૩ રન કરનાર ઓપનર સાઈ સુદર્શનની શરૂઆતની વિકેટ અપાવી હતી. 

રનચેઝ દરમ્યાન પંજાબના ઓપનર પ્રભસિમરન સિંહે ૨૪ બૉલમાં ૧ ફોર અને ૪ સિક્સર ફટકારીને ૩૭ રન કરીને મજબૂત શરૂઆત આપવાનો પ્રયાસ કર્યો હતો. કૅપ્ટન શ્રેયસ ઐયરે બે સિક્સરના આધારે ૧૧ બૉલમાં ૧૮ રનનું યોગદાન આપ્યું હતું. 

પહેલી વખત IPLમાં રમી રહેલા ડાબોડી બૅટર કૂપર કૉનોલીએ ત્રીજા ક્રમે ઊતરીને ૧૬૩.૬૪ના સ્ટ્રાઇક-રેટથી બૅટિંગ કરીને પાંચ ફોર અને પાંચ સિક્સરની મદદથી ૪૪ બૉલમાં અણનમ ૭૨ રનની મૅચવિનિંગ ઇનિંગ્સ રમી હતી. 

ગુજરાત તરફથી ગઈ સીઝનના પર્પલ કૅપ હોલ્ડર પેસ બોલર પ્રસિદ્ધ ક્રિષ્નાએ ઇમ્પૅક્ટ પ્લેયર તરીકે ૪ ઓવરમાં ૨૯ રન આપીને ૩ વિકેટ લીધી હતી. રાશિદ ખાન, વૉશિંગ્ટન સુંદર, અશોક શર્મા અને કૅગિસો રબાડાને ૧-૧ વિકેટ મળી હતી.

25
IPLની ડેબ્યુ-મૅચમાં ફિફ્ટી ફટકારનાર આટલામો ખેલાડી બન્યો ઑસ્ટ્રેલિયાનો કૂપર કૉનોલી.

પંજાબનો મૅચવિનર કૂપર કૉનોલી.

IPLમાં ૧૧ બૉલની સૌથી લાંબી ઓવર ફેંકનાર છઠ્ઠો બોલર બન્યો અર્શદીપ સિંહ 

ગુજરાત સામે ગઈ કાલે પંજાબ કિંગ્સના ફાસ્ટ બોલર અર્શદીપ સિંહે ૨૦મી ઓવરમાં ૧૧ બૉલ ફેંકીને ૧૨ રન આપ્યા હતા. આ ઓવરમાં તેણે ચાર વાઇડ-બૉલ સહિત એક નો-બૉલ પણ ફેંક્યો હતો. તે IPLમાં ૧૧ બૉલની સૌથી લાંબી ઓવર ફેંકનાર છઠ્ઠો બોલર બન્યો હતો. અગાઉ ૨૦૨૩માં મોહમ્મદ સિરાજ, તુષાર દેશપાંડે અને ૨૦૨૫માં શાર્દૂલ ઠાકુર, સંદીપ શર્મા અને હાર્દિક પંડ્યાએ ૧૧ બૉલની ઓવર ફેંકી હતી.

નૉન-સ્ટ્રાઇકર એન્ડ પર ઇન્જર્ડ થયો શ્રેયસ ઐયર

ગુજરાતની ૧૧.૫મી ઓવરમાં રાશિદ ખાનની બોલિંગ પર કૂપર કૉલોનીના શૉર્ટથી નૉન-સ્ટ્રાઇકર એન્ડ પર પંજાબ કિંગ્સનો કૅપ્ટન શ્રેયસ ઐયર ઇન્જર્ડ થયો હતો. હાથ પર બૉલ વાગતાં તેણે નિયંત્રણ ગુમાવ્યું હતું અને પિચ પર પડ્યો હતો. નીચે પડતાં જ તે હાથમાં દુખાવાથી કણસતો જોવા મળ્યો હતો. ફિઝિયો તરફથી મળેલી સારવાર બાદ તે બૅટિંગ માટે તૈયાર થઈ ગયો હતો. જોકે તેરમી ઓવરના પહેલા જ બૉલ પર પેસ બોલર પ્રસિદ્ધ ક્રિષ્નાની સામે કૅચઆઉટ થયો હતો. 

punjab kings gujarat titans shreyas iyer shubman gill cricket news IPL 2026 chandigarh indian premier league