09 May, 2026 08:37 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સૂર્યકુમાર યાદવ અને શ્રેયસ ઐયર
IPL 2026 બાદ ભારતીય T20 ટીમનો કૅપ્ટન બદલાઈ શકે છે. અહેવાલો અનુસાર પંજાબ કિંગ્સનો વર્તમાન કૅપ્ટન અને ભારતની વન-ડે ટીમનો વાઇસ-કૅપ્ટન શ્રેયસ ઐયર ભારતીય T20 ટીમમાં કૅપ્ટન સૂર્યકુમાર યાદવની જગ્યા લઈ શકે છે. સૂર્યાની આગેવાની હેઠળ ભારતે હાલમાં જ મેન્સ T20 વર્લ્ડ કપ 2026 જીત્યો છે. આ સંભવિત પગલું ૨૦૨૮ના T20 વર્લ્ડ કપ અને સમર ઑલિમ્પિક્સ માટે એક મુખ્ય ટીમ બનાવવાની યોજનાનો એક ભાગ છે. સૂર્યકુમાર યાદવનું તાજેતરનું ફૉર્મ અને વારંવાર થતી ઈજા ચિંતાનો વિષય છે. શ્રેયસ ઐયરને એક સ્થિર લીડર તરીકે જોવામાં આવી રહ્યો છે. ગયા વર્ષે ચૅમ્પિયન્સ ટ્રોફી જીત્યા બાદ વન-ડે વર્લ્ડ કપ 2027ને ધ્યાનમાં રાખીને રોહિત શર્માને હટાવીને યંગ શુભમન ગિલને વન-ડે ટીમનો કૅપ્ટન બનાવવામાં આવ્યો હતો.
મુંબઈકર સાઇરાજ બહુતુલે ભારતનો સ્પિન-બોલિંગ કોચ બની શકે છે
મુંબઈમાં જન્મેલા ૫૩ વર્ષના ભૂતપૂર્વ ક્રિકેટર સાઇરાજ બહુતુલે વિશે મહત્ત્વપૂર્ણ અપડેટ સામે આવી છે. તે ભારતીય ટીમમાં સ્પિન-બોલિંગ કોચ તરીકે જોડાય તેવી શક્યતા છે. પંજાબ કિંગ્સના સપોર્ટ સ્ટાફમાં સામેલ આ ભૂતપૂર્વ લેફ્ટ-આર્મ સ્પિનર IPL 2026 પછી ભારતીય ટીમમાં સ્પિન વિભાગનું મહત્ત્વપૂર્ણ પદ સંભાળી શકે છે. હેડ કોચ ગૌતમ ગંભીરના કોચિંગ સ્ટાફમાં હાલમાં કોઈ સ્પિન-બોલિંગ કોચ નથી. હેડ કોચે જ સાઇરાજ બહુતુલેના નામની ભલામણ કરી હોવાના અહેવાલ છે. સાઇરાજ બહુતુલે સેન્ટર ઑફ એક્સેલન્સમાં પણ કામ કરી ચૂક્યો છે. અગાઉ કેટલીક વખત સિનિયર ભારતીય ટીમ સાથે રાહુલ દ્રવિડના સપોર્ટ-સ્ટાફમાં કામ કરવાની તક પણ તેને મળી છે. ૨૦૦૧થી ૨૦૦૩ વચ્ચે ભારત માટે બે ટેસ્ટ-મૅચ અને ૮ વન-ડે મૅચમાં તેણે અનુક્રમે ત્રણ અને બે વિકેટ લીધી હતી. પંજાબ કિંગ્સમાં જોડાતાં પહેલાં તેણે રાજસ્થાન રૉયલ્સમાં પણ એક વર્ષ કામ કર્યું છે.