03 November, 2025 07:41 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
સંજુ સૅમસનનું કદાચ દિલ્હીમાં કમબૅક
જ્યારથી રાજસ્થાન રૉયલ્સનો કૅપ્ટન સંજુ સૅમસન ટીમ મૅનેજમેન્ટથી નારાજ હોવાના સમાચાર આવ્યા છે ત્યારથી તે હવે કઈ ફ્રૅન્ચાઇઝીમાં જોડાશે એની અનેક અટકળો ચાલી રહી છે. સૌપ્રથમ તે ચેન્નઈ સુપર કિંગ્સમાં જોડાઈ રહ્યો હોવાની ચર્ચા ખૂબ જ ચાલી હતી, પણ આ બાબતે લેટેસ્ટ ચર્ચા પ્રમાણે તે દિલ્હી કૅપિટલ્સ વતી રમતો જોવા મળી શકે છે. રાજસ્થાન અને દિલ્હી ફ્રૅન્ચાઇઝી વચ્ચે ચાલી રહેલી ચર્ચામાં સૅમસન દિલ્હીમાં જોડાશે અને તેના બદલામાં દિલ્હીનો આફ્રિકન બૅટર ટ્રિસ્ટન સ્ટબ્સ રાજસ્થાન સાથે જોડાશે. જો આ અહેવાલો પ્રમાણે થયું તો સૅમસનનું દિલ્હીમાં આ કમબૅક ગણાશે. રાજસ્થાનમાં જોડાતાં પહેલાં સૅમસન ૨૦૧૬ અને ૨૦૧૭ની સીઝનમાં દિલ્હી ફ્રૅન્ચાઇઝી વતી રમ્યો હતો.
રાજસ્થાને સૅમસનને બદલે કે. એલ. રાહુલની માગણી કરી હોવાની અને દિલ્હીએ એનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. રાહુલને મેળવવા માટે કોલકાતા નાઇટ રાઇડર્સ પણ પ્રયત્ન કરી રહ્યું છે. શ્રેયર ઐયરની વિદાય બાદ કલકત્તા એક યોગ્ય લીડરની તલાશ કરી રહ્યું છે.