ખરાખરીના જંગમાં આજે ભારતને શ્રેણીમાં બરોબરી કરવાનો મોકો

14 March, 2021 01:07 PM IST  |  Ahmedabad | Agency

ખરાખરીના જંગમાં આજે ભારતને શ્રેણીમાં બરોબરી કરવાનો મોકો

ભારત-ઇંગ્લૅન્ડ વચ્ચેની બીજી ટી૨૦ આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. ભારતને પહેલી ટી૨૦માં ૮ વિકેટે હરાવ્યા બાદ આત્મવિશ્વાસથી છલોછલ મહેમાન ટીમ પાંચ મૅચની આ સિરીઝમાં સરસાઈ વધુ મજબૂત કરવા આજે મેદાનમાં ઊતરશે, જ્યારે ટીમ ઇન્ડિયા સિરીઝમાં બરોબરી કરવા લડત આપતી જોવા મળશે. આજે ભારત જીતશે તો શ્રેણી ૧-૧થી બરોબરીમાં આવી જશે.

રોહિતની આજે પણ ગેરહાજરી

છેલ્લી ઘડીએ વિરાટ કોહલીએ રોહિત શર્માને આરામ આપી પહેલી ટી૨૦માં લોકેશ રાહુલ અને શિખર ધવન પાસેથી દાવની શરૂઆત કરાવી હતી. આ બન્ને ઓપનર તેમ જ ખુદ કૅપ્ટન કોહલી પણ સસ્તામાં આઉટ થયા હતા. રોહિત શર્માને શરૂઆતની બે મૅચ માટે આરામ આપવામાં આવ્યો હોવાથી આજની બીજી ટી૨૦માં પણ રાહુલ અને ધવન ઓપનિંગ કરતા જોવા મળશે. મિડલ ઑર્ડરમાં શ્રેયસ ઐયર, રિષભ પંત અને હાર્દિક પંડ્યા પાસેથી સારી એવી ફટકાબાજી જોવા મ‍ળવાની ક્રિકેટપ્રેમીઓને આશા હશે.

બોલરમાં થઈ શકે છે ફેરફાર

પહેલી ટી૨૦માં ભુવનેશ્વર કુમાર અને શાર્દુલ ઠાકુરને એક પણ વિકેટ નહોતી મળી અને તેમના ભાગે માત્ર બે-બે ઓવર આવી હતી. તેઓ જોઈએ એવી કમાલ નહોતા કરી શક્યા. શક્ય છે કે આજની બીજી ટી૨૦માં ટીમ ઇન્ડિયા બોલિંગ ડિપાર્ટમેન્ટમાં અમુક સુધારા સાથે મેદાનમાં ઊતરી શકે છે અને ટીમ શાર્દુલના સ્થાને દીપક ચાહરને ટીમમાં સ્થાન આપે. સામા પક્ષે ભારત કમબૅક કરવાના લક્ષ્યથી રમશે એવી ગણતરી કરી ઇંગ્લૅન્ડની ટીમ પણ તૈયારી કરી શકે છે.

કોહલીનો સિલસિલાબંધ ઝીરો ટીમ માટે મોટી ચિંતાનો વિષય

ભારતીય ટીમનો કૅપ્ટન વિરાટ કોહલી છેલ્લી પાંચમાંથી ત્રણ ઇનિંગ્સમાં ઝીરોમાં આઉટ થયો હતો, જે ટીમ માટે મોટી ચિંતાનો વિષય છે. તેણે પિન્ક બૉલ ટેસ્ટની બીજી ઇનિંગ્સમાં ૬૨ રન બનાવ્યા હતા. પહેલી ટી૨૦માં પ્લેયર ઑફ ધ મૅચ બનેલા જોફ્રા આર્ચરે પ્રેઝન્ટેશન સેરેમનીમાં કોહલી વહેલો આઉટ થયો એ બદલ આનંદ વ્યક્ત કર્યો હતો, જ્યારે વિરાટ કોહલીએ કહ્યું હતું કે ‘આ તો આંતરરાષ્ટ્રીય ક્રિકેટ-સફરનો એક હિસ્સો છે. જ્યારે તમે લાંબા સમયથી રમતા હો ત્યારે તમારે બૅટ્સમૅન તરીકે આ ચડતી-પડતીને સ્વીકારીને જ આગળ વધવું પડે છે. તમારો દિવસ સારો હોય ત્યારે તમે વધારે રન બનાવો છો, પણ એક બૅટ્સમૅન તરીકે તમારે તમારી યોજનાઓને વળગી રહેવું જોઈએ. શક્ય છે કે ક્યારેક તમારા કરતાં વિરોધી ટીમની યોજના વધારે સારી હોય. મારા માટે શક્ય એટલા સકારાત્મક રહીને રમવું વધારે આવશ્યક છે.’

ઝઘડી પડ્યા સુંદર અને બેરસ્ટો ઃ અમ્પાયરે શાંત પાડ્યા

ભારત-ઇંગ્લૅન્ડ વચ્ચેની પહેલી ટી૨૦માં બન્ને ટીમના એક-એક ખેલાડી ઝઘડી પડ્યા હતા. આ તકરાર વૉશિંગ્ટન સુંદર અને જૉની બેરસ્ટો વચ્ચે થઈ હતી જેમાં અમ્પાયરે વચ્ચે પડીને બન્નેને શાંત પાડવા પડ્યા હતા. ૧૪મી ઓવરના છેલ્લા બૉલમાં જ્યારે વૉશિંગ્ટન સુંદરે ડેવિડ મલાનને બૉલ નાખ્યો ત્યારે તે કૉટ ઍન્ડ બોલ્ડ થઈ શકતો હતો, પણ સુંદર કૅચ પકડવા આગળ વધ્યો ત્યારે નૉન-સ્ટ્રાઇક એન્ડ પર ઊભેલો જૉની બેરસ્ટો વચ્ચે આવી ગયો હતો અને બૉલ તેની હેલ્મેટને વાગીને બાજુમાં પડી ગયો હતતો જેને લીધે મલાનને કૉટ ઍન્ડ બોલ્ડ કરવાની તક સુંદરના હાથમાંથી સરી ગઈ હતી. બેરસ્ટો ઓચિંતો વચ્ચે આવ્યો હોવાથી ભડકેલો સુંદર તેને જોયા કરતો હતો એને લીધે બન્ને વચ્ચે થોડી બોલાચાલી થઈ હતી અને અમ્પાયરે વચ્ચે પડીને બન્નેને શાંત પાડવા પડ્યા હતા. મૅચ બાદ બેરસ્ટો પણ એ ઘટના સંદર્ભે કોહલી સાથે વાતચીત કરતો જોવા મળ્યો હતો.

india england cricket news sports news ahmedabad narendra modi stadium