હરમનપ્રીતની ડિફેન્ડિંગ ચૅમ્પિયન ટીમ માટે આજે કરો યા મરો

07 November, 2020 02:48 PM IST  |  Sharjah | Agency

હરમનપ્રીતની ડિફેન્ડિંગ ચૅમ્પિયન ટીમ માટે આજે કરો યા મરો

હરમનપ્રીત કૌર

વિમેન્સ ટી૨૦ ચૅલેન્જમાં આજે ડિફેન્ડિંગ ચૅમ્પિયન સુપરનોવાસનો મુકાબલો ટ્રેલબ્લેઝર્સ સામે થવાનો છે. ગુરુવારે મિતાલી રાજના નેતૃત્વવાળી વેલોસિટીને હરાવ્યા બાદ સ્મૃતિ મંધાનાની ટ્રેલબ્લેઝર્સ આજે બીજી મૅચ જીતીને પોતાની આગેકૂચ યથાવત્ રાખવા માગશે, જ્યારે ટુર્નામેન્ટમાં ટકી રહેવા માટે હરમનપ્રીતના નેતૃત્વવાળી સુપરનોવાસે આજની મૅચ જીતવી અત્યંત જરૂરી છે. જો સુપરનોવાસ આજની મૅચ હારી જાય તો તે ટુર્નામેન્ટમાંથી બહાર થઈ જશે. ટ્રેલબ્લેઝર્સે પોતાની પહેલી મૅચમાં શાનદાર પ્રદર્શન કરીને વિરોધી ટીમ વેલોસિટીને માત્ર ૪૭ રનમાં ઑલઆઉટ કરી દીધી હતી અને એ ફૉર્મ આ મૅચમાં પણ જળવાઈ રહે એવી ટ્રેલબ્લેઝર્સની કપ્તાન સ્મૃતિ મંધાનાને તેમના પ્લેયર્સ પાસેથી આશા હશે. સુપરનોવાસની જીતથી ટુર્નામેન્ટમાં નેટ રનરેટ અગત્યની ભૂમિકા ભજવશે જેને લીધે વેલોસિટીને બહાર જવાનો વારો આવી શકે છે. વેલોસિટી પોતાની બે મૅચમાંથી એક મૅચ જીત્યું છે જ્યારે એક મૅચમાં તેમને પરાજય મળ્યો છે. માટે સ્વાભાવિક છે કે વેલોસિટી પણ ઇચ્છશે કે સુપરનોવા આજની મૅચ હારે જેથી તેમને માટે આગળ વધવાનો માર્ગ મોકળો થઈ શકે.

indian womens cricket team cricket news sports news sharjah harmanpreet kaur mithali raj