Tokyo Olympic:પહેલવાન રવિ દહિયાએ સિલ્વર મેડલ કર્યો પોતાને નામ

05 August, 2021 05:52 PM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

ભારતીય પહેલવાન રવિ દહિયાને ટોક્યો ઓલિમ્પિકમાં સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો છે.

રવિ દહિયા

ભારતીય પહેલવાન રવિ દહિયાને ટોક્યો ઓલિમ્પિકમાં સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો છે. 57 કિલોગ્રામ ફ્રી સ્ટાઇલ કુસ્તીની ફાઇનલ મેચમાં તેમને રશિયન કુસ્તીબાજ ઝુર ઉગ્યુવેએ 7-4થી હરાવ્યા. આ સાથે ભારતનું કુસ્તીમાં ગોલ્ડ મેડલ જીતવાનું સપનું અધૂરું રહી ગયું છે. આ પહેલા ભારતે કુસ્તીમાં કુલ 5 મેડલ જીત્યા હતા પરંતુ ક્યારેય ગોલ્ડ જીતવામાં સફળ રહ્યા ન હતા. આજે રવિ દહિયાની હાર સાથે આ સપનું ફરી અધૂરું રહી ગયું છે.

કુસ્તીમાં ભારત માટે પ્રથમ મેડલ 1952 હેલસિંકી ઓલિમ્પિકમાં કે.ડી. જાધવે જીત્યો હતો. આ પછી ભારતે 56 વર્ષ રાહ જોવી પડી હતી અને બાદમાં સુશીલ કુમારે 2008 ના બેઇજિંગ ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીતીને દુકાળનો અંત લાવ્યો હતો. આ પછી સુશીલે 2012 લંડન ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીત્યો અને તે ઓલિમ્પિકમાં બે મેડલ જીતનાર ભારતના પ્રથમ ખેલાડી બન્યા હતા. યોગેશ્વર દત્તે લંડન ઓલિમ્પિકમાં બ્રોન્ઝ જીત્યો અને સાક્ષી મલિકે 2016 રિયો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યો.

ફાઇનલ મેચ પહેલા જૌર ઉગ્યુવને ફેવરિટ માનવામાં આવતો હતો કારણ કે તેણે અત્યાર સુધીમાં કુલ 15 આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં ભાગ લીધો છે, જેમાંથી 14 મેડલ જીત્યા છે. આ 14 મેડલમાં તેમણે 12 વખત ગોલ્ડ પર કબજો કર્યો છે. આજે તેમણે વધુ એક ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો છે.

આ બે કુસ્તીબાજોની પ્રથમ મેચની વાત કરીએ તો આ પહેલા તેઓ વર્લ્ડ ચેમ્પિયનશિપ 2019 માં એકબીજા સાથે ટકરાયા છે. રવિ દહિયાને તે મેચમાં 6-4થી હારનો સામનો કરવો પડ્યો હતો અને આ વખતે પણ રશિયન કુસ્તીબાજ રવિ દહિયાને હારનો સામનો કરવો પડ્યો છે.

ભારતીય કુસ્તીબાજ રવિ દહિયાએ 2020 અને 2021 એશિયન ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો. તેમણે 2018 માં અંડર -23 ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ અને 2019 વર્લ્ડ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

tokyo tokyo olympics 2020