05 September, 2026 01:56 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
બિટકૉઇન ૮૨,૦૦૦ ડૉલર ઉપર, બ્રેન્ટ ક્રૂડ ૯૫ ડૉલરે : પાવર કેબલ શૅરોમાં હાઈ વૉલ્ટેજ ઝટકો, KEI ઇન્ડસ્ટ્રીઝ ૪૪૨ તો પૉલિકૅબ ૫૨૫ તૂટી : NSEનો ઇશ્યુ ટૂંકમાં, ૧૧મીએ પ્રાઇસબૅન્ડ જાહેર થવા સંભવ: SML મહિન્દ્ર વૉલ્યુમ સાથે ઉપલી સર્કિટ મારીને નવા શિખરે : તાજેતરમાં લિસ્ટેડ થયેલી ટેક્નોક્રેટ્સ પ્લાઝમાં નવી ટોચે જઈ ૧૭.૬ ટકા ઊછળી : જ્વેલરી શૅરોમાં ઝમક, શુગર શૅરોમાં નરમાઈ જોવા મળી
સળંગ ૪ દિવસની પીછેહઠ બાદ બજાર શુક્રવારે પ્લસમાં બંધ થયું છે. સેન્સેક્સ અડધો ટકો એટલે કે ૩૬૨ પૉઇન્ટ વધીને ૭૬,૫૧૫ બંધ થયો છે, પરંતુ નિફ્ટી માત્ર ૨૪ પૉઇન્ટ એટલે કે ૦.૧ ટકા જ સુધરી ૨૩,૮૯૮ની અંદર રહી છે. મતલબ કે લોકો જેને કસીનો સિસ્ટમ કહે છે એ સેબીની CAS હેઠળ બન્ને બજારોના કલોઝિંગ વચ્ચે આંખને ખૂંચે એવો ફરક ચાલુ રહ્યો છે. અગ્રણી શૅરોમાં પણ બન્ને બજારના ભાવ વચ્ચે નોંધપાત્ર ગાળો નિયમ બની ગયો છે. આરંભથી અંત સુધી પૉઝિટિવ માર્કેટમાં સેન્સેક્સ આગલા બંધથી ૫૦૪ પૉઇન્ટ ઉપર, ૭૬,૬૫૭ ખૂલી ઉપરમાં ૭૬,૮૮૩ વટાવી નીચામાં ૭૬,૫૧૫ થયો હતો. નિફ્ટી ઉપરમાં ૨૪,૦૦૬ નજીક અને નીચામાં ૨૩,૮૯૬ થયો હતો. ૨૦ મિનિટના કસીનો સેશનના આરંભ પૂર્વે સેન્સેક્સ ૭૬,૬૪૬ તો નિફ્ટી ૨૩,૯૩૮ હતો. પૉઝિટિવ માર્કેટબ્રેડથમાં NSE ખાતે વધેલા ૨૦૧૩ શૅર સામે ૧૫૧૩ જાતો ઘટી છે. બજારનું માર્કેટકૅપ ૧.૮૮ લાખ કરોડથી વધીને ૪૮૮.૨૬ લાખ કરોડ નજીક ગયું છે. BSE ખાતે મેટલ ઇન્ડેક્સ ૧.૪ ટકા, ટેલિકૉમ ૧.૪ ટકા, ફાઇનૅન્સ અને પ્રાઇવેટ બૅન્ક ઇન્ડેક્સ અડધા ટકા જેવા વધ્યા છે. સામે કૅપિટલ ગુડ્ઝ ૦.૭ ટકા, હેલ્થકૅર અડધો ટકો, રિયલ્ટી ૦.૭ ટકા નરમ હતા. NSEમાં નિફ્ટી ઑટો અને નિફ્ટી IT અડધો ટકો, નિફ્ટી ફાર્મા ૦.૭ ટકા, નિફ્ટી રિયલ્ટી અને નિફ્ટી હેલ્થકૅર એક ટકા નજીક, PSU બૅન્ક નિફ્ટી અડધા ટકા નજીક ડાઉન હતો. નિફ્ટી મેટલ એક ટકો, નિફ્ટી ફાઇનૅન્સ અડધો ટકો, પ્રાઇવેટ બૅન્ક નિફ્ટી ૦.૩ ટકા પ્લસ થયા છે.
નિફ્ટી ખાતે SBI લાઇફ સાડાત્રણ ટકા, તાતા સ્ટીલ અઢી ટકા, HDFC લાઇફ ૨.૪ ટકા, રિલાયન્સ દોઢ ટકો તથા ટ્રેન્ટ ૧.૩ ટકા વધી સુધારામાં મોખરે હતી. સેન્સેક્સ ખાતે તાતા સ્ટીલ ૩ ટકા નજીક, રિલાયન્સ ૧.૬ ટકા, બજાજ ફાઇનૅન્સ દોઢ ટકો, ટ્રેન્ટ ૧.૩ ટકા તથા અદાણી પોર્ટ્સ ૧.૩ ટકા વધી છે. અત્રે ભારતી અૅરટેલ અને HCL ટેક્નૉલૉજીઝ સવા ટકો, એટર્નલ ૧.૧ ટકા અને એશિયન પેઇન્ટ્સ તેમ જ TCS અડધો ટકો ઘટી છે. સામે નિફ્ટીમાં HCL ટેક્નૉલૉજીઝ બે ટકા, ભારતીય અૅરટેલ ૧.૬ ટકા, મારુતિ સુઝકી ૧.૩ ટકા કે ૧૬૩ રૂપિયા, કોલ ઇન્ડિયા અને બજાર ફેનકર્વ ૧.૧ ટકા નરમ હતી. સેન્સેક્સ ખાતે મારુતિ માત્ર પાંચ રૂપિયા ઘટીને ૧૨,૭૦૦ બંધ થઈ છે. રિલાયન્સની મજબૂતી બજારને સર્વાધિક ૧૨૦ પૉઇન્ટ જેવી લાભદાયી નીવડી છે. HDFC બૅન્ક ૧.૩ ટકા વધીને ૭૧૩ના બંધમાં ૧૧૭ પૉઇન્ટ ફળી છે. નિફ્ટીમાં HDFC પોણો ટકો અપ હતી.
ગઈ કાલે ચાઇના સાધારણ તથા ઇન્ડોનેશિયા સાધારણ નરમ હતું. અન્ય તમામ એશિયન બજાર વધ્યં છે. હૉન્ગકૉન્ગ પોણાબે ટકા, સાઉથ કોરિયા ૧.૬ ટકા, તાઇવાન દોઢ ટકો, થાઇલૅન્ડ સવા ટકા નજીક, જપાન ૧.૩ ટકા, સિંગાપોર એક ટકો મજબૂત હતું. યુરોપ રનિંગમાં બહુધા પૉઝિટિવ બાયસમાં દેખાયું છે. ડૉલર સામે રૂપિયો એક પૈસો સુધરીને ૯૪.૪૯ હતો. બ્રેન્ટ ક્રૂડ અડધો ટકો ઘટીને ૯૫ ડૉલર ચાલતું હતું. બિટકૉઇનમાં વિન્ટર પૂરી થઈ હોઈ તેમ ભાવ ૮૨,૩૨૦ ડૉલર થઈ રનિંગમાં સવાચાર ટકા વધીને ૮૧,૩૮૨ ડૉલર રહ્યો છે.
NSEનો IPO ટૂંકમાં, ન્યુ ઇન્ડિયા ઇન્શ્યૉરન્સ બે વર્ષની ટોચે
NSEના ઇશ્યુને સેબીની લીલી ઝંડી મળી ગયાના અહેવાલમાં ન્યુ ઇન્ડિયા ઇન્શ્યૉરન્સમાં સાડાઆઠ ગણા કામકાજે ૨૦ ટકાની ઉપલી સર્કિટે ૨૩૪ વટાવી છેલ્લે ૧૭.૫ ટકા ઊછળી ૨૩૦ નજીક બંધ થઈ છે તો IFCI સાડાચાર ગણા કામકાજે ૧૦૭ની ૧૯ વર્ષની નવી ટૉપ બનાવી પોણાછ ટકા ઊંચકાઈ ૧૦૧ વટાવી ગઈ છે. BSE લિમિટેડનો ભાવ ઉપરમાં ૩૪૭૪ થઈ ૩ ટકા વધીને ૩૪૧૦ નજીક હતો. અનલિસ્ટેડ માર્કેટમાં NSEનો શૅર ૧૯૭૫ના લેવલે યથાવત રહ્યો છે. ઑગસ્ટના વેચાણના આંકડાનું જોર જાળવી રાખતાં SME મહિન્દ્રા પાંચ ગણા કામકાજે ૬૩૧૦ના બેસ્ટ લેવલે જઈ ૧૦ ટકાની ઉપલી સર્કિટમાં ૫૭૪ રૂપિયા ઊછળી ત્યાં જ બંધ થઈ છે. જૈન ઇરિગેશન પાંચ ગણા વૉલ્યુમે સાડાનવ ટકાના જમ્પમાં ૩૧ નજીક તો તેજસનેટ ૪ ગણા કામકાજે ૮.૧ ટકાની મજબૂતીમાં ૬૧૪ બંધ થઈ છે. જયસવાલ નિકો ઇન્ડસ્ટ્રીઝ ૯ ગણા કામકાજે સાડાનવ ટકા તૂટી ૮૯ના બંધમાં ‘એ’ ગ્રુપમાં ટૉપ લૂઝર બની છે. કેબલ કંપની KEI ઇન્ડસ્ટ્રીઝ ૮.૪ ટકા કે ૪૪૨ રૂપિયા ગગડી ૪૮૫૦, RR કેબલ ૨૪૫૧ તથા પૉલિકેબ ૬ ટકા કે ૫૧૫ની ખુવારીમાં ૮૩૦૦ રહી છે. સિવિલ કન્સ્ટ્રક્શન કંપની પાવરટેક પ્રોજેક્ટ્સ સવાચાર ટકા કે ૧૦૪ના ગાબડામાં ૨૨૯૯ની અંદર ગઈ છે. તાજેતરમાં લિસ્ટેડ થયેલી કંપની ટેક્નોક્રેટ્સ પ્લાઝમાં ૩૬૮ની ઑલટાઇમ હાઈ બનાવી ૧૩.૬ ટકાની તેજીમાં ૩૬૧ ઉપર બંધ થઈ છે. એકસ્ટ્રાનેટ ટેક્નૉલૉજીઝ ૨૦ ટકાની ઉપલી સર્કિટમાં ૨૩૩ ઉપરના શિખરે ગઈ છે.
ફિઝિક્સવાલા લિમિટેડ બ્લૉકડીલમાં ભારે કામકાજ વચ્ચે ઉપર ૧૩૧ થઈ પાંચ ટકા વધીને ૧૨૬ વટાવી ગઈ છે. મોતીલાલ ઓસવાલ તરફથી ૨૦૦ની ટાર્ગેટ પ્રાઇસથી બાયનું રેટિંગ આવ્યું છે. હિન્દુસ્તાન યુનિલીવર નવા મલ્ટિયર તળિયે ૧૯૫૧ થઈ એકાદ ટકા નજીક સુધરીને ૧૯૭૪ બંધ થઈ છે. બિકાજી ફૂડ્સ ૫૮૧ની ૧૯ માસની બૉટમ બનાવી અડધા ટકાની નબળાઈમાં ૫૮૪ થઈ છે.
ગોરેગામની પ્રણવ કન્સ્ટ્રક્શન્સ સોમવારે મૂડીબજારમાં
આગામી સપ્તાહે પ્રાઇમરી માર્કેટમાં જબરી ધમાધમી છે. હાલની તારીખે કુલ મળીને ૧૫ નવાં ભરણાં આવતા સપ્તાહે નક્કી છે. સોમવારે વાત કરીએ બે નવાં IPO ખૂલવાનાં છે જેમાંથી મેઇન બોર્ડમાં મુંબઈના ગોરેગામ (વેસ્ટ)ની પ્રણવ કન્સ્ટ્રક્શન્સ ૧૦ના શૅરદીઠ ૧૨૪ની અપર બેન્ડમાં કુલ ૩૫૧ કરોડનું ભરણું કરશે એમાં ઑફર ફૉર સેલ ૩૫૪૩ લાખની છે. ઇશ્યુમાં QIB પોર્શન ૪૦ ટકા તથા રીટેલ પોર્શન ૪૫ ટકા રખાયો છે. આ એક નવીનતા કહી શકાય. ૨૦૦૩માં સ્થપાયેલી આ મુંબઈની સ્મૉલ રિયલ્ટી કંપનીએ ગત વર્ષે ૨૦ ટકા વધારામાં ૭૬૪ કરોડની આવક પર ૧૫ ટકા વૃદ્ધિ દરથી ૭૧૩૨ લાખ નેટ નફો કર્યો છે. બે વર્ષ પૂર્વે આવક ૪૫૦ કરોડ નજીક અને નફો ૩૯૬૨ લાખ હતો ત્યારે દેવું ૯૯ કરોડ હતું જે આજે ૨૫૮ કરોડ વટાવી ગયું છે. ગ્રેમાર્કેટમાં ૨૩થી શરૂ થયેલું પ્રીમિયમ હાલમાં ૩૪ ચાલે છે. ઇશ્યુમાંથી ૯૧૫૦ લાખ દેવાની ચુકવણીમાં તથા ૧૪૬ કરોડ નજીકની રકમ હાલના રીડેવલપમેન્ટ હેઠળના પ્રોજેક્ટ્સમાં અને એકોમોડેશન તથા હાર્ડશિપ કૉમ્પેન્સેશન પેટે અને વધારાની FSI ખરીદવામાં તથા એ પેટેના ખર્ચમાં વપરાશે.
SME સેગમેન્ટમાં કલકત્તાની અપના લૉજિસ્ટિક્સ ૧૦ના શૅરદીઠ ૬૦ના ભાવથી ૩૪ કરોડનો BSE SME IPO સોમવારે કરશે. QIB પોર્શન નથી. ૧૯૯૨માં સ્થપાયેલી આ કંપની કન્ટેનર હૅન્ડલિંગ તેમ જ ટ્રાન્સપોર્ટેશન સર્વિસીઝ પૂરી પાડે છે. ગત વર્ષે ૪૪ ટકા વધારામાં ૩૧૦૯ લાખની આવક પર ૮૯ ટકા વધારામાં ૫૮૬ લાખ નફો બતાવ્યો છે. દેવું ૬૩૦ લાખ છે. ઇશ્યુમાંથી ૨૫ કરોડ વર્કિંગ કૅપિટલમાં વપરાશે. લીડ મૅનેજરની છાપ સારી નથી. ગ્રેમાર્કેટમાં ૩ રૂપિયાથી પ્રીમિયમ સોદા શરૂ થયા છે.
TBZ વનવે તેજીમાં ચોથા દિવસે પણ લાઇફટાઇમ હાઈ થઈ
સાઉથની GRT જ્વેલર્સ તરફથી TBZના ટેકઓવરની જાહેરાતને પગલે TBZના શૅરમાં જબરી તેજી ચાલી છે. શૅર ગઈ કાલે ૧૦ ટકાની નવી લિમિટમાં ઉપલી સર્કિટ મારી ૪૭૨ની નવી વિક્રમી સપાટીએ બંધ થયો છે. આ સતત ચોથા દિવસની ઑલટાઇમ હાઈ છે. NSEમાં શૅર ૧૦ ટકાની ઊપલી સર્કિટમાં ૪૮૧ નજીક લાઇફટાઇમ હાઈ બંધ થયો છે. ગઈ કાલે જેમ્સ અૅન્ડ જવેલરી શૅરોમાં બહુધા મજબૂત વલણ હતું. રાધિક જ્વેલ્સ ૧૦ ટકા, લલિતા જ્વેલરી માર્ટ પોણાદસ ટકા, રેનેસા ગ્લોબલ સાડા આઠ ટકા, મોતીસન્સ જ્વેલર્સ સવાસાત ટકા, સ્કાઇ ગોલ્ડ સાડાછ ટકા, સ્વર્ણ સરિતા ૫.૧ ટકા, AJC જ્વેલ પાંચ ટકા, ગોલ્ડિયમ ઇન્ટરનૅશનલ દોઢ ટકા, કલ્યાણ જ્વેલર્સ સવા બે ટકા અને થંગમયિલ એક ટકો વધી છે.
સરકારી નવાં પગલાંની ધાકમાં શુગર શૅરો મોળા પડયા છે. ગઇ કાલે શુગર ઇન્ડસ્ટ્રીઝના ૭૪માંથી માત્ર પાંચ શૅર પ્લસ હતા. ગાયત્રી શુગર દોઢ ટકા તો KCE શુગર ૧.૪ ટકા વધી હતી. અન્ય ત્રણ શૅર નજીવા સુધર્યા છે. સામ ઉગર શુગર પોણા નવ ટકા, ઉત્તમ શુગર પાંચ ટકા, ધામપુર શુગર ૫.૨ ટકા, દાલમિયા શુગર પોણાપાંચ ટકા, ધામપુર બાયોઑર્ગેનિક્સ અને ઝારકેશ શુગર ૪-૪ ટકા, શક્તિ શુગર પોણાત્રણ ટકા, KM શુગર સવાત્રણ ટકા, ધામપુર સ્પેશ્યાલિટી ૩.૨ ટકા, કેસર એન્ટરપ્રાઇસ ત્રણ ટકા, અવધ શુગર અઢી ટકા કડવી બની છે.
જામનગરની ઇન્ટિગ્રેટેડ પ્રોટિન્સ ૧૦ના શૅરના એક રૂપિયામાં અને પુણેની TCC કન્સેપ્ટ ૧૦ના શૅરના બે રૂપિયાના વિભાજનમાં ગઈ કાલે એક્સ સ્પિલ્ટ થઈ છે. ઇન્ટિગ્રેટેડ પોણાબે ટકા ઘટીને ૧૬ રૂપિયા તથા TCC સાડાપાંચ ટકા ગગડીને ૪૪ બંધ આવી છે.
નાશિકની ESDS સૉફ્ટવેરમાં ૧૦૯ ટકાનું મારફાડ રિટર્ન
ગઈ કાલે મેઇન બોર્ડમાં નાશિકની ESDS સૉફ્ટવેર, એકના શૅરદીઠ ૪૨૯ની ઇશ્યુ પ્રાઇસ તથા ગ્રે માર્કેટમાં ૨૭૫થી શરૂ થઈ ઉપરમાં ૩૭૫ અને નીચે ૨૪૭ થયા બાદ છેલ્લે બોલાતા ૩૧૧ પ્રીમિયમ સામે ૭૪૬ ખૂલી ૨૦ ટકાની ઉપલી સર્કિટમાં ૮૯૫ વટાવી ત્યાં જ બંધ રહેતાં ૧૦૯ ટકા નજીક એટલે કે શૅરદીઠ ૪૬૫ રૂપિયાથી વધુનો મારફાડ લિસ્ટિંગ ગેઇન છુટ્યો છે. મુંબઈની અંધેરી (વેસ્ટ)ની પ્રાયોરિટી જ્વેલ્સ ૧૦ના શૅરદીઠ ૨૦૦ની ઇસ્યુ પ્રાઇસ તેમ જ ગ્રેમાર્કેટમાં ૨૮થી શરૂ થઈ ઉપરમાં ૪૫ થયા બાદ છેલ્લે ચાલતા ૨૮ પ્રીમિયમ સામે ૨૨૫ ખૂલી ઉપલી સર્કિટમાં પાંચ ટકા વધી ૨૩૬ બંધ થતાં સવાઅઢાર ટકાનો લિસ્ટિંગ ગેઇન મળ્યો છે. SMEમાં ગુરુગ્રામ (હરિયાણા)ની પલક ટેક્નૉલૉજીઝ ૧૦ના શૅરદીઢ ૪૮ના ઇશ્યુ પ્રાઇસ અને ગ્રે માર્કેટમાં ૪૭ નીચે ખૂલી ઉપલી સર્કિટમાં ૪૯ પ્લસ BSEમાં બંધ આવતાં એમાં ૨.૪ ટકાનો મામૂલી લિસ્ટિંગ ગેઇન મળ્યો છે. મુંબઈની અંધેરી-કુર્લા રોડ ખાતેની કમ્પ્લેટ સ્પોર્ટ્સ એન્ડ મેનેજમેન્ટ ઇન્ડિયા જેવું લાંબુ લચક નામ ધરાવતી કંપની ૧૦ના શૅરદીઠ ૧૩૫ની ઇશ્યુ પ્રાઇસ અને ગ્રે માર્કેટમાં પહેલેથી જ ઝીરો પ્રીમિયમ સામે BSE ખાતે ગઈ કાલે ૧૩૯ ખૂલી ઊપલી સર્કિટમાં પાંચ ટકા વધી ૧૪૬ નજીક બંધ રહેતાં તેમાં ૮.૧ ટકાનો લિસ્ટીંગ ગેઇન મળ્યો છે. સોમવારે પર્પલ સ્ટાઇલ લૅબ્સ, ફીકેમ ટેક્નૉલૉજી, શાંતિ ઇનઑર્ગેનિક્સ તથા આશુતોષ ફાઇબર લિસ્ટેડ થવાની છે. હાલમાં પર્પલ સ્ટાઇલમાં બેનું અને આશુતોષમાં ૪૧નું, ફીકેમમાં એકનું અને શાંતિ ઇનઓર્ગેનિક્સમાં ૪૦નું પ્રીમિયમ છે.
દરમ્યાનમાં આગલા દિવસે ૨૮.૪ ટકા લિસ્ટિંગ ગેઇનમાં ૧૧૦ ઉપર બંધ રહેલી લ્યુમિનો ઇન્ડસ્ટ્રીઝ ગઇ કાલે ૧૨૨ના બેસ્ટ લેવલે જઈ પોણાચાર ટકા વધી ૧૧૪ પ્લસ બંધ થઇ છે, તો ૭૫ ટકા લિસ્ટીંગ ગેઇનમાં ૧૫૭ના લેવલે બંધ થયેલી કવીક ફૉરેન્સિક સૉલ્યુશન્સ પણ ૧૬૫ ઉપર નવું શિખર નોંધાવી પાંચ ટકાની ઉપલી સર્કિટમાં ત્યાં જ બંધ થઈ છે. અન્યમાં અન્નુ પ્રોજેક્ટ્સ સારા બજારમાં પણ ૭૦ ઉપરનું વર્સ્ટ લેવલ દેખાડી મંદીની સર્કિટમાં પાંચ ટકા તૂટી ૭૧.૩૧ બંધ થઈ છે. સુમેક્સ એન્જિનિયરીર્સ પોણાચાર ટકા ગગડી ૧૦૬ ઉપર રહી છે. સિમ્બાયોટિક ફાર્મા લૅબ અડધો ટકો ઘટીને ૧૦૭૨ નજીક, હાળ-ટેક એન્જિનિયર્સ બે ટકા ઘટીને ૭૩.૫૬ તથા સ્કાઇવેઝ એર સર્વિસીઝ ૫.૭ ટકા તૂટી ૧૨૩ નીચે ગઈ છે. ABK હેલ્થકૅર પાંચ ટકા ખરડાઈ નીચલી સર્કિટમાં ૮૧ની અંદર નવા તળિયે બંધ થઈ હતી. મધૂર નીટમાં સોદા પડ્યા નથી.
મુંબઈની મલાડ (વેસ્ટ)ની ક્વૉલિયન્સ ઇન્ટરનૅશનલનો ૧૦ના શૅરદીઠ ૧૨૭ના ભાવનો ૪૫ કરોડનો NSE SME ઇશ્યુ ગઈ કાલે પ્રથમ દિવસે રીટેલમાં ૧૭ ગણા નજીક તથા કુલ ૧૨ ગણા જેટલો ભરાયો છે. પ્રીમિયમ ૫૫ના લેવલે ટકેલું છે.