સંવત ૨૦૮૦નો છેલ્લો દિવસ અને છેલ્લો મહિનો શૅરબજાર માટે ખરાબ નીવડ્યો

01 November, 2024 07:21 AM IST  |  Mumbai | Anil Patel

સેન્સેક્સમાં પોણાછ ટકા કે ૪૮૭૭ પૉઇન્ટ અને નિફ્ટીમાં ૬.૨ ટકા કે ૧૫૯૧ પૉઇન્ટના ધબડકા સાથે ઑક્ટોબર મહિનો ૪ વર્ષનો સૌથી ખરાબ પુરવાર થયો: મન્થ્લી ધોરણે શૅરબજારની સળંગ ૧૧ મહિનાની આગેકૂચનો પણ અંત આવ્યો

શેરબજારની પ્રતીકાત્મક તસવીર

સેન્સેક્સમાં પોણાછ ટકા કે ૪૮૭૭ પૉઇન્ટ અને નિફ્ટીમાં ૬.૨ ટકા કે ૧૫૯૧ પૉઇન્ટના ધબડકા સાથે ઑક્ટોબર મહિનો ૪ વર્ષનો સૌથી ખરાબ પુરવાર થયો: મન્થ્લી ધોરણે શૅરબજારની સળંગ ૧૧ મહિનાની આગેકૂચનો પણ અંત આવ્યો: ડૉલર સામે રૂપિયો ઑલટાઇમ તળિયે જવા છતાં IT ઇન્ડેક્સમાં ૧૦૫૮ પૉઇન્ટનો ધબડકો: લાર્સનના જોરમાં કૅપિટલ ગુડ્સ ઇન્ડેક્સ ૧૪૪૬ પૉઇન્ટની તેજીમાં: નરમાઈના માહોલમાં ૬૩ મૂન્સ ૧૦ ટકાની ઉપલી સર્કિટે: એફકોન્સ માથે લિસ્ટિંગ વચ્ચે ગ્રે માર્કેટમાં ડિસ્કાઉન્ટમાં સરક્યો: સ્વિગીમાં પ્રીમિયમ ૧૮ની આસપાસ: રિલાયન્સના બોનસ શૅર શુક્રવારથી ટ્રેડિંગમાં દાખલ થશે

દલાલ સ્ટ્રીટવાળા માટે ગામમાં દિવાળી અને ઘરમાં હૈયાહોળીનો ઘાટ છે. બજાર ગુરુવારે ૧૦૨ પૉઇન્ટના ગૅપમાં ૮૦૦૪૫ નજીક ખૂલ્યું હતું અને એની સાથે જ ફસડાઈને માઇનસ ઝોનમાં આવી ગયું હતું જેમાં સેન્સેક્સ નીચામાં ૭૯૨૮૮ થઈ છેવટે ૫૫૩ પૉઇન્ટના ઘટાડે ૭૮૩૮૯ તો નિફ્ટી ૧૩૫ પૉઇન્ટ બગડી ૨૪૨૦૫ બંધ થયો છે. આ સાથે વિક્રમ સંવત ૨૦૮૦નો પણ અંત આવ્યો છે. ઑક્ટોબરમાં સેન્સેક્સ ૪૮૭૭ પૉઇન્ટ કે પોણાછ ટકા તથા નિફ્ટી ૧૫૯૧ પૉઇન્ટ કે ૬.૨ ટકા લથડ્યો છે. છેલ્લાં ૪ વર્ષમાં મન્થ્લી ધોરણે આટલી ખરાબી પ્રથમ વાર જોવા મળી છે. આ સાથે શૅરબજાર માસિક ધોરણે સતત ૧૧ મહિનાથી વધી રહ્યું હતું. એનો સિલસિલો પણ અટક્યો છે. ગઈ કાલે બન્ને બજારનાં મોટા ભાગનાં સેક્ટોરલ રેડ ઝોનમાં ગયાં છે. સ્મૉલકૅપ ઇન્ડેક્સ દોઢ ટકો, હેલ્થકૅર પોણાબે ટકા, નિફ્ટી ફાર્મા બે ટકા, કૅપિટલ ગુડ્સ બેન્ચમાર્ક બે ટકાથી વધુ, યુટિલિટી અડધો ટકો પ્લસ હતા. નિફ્ટી આઇટી ઇન્ડેક્સ સર્વાધિક ત્રણ ટકા ડૂલ થયો છે. માર્કેટ બ્રેડ્થમાં મજબૂતી જળવાઈ રહી છે એ એક સારી વાત છે. ગઈ કાલે NSEમાં ૯૩૮ શૅર ઘટ્યા હતા તો સામે બમણા, ૧૮૧૭ શૅર વધીને બંધ થયા છે. સેન્સેક્સ ૫૫૩ પૉઇન્ટ બગડવા છતાં બજારનું માર્કેટકૅપ ગઈ કાલે ૮.૬૪ લાખ કરોડ વધીને ૪૪૪.૭૧ લાખ કરોડ બંધ આવ્યું છે. આ એક નવાઈ છે. BSEનો પ્રોવિઝનલ ફિગર છે યાર, કાંઈ કહેવાય નહીં.

એશિયા ખાતે તાઇવાન અને સિંગાપોર રજામાં હતાં. સાઉથ કોરિયા દોઢ ટકો તો જપાન અડધો ટકો ડાઉન હતું. સામે થાઇલૅન્ડ સવા ટકો અને ચાઇના અડધા ટકા નજીક સુધર્યું છે. યુરોપ રનિંગમાં પોણા ટકા આસપાસ ઢીલું દેખાયું છે. રોજ નવાં શિખર બનાવવા ચાળે ચડેલું પાકિસ્તાનનું શૅરબજાર  ગઈ કાલે નીચામાં ૮૯૮૬૦ થઈ ૧૮૦ પૉઇન્ટ જેવી પીછેહઠમાં ૯૦૧૦૭ નજીક રનિંગમાં જોવા મળ્યું છે.

રિલાયન્સે શૅરદીઠ એક બોનસ તરીકે ૬૭૬ લાખ બોનસ શૅરનું અલૉટમેન્ટ ૨૯મીએ પૂરું કર્યું છે હવે આ શૅર શુક્રવારથી ટ્રેડિંગમાં દાખલ થશે. એફકોન્સનું લિસ્ટિંગ સોમવારે છે ત્યારે ગ્રે માર્કેટમાં હાલ ૩થી ૪નાં ડિસ્કાઉન્ટ બોલાવા માંડ્યાં છે. અહીં પ્રીમિયમની શરૂઆત ૨૨૫થી થઈ હતી. સ્વિગીમાં ૧૮નું પ્રીમિયમ સંભળાય છે. ઉષા ફાઇ સર્વિસિસ શૅરદીઠ ૧૬૮ની ઇશ્યુ પ્રાઇસ અને ગ્રે માર્કેટમાં ૯ના પ્રીમિયમ સામે ડિસ્કાઉન્ટમાં ૧૬૪ ખૂલી ૧૫૬ નીચે બંધ આવતાં એમાં સવાસાત ટકાની લિસ્ટિંગ લૉસ મળી છે.

હેલ્થકૅર ઇન્ડેક્સ ૯૯માંથી ૭૨ શૅરના સથવારે ૮૦૦ પૉઇન્ટ કે ૧.૯ ટકા ઊંચકાયો છે જેમાં સિપ્લાનો ફાળો ૨૫૭ પૉઇન્ટ હતો. વિન્ડલાસ બાયો ૧૦ ટકાના ઉછાળે ૧૧૪૦ના નવા શિખરે બંધ રહ્યો છે. ભાવ વર્ષ પહેલાં ૩૩૧ નીચે હતો. ન્યુલૅન્ડ લૅબ પોણાઆઠ ટકા કે ૧૦૭૨ રૂપિયાના જમ્પમાં ૧૪૮૭૫ થયો છે. પરિણામ ૬ નવેમ્બરે છે. વૉહાર્ટ પાંચ ટકાની ઉપલી સર્કિટે ૧૨૧૨ વટાવી નવા બેસ્ટ લેવલે ગયો છે. MCX ૬ ટકા પ્લસની આગલા દિવસની ખરાબી બાદ ગઈ કાલે ૨.૪ ટકા વધી ૬૫૩૫ રહી છે. BSE પોણાત્રણ ટકાની આગેકૂચમાં ૪૪૬૫ હતી. IRB ઇન્ફ્રા નબળા રિઝલ્ટમાં ચાર ટકા ખરડાઈ બાવનની અંદર ઊતરી ગઈ છે. પ્રુડેન્ટ કૉર્પોરેટ પરિણામ પાછળ ૩૨૨૪ના બેસ્ટ લેવલે જઈ ૧૫ ટકા કે ૪૦૪ના જમ્પમાં ૩૧૧૭ વટાવી ગઈ હતી.

એક્ઝોનોબલમાંથી વિદેશી પેરન્ટ્સ વિદાય લેશે, શૅર જબરી તેજીમાં

સિપ્લાના ગોવા ખાતેના યુનિટને અમેરિકન એફડીએ તરફથી સ્વીકૃતિ મળતાં કીમો થેરપી માટે મહત્ત્વની ડ્રગ એબ્રાઝેન લૉન્ચ કરવાનાં દ્વાર કંપની માટે ખૂલી જાય છે. આની અસરમાં શૅર ગઈ કાલે ઉપરમાં ૧૫૬૬ થઈ સાડાનવ ટકા કે ૧૩૩ રૂપિયા તેજીમાં ૧૫૫૨ બંધ રહી નિફ્ટી ખાતે બેસ્ટ ગેઇનર બન્યો છે. લાર્સને ૨૧ ટકાના વધારામાં ૬૧,૫૫૫ કરોડની આવક પર પાંચ ટકાના વધારામાં ૩૩૯૫ કરોડ નેટ નફો કરી બજારની ધારણાથી સારો દેખાવ કર્યો છે. માર્કેટની ગતણરી ૫૭,૩૦૩ કરોડની આવક અને ૩૧૮૨ કરોડના ચોખ્ખા નફાની હતી. આને પરિણામે CLSA તરફથી ૪૧૫૧ રૂપિયા, બર્નસ્ટેને ૭૮૯૧ રૂપિયા, નોમુરાએ ૪૧૦૦ રૂપિયા, મૉર્ગન સ્ટૅનલીએ ૩૮૫૭ રૂપિયાની ટાર્ગેટ પ્રાઇસથી બાયના કૉલ વહેતા કર્યા છે. કંપનીનું ગ્રોસ માર્જિન પોણો ટકો ઘટ્યું છે એની કોઈને ચિંતા થઈ નથી. શૅર ગઈ કાલે પોણાત્રણ ગણા કામકાજમાં ૩૬૫૫ થઈ સવાછ ટકા કે ૨૧૭ રૂપિયા ઊછળી ૩૬૨૪ બંધ રહી સેન્સેક્સમાં મોખરે હતો. એને લીધે બજારને ૨૨૦ પૉઇન્ટનો ફાયદો થયો છે. કૅપિટલ ગુડ્સ ઇન્ડેક્સ ખરાબ બજારમાંય બે ટકા કે ૧૪૪૬ પૉઇન્ટ ઊંચકાયો એમાંય આ શૅરનો ૧૪૧૬ પૉઇન્ટનો સિંહફાળો ભાગ ભજવી ગયો છે. અન્યમાં ડૉ. રેડ્ડીઝ લૅબ, હીરો મોટોકૉર્પ, ONCG પોણાબેથી બે ટકા તો પાવરગ્ર‌િડ, JSW સ્ટીલ, મહિન્દ્ર, ગ્રાસ‌િમ પોણાથી એક ટકો પ્લસ હતા. ૮મીએ જેનાં પરિણામ છે એ તાતા મોટર્સ પોણો ટકો ઘટ્યો છે. સ્ટેટ બૅન્ક નહીંવત્ નરમ રહી હતી. ક્રૂડ સારું એવું નીચે જવા છતાં એશિયન પેઇન્ટ્સ બે ટકા કટ થયો છે, પણ એક્ઝોનોબલ સળંગ છઠ્ઠા દિવસની આગેકૂચમાં ૧૮ ગણા વૉલ્યુમે ઉપરમાં ૪૫૨૫ થઈ ૧૫.૬ ટકા કે ૫૯૧ રૂપિયાના જમ્પમાં ૪૩૯૩ થયો છે. એનાં પરિણામ ૭મીએ છે, પરંતુ ૭૦ વર્ષથી ભારતમાં અસ્તિત્વ ધરાવતી આ કંપનીને હવે એની વિદેશી પેરન્ટ્સ વેચીને એક્ઝિટ લેવાની વેતરણમાં હોવાના અહેવાલ શૅરમાં તેજીનું મુખ્ય કારણ બન્યા છે. એક્ઝોનોબલ મૂળ સ્વીડિશ કંપની છે. એને હાલમાં ૧૮,૦૦૦ કરોડની માર્કેટ-કૅપના વૅલ્યુએશન પર ૨૫થી ૪૦ ટકા જેટલું પ્રીમિયમ જોઈએ છે. JSW, અદાણી, આદિત્ય બિરલા, એશિયન પેઇન્ટ્સ જેવા સંભવિત ગ્રાહક સાથે પ્રાથમિક તબક્કે વાટાઘાટ ચાલુ થઈ ગઈ હોવાનું કહેવાય છે. કંપની એનું સંપૂર્ણ હોલ્ડિંગ અગર તો આંશિક હોલ્ડિંગ વેચવાના મામલે ખુલ્લું દિમાગ ધરાવે છે.

એલ્સિડ ઇન્વેસ્ટમેન્ટ્સ ઉપલી સર્કિટ મારીને .૪૮ લાખ રૂપિયાના નવા શિખરે

મેટા અને માઇક્રોસૉફ્ટ તરફથી વિકાસ સંજોગો પ્રોત્સાહક નહીં હોવાના અણસારથી વિશ્વસ્તરે આઇટી-ટેક્નૉલૉજી શૅરોમાં ગઈ કાલે વત્તે-ઓછે અંશે માઠી અસર જોવા મળી છે. ટેક મહિન્દ્ર સાડાચાર ટકા, HCL ટેક્નૉ ચારેક ટકા અને ટીસીએસ પોણાત્રણ ટકા ખરડાઈ બન્ને બજાર ખાતે ટૉપ લૂઝર બન્યા છે અને બજારને ૨૦૮ પૉઇન્ટ નડ્યા છે. હેવીવેઇટ ઇન્ફોસિસ અઢી ટકા બગડી ૧૭૫૭ના બંધમાં બજારને ૧૪૦ પૉઇન્ટ ભારે પડ્યો છે વિપ્રો ૨.૪ ટકા તો લાટિમ દોઢ ટકો માઇનસ હતો. હેવીવેઇટ્સની સાથેસાથે ઑરેકલ લાર્સન ટેક્નૉ, ઑનવર્ડ ટેક્નૉ, એમ્ફાસિસ, પર્સિસ્ટન્ટ, બિરલા સૉફ્ટ, જેનેસિસ જેવી જાતો ત્રણથી પોણાપાંચ ટકા ડૂલ થતાં આઇટી બેન્ચમાર્ક અઢી ટકા કે ૧૦૫૮ પૉઇન્ટ સાફ થયો છે. ખરાબ માહોલમાં પણ ૬૩ મૂન્સ ૧૦ ટકાની તેજીની સર્કિટમાં ૫૭૨ વટાવી અહીં ટૉપ ગેઇનર હતો. ટેલિકૉમમાં તેજસ નેટ સાત ટકા ઊંચકાયો છે. ભારતી ઍરટેલ સવા ટકો તો ભારતી હેક્સા પોણાબે ટકા કપાયો હતો. આઇટીના ભારમાં ટેક્નૉલૉજી બેન્ચમાર્ક ૨.૩ ટકા તૂટ્યો છે. રિલાયન્સની નેટવર્ક૧૮ સવાછ ટકાની તેજીમાં ૮૬ તો જસ્ટ ડાયલ ૩ ટકા વધી ૧૧૩૫ વટાવી ગઈ છે.

ICICI બૅન્ક દોઢ ટકાના ઘટાડે ૧૨૯૧ના બંધમાં બજારને ૧૨૬ પૉઇન્ટ તો રિલાયન્સ પોણા ટકાથી વધુની નબળાઈમાં ૧૩૩૨ બંધ આપીને ૫૫ પૉઇન્ટ નડ્યો છે. મારુતિ તથા અદાણી પોર્ટ‍્સ દોઢ ટકો ડાઉન હતા. તાતા કન્ઝ્યુમર, ટ્રેન્ટ, શ્રીરામ ફાઇ દોઢથી બે ટકા માઇનસ થયા છે. બૅન્ક નિફ્ટી ૦.૭ ટકા કે ૩૩૨ પૉઇન્ટ નરમ હતો. બૅન્કિંગના ૪૧માંથી ૧૯ શૅર ઘટ્યા છે. IDFC ફર્સ્ટ બૅન્ક સવાચાર ટકા તો આરબીએલ બૅન્ક સવાત્રણ ટકા ઘટીને મોખરે હતી. સામે સેન્ટ્રલ બૅન્ક ૪ ટકા, ઉજ્જીવન બૅન્ક ૩.૬ ટકા, ઉત્કર્ષ બૅન્ક, બંધન બૅન્ક અને ડીસીબી બૅન્ક અઢી ટકા મજબૂત હતી. ફાઇનૅન્સ બેન્ચમાર્ક ૧૫૧માંથી ૭૮ શૅરના સુધારા વચ્ચે અડધો ટકો ઘટ્યો છે. કૅપ્રિ ગ્લોબલ, માસ્ટર ટ્રસ્ટ, પિલાણી ઇન્વે, આદિત્ય બિરલા કૅપિટલ, ફાઇવસ્ટાર બિઝનેસ ચારથી પોણાસાત ટકા તૂટ્યા છે. એલ્સિડ ઇન્વેસ્ટમેન્ટ્સ ૧૧૫ શૅરના કામકાજમાં પાંચ ટકાની ઉપલી સર્કિટે ૧૧,૮૧૨ રૂપિયાની છલાંગ મારી ૨.૪૮ લાખ રૂપિયાના સર્વોચ્ચ શિખરે બંધ હતો.

stock market share market nifty sensex reliance bombay stock exchange mumbai business news diwali