31 August, 2025 07:04 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મુકેશ અંબાણી
મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ હવે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI) ક્ષેત્રમાં પ્રવેશ કરશે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની ૪૮મી ઍન્યુઅલ જનરલ મીટિંગ (AGM)માં કંપનીના ચૅરમૅન અને મૅનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીએ તેમની નવી કંપનીની જાહેરાત કરી છે, જેનું નામ રિલાયન્સ ઇન્ટેલિજન્સ હશે. રિલાયન્સે એની નવી કંપની માટે ગૂગલ અને મેટા જેવી મોટી કંપનીઓ સાથે કરાર કર્યા છે.
નવી AI કંપની સાથે મુકેશ અંબાણીએ કંપનીનો ભવિષ્યનો રોડમૅપ આગળ મૂક્યો હતો. રિલાયન્સ હવે ટેલિકૉમ, રીટેલ અને ઊર્જા વ્યવસાય તેમ જ ડીપ ટેક એન્ટરપ્રાઇઝમાં કામ કરશે.
ગૂગલ અને મેટા સાથે ભાગીદારી
રિલાયન્સ જીઓએ ગૂગલ અને મેટા જેવી કંપનીઓ સાથે ભાગીદારી કરી છે. ગૂગલના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર (CEO) સુંદર પિચાઈએ જણાવ્યું હતું કે ‘ગૂગલ અને રિલાયન્સ સાથે મળીને રિલાયન્સના વ્યવસાયમાં જેમિની AI મૉડલનો સમાવેશ કરશે. આ સાથે બન્ને કંપનીઓ મળીને જામનગરમાં ગ્રીન એનર્જી દ્વારા સંચાલિત ક્લાઉડ રીજન સ્થાપિત કરશે. આ સાથે રિલાયન્સ ગૂગલના સહયોગથી AI ફોન અને એક્સ્ટેન્ડેડ રિયલિટી ડિવાઇસ બનાવશે.’
ગૂગલની સાથે રિલાયન્સે ફેસબુકની પેરન્ટ કંપની મેટા સાથે સંયુક્ત સાહસની પણ જાહેરાત કરી છે. આ દ્વારા કંપની ભારતીય વ્યવસાયો અને સરકારી સંસ્થાઓને સુરક્ષિત AI પ્લૅટફૉર્મ પ્રદાન કરશે. મેટાના CEO માર્ક ઝકરબર્ગે કહ્યું હતું કે અમે ઇચ્છીએ છીએ કે ભારતીય વપરાશકર્તાઓ સરળતાથી AI અને ઍડ્વાન્સ્ડ સુપરઇન્ટેલિજન્સનો ઉપયોગ કરી શકે.
AI એ નવા યુગની કામધેનુ
મુકેશ અંબાણીએ કંપનીની ૪૮મી AGMમાં કહ્યું હતું કે ‘AI એ આપણા યુગની કામધેનુ છે. જીઓ દરેક ભારતીયને ડિજિટલ ક્રાન્તિમાં લાવ્યું અને હવે રિલાયન્સ ઇન્ટેલિજન્સ સાથે એ દરેક ભારતીયને સુધી AIને પહોંચાડશે.’
રિલાયન્સ ઇન્ટેલિજન્સ ચાર મુખ્ય મિશન પર કામ કરશે
જામનગરમાં ગીગાવૉટ-સ્કેલ અને AI-રેડી ડેટા સેન્ટરનું નિર્માણ
વૈશ્વિક ટેક કંપનીઓ અને ઓપન-સોર્સ સમુદાય સાથે ભાગીદારી
શિક્ષણ, આરોગ્ય, કૃષિ અને નાના વ્યવસાય જેવાં ક્ષેત્રોમાં AI વિકાસ
ભારતમાં કામ કરવા માટે વિશ્વકક્ષાની AI પ્રતિભાને આકર્ષિત કરવી