10 April, 2025 07:06 AM IST | Washington | Anil Patel
ટ્રમ્પનો તરખાટ : જુઓ કેવું મીમ ફરતું થયું
વિશ્વબજારોની ભારે ખુવારીને પગલે શરૂઆતમાં ૪૦૦૦ પૉઇન્ટ તૂટેલું આપણું બજાર છેવટે ખરાબીને ૨૨૦૦ પૉઇન્ટે સીમિત રાખવામાં સફળ થયું એનાથી સબ-સલામત ન માની લેશો
ટ્રમ્પની રેસિપ્રોકલ ટૅરિફ અને એની સામે ચાઇનાના રિસ્પૉન્સની સાથે જ આર્થિક વિશ્વયુદ્ધનાં મંડાણ થયાં છે અને યુદ્ધનો પહેલો શિકાર શૅરબજારો બન્યાં છે. ટૅરિફ-પ્લાનની વિધિવત્ જાહેરાત પછી નબળાં પડેલાં શૅરબજાર હવે ગગડવા માંડ્યાં છે, આગળ જતાં એ રીતસર રગદોળાવા માંડશે. અમેરિકાની હાલત અત્યારે વધુ પતલી છે. ટૅરિફ-વૉરના પગલે મોંઘવારી, બેકારી અને સરવાળે મંદી વધવાની ફિકરમાં અમેરિકામાં ટ્રમ્પ સામે વિરોધ વધવા માંડ્યો છે. ‘હૅન્ડ્ઝ ઑફ’ મૂવમેન્ટ જોર પકડી રહી છે. અમેરિકાનાં વિવિધ શહેરોમાં લાખો લોકો શેરીઓમાં ઊતરી આવ્યા છે. આ આક્રોશ વકરે તો માઇગ્રન્ટ્સને ડીપૉર્ટ કરવાના ચાળે ચડેલા ટ્રમ્પને લોકો ડીપૉર્ટ કરી દેશે.
વિશ્વબજારોના તાલમાં ઘરઆંગણે પણ શૅરબજાર ઘસાવા માંડ્યું છે. ટ્રમ્પના ટૅરિફ-પ્લાન પછી ૩૨૨ પૉઇન્ટ નરમ પડેલો સેન્સેક્સ ત્યાર પછી ૯૩૦ પૉઇન્ટ અને ગઈ કાલે ૨૨૨૭ પૉઇન્ટ ખરડાયો છે. બજારનું માર્કેટકૅપ લગભગ ૨૪ લાખ કરોડ રૂપિયા સાફ થયું છે, પરંતુ આ ગાળામાં એશિયા અને યુરોપનાં બજાર આપણા કરતાં ક્યાંય વધુ ડૂલ થયાં છે. આને લઈ ‘મેરી ખમીસ ઝ્યાદા ઉજલી’ની મનોવૃત્તિમાં રાચતી સરકાર, એના સમર્થકો તથા પ્રચારતંત્રનાં વાજિંત્રો પોરસાઈ રહ્યાં છે. ટ્રમ્પ-ટૅરિફ ભારત માટે વિકાસની નવી તક પૂરી પાડશે; ભારતની સ્પર્ધાક્ષમતાને વાંધો નહીં આવે; GDP ગ્રોથમાં માંડ ૦.૩ ટકાનો જ ફરક પડશે; ધીરજ રાખો, પૅનિક ન કરશો. બજાર ઝડપથી વધશે; ઘટાડે રોકાણની તક મળી છે તો ઝડપી લો એ પ્રકારની વાતો માંડનારા વિશ્લેષકો વધવા માંડ્યા છે. તેમને તો માત્ર વાતો જ કરવી છે, પૈસા તમારે રોકવાના છે યાર.
અમારે એક વાત કહેવી છે, બહુ સ્પષ્ટ રીતે કહેવી છે : બજાર બગડવાનું છે. ઘટાડાની રફ્તાર વધવાની છે. મોદી સરકાર વાટાઘાટોના માર્ગે ટ્રમ્પને મનાવી લેશે, ભારતને રેસિપ્રોકલ ટૅરિફમાં નોંધપાત્ર રાહત ટ્રમ્પ આપશે એવો ભ્રમ રાખશો નહીં. અદાણી સ્વરૂપનું ટ્રમ્પ-કાર્ડ જ્યાં સુધી ટ્રમ્પ પાસે છે ત્યાં સુધી ભારતને લઈ ટ્રમ્પને કશી ફિકર નથી. હું કહીશ એ ભારત કરશે એવો તેને વિશ્વાસ છે એટલે વાટાઘાટમાં ભારતને બોર આપીને કલ્લી પડાવવાના કારસા જ થવાના છે. અમેરિકામાં ટ્રમ્પ અને ભારતમાં તેજી એ બન્ને હવે સાથે જોવા મળવાનાં નથી.
અમેરિકન બજારોમાં સોમવારની સવારે શું થયું?
અમેરિકન બજારના રંગ-ઢંગ જોતાં સતત ત્રીજો દિવસ પણ માયૂસીનો જણાય છે. સોમવારે ડાઉ ઇન્ડેક્સ આગલા બંધથી ૪૩૫ પૉઇન્ટ નીચે ૩૭,૮૮૦ નજીક ખૂલી આ લખાય છે ત્યારે ૮૦૨ પૉઇન્ટ ઘટી ૩૭,૫૧૨ ચાલતો હતો. માર્કેટ ખૂલ્યા પછી નીચામાં ૩૬,૬૧૨ થયું હતું. રેસિપ્રોકલ ટૅરિફનો અમલ હાલપૂરતો મોકૂફ રહેવાની હવા ચાલતાં આંક વધી ઉપરમાં ૩૯,૨૦૭ થઈ ગયો હતો. જોકે વાઇટ હાઉસ તરફથી એને રદિયો અપાતાં બજાર બગડી માઇનસ ઝોનમાં સરી પડ્યું હતું.
ત્રણ દિવસ પહેલાં ડાઉ ૪૨,૨૧૫ હતો જે ગગડતો રહી હાલ ૩૭,૪૮૩ ચાલે છે. મતલબ કે માર્કેટ ૪૭૩૨ પૉઇન્ટ કે ૧૧.૨ ટકા તૂટી ગયું છે. અર્થાત્ ડાઉ હવે રીતસર કરેક્શન ઝોનમાં પ્રવેશી ચૂક્યો છે. ૨૦૨૪ની ૪ ડિસેમ્બરે ડાઉમાં ૪૫,૦૭૪ની સર્વોચ્ચ સપાટી બની હતી એની તુલનામાં માર્કેટ હાલ ૧૬.૮ ટકા નીચે આવી ગયું છે. દરમ્યાન સોમવારે રનિંગમાં ડાઉ નીચામાં ૩૬,૬૧૨ નીચે જોવાયો એ લગભગ ૧૬ માસની બૉટમ છે.
નૅસ્ડૅક નીચામાં ૧૪,૭૮૪ની ૧૫ માસની બૉટમ બતાવી રનિંગમાં ૦.૯ ટકા કે ૧૦૦ પૉઇન્ટના ઘટાડે ૧૫,૪૮૭ દેખાયો છે. આ વલણ યથાવત્ રહે તો ઘરઆંગણે મંગળવારે IT શૅરોમાં વત્તે-ઓછે અંશે સુધારો આવી શકે.
ટ્રમ્પ બેલગામ : ચીન પર વધારાની ૫૦ ટકા ટૅરિફ ઝીંકવાની ધમકી
અમેરિકન પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પે ગઈ કાલે ચીની વસ્તુઓની આયાત પર વધારાની પચાસ ટકા ટૅરિફ નાખવાની ધમકી આપી હતી. ટ્રમ્પે કહ્યું હતું કે ચીને અમેરિકા પર વળતા જવાબરૂપે લાદેલી ૩૪ ટકા ટૅરિફ પાછી નહીં ખેંચવામાં આવે તો જોવા જેવી થશે. અમેરિકાએ ચીન પર ૩૪ ટકા ટૅરિફ લાદી એ પછી ચીને પણ વળતા પ્રહારરૂપે ૩૪ ટકા ટૅરિફની જાહેરાત કરી હતી. ટ્રમ્પે ગઈ કાલે પચાસ ટકા વધારાની ટૅરિફની ધમકી આપતાં કહ્યું હતું કે ચીન સાથેની તમામ પ્રકારની મીટિંગો રદ કરી દેવામાં આવશે.
આ ચાર ધનપતિઓને સોમવારે પડ્યો ટોટલ ૭૬,૪૦૦ કરોડ રૂપિયાનો ફટકો
ટ્રમ્પની ટૅરિફને કારણે વિશ્વભરમાં હાહાકાર મચી ગયો છે ત્યારે સોમવારે ભારતના ટોચના ચાર અબજોપતિઓ મુકેશ અંબાણી, ગૌતમ અદાણી, સાવિત્રી જિન્દલ ઍન્ડ ફૅમિલી અને શિવ નાડરની નેટવર્થમાં ભારે ઘટાડો થયો છે. સોમવારે આ ચાર અબજોપતિઓની સંયુક્ત નેટવર્થ ૭૬,૪૦૦ કરોડ રૂપિયા જેટલી ઘટી ગઈ હતી. ફૉર્બ્સની યાદીમાંથી આ વાત સામે આવી છે. મુકેશ અંબાણીને સૌથી મોટો ફટકો પડ્યો છે. મુકેશ અંબાણીની સંપત્તિમાં ૨૫,૦૦૦ કરોડ રૂપિયાનો, ગૌતમ અદાણીની સંપત્તિમાં ૨૪,૦૦૦ કરોડ રૂપિયાનો, સાવિત્રી જિન્દલ ઍન્ડ ફૅમિલીની સંપત્તિમાં ૧૯,૭૦૦ કરોડ રૂપિયાનો અને શિવ નાડરની સંપત્તિમાં ૭૭૦૦ કરોડ રૂપિયાનો ઘટાડો થયો હતો.