દુનિયાના ટોપ-૧૦ અબજોપતિઓ પર કોરોનાની અસર નહીં, સંપત્તિ થઈ બમણી

17 January, 2022 03:43 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

અબજોપતિઓની સંપત્તિમાં લગભગ $૫૦૦૦ બિલિયન એટલે કે લગભગ ૩૭૦ લાખ કરોડ રૂપિયાનો વધારો થયો છે

પ્રતીકાત્મક તસવીર

મહામારી કોરોના વાયરસ (COVID-19)નો સમયગાળો અર્થવ્યવસ્થાને નુકસાન પહોંચાડનારો અને આર્થિક સ્થિતિ બગાડનારો કહેવાય છે. પરંતુ અબજોપતિઓ માટે આ સમયગાળો ખૂબ જ શાનદાર હતો. ઓક્સફેમના રિપોર્ટ અનુસાર, આ સમયગાળા દરમિયાન અબજોપતિઓની સંપત્તિમાં લગભગ $૫૦૦૦ બિલિયન એટલે કે લગભગ ૩૭૦ લાખ કરોડ રૂપિયાનો વધારો થયો છે. કોરોના સમયગાળા દરમિયાન વિશ્વના ટોપ-૧૦ અબજોપતિઓની સંપત્તિ લગભગ બમણી થઈ ગઈ છે.

ઓક્સફેમના રિપોર્ટ અનુસાર, માર્ચ ૨૦૨૦માં અબજોપતિઓની કુલ સંપત્તિ $૮.૬ ટ્રિલિયન હતી. જે નવેમ્બર ૨૦૨૧ સુધીમાં વધીને $૧૩.૮ ટ્રિલિયન થઈ ગઈ. છેલ્લા ૧૪ વર્ષની સરખામણીમાં આ ઘણો મોટો વધારો છે. વિશ્વના ૧૦ સૌથી મોટા અરબપતિઓની સંપત્તિમાં દરરોજ ૧.૩ બિલિયન ડોલરનો વધારો થયો છે અને આ સમયગાળા દરમિયાન તેમાં લગભગ બમણો વધારો જોવા મળ્યો છે.

કોરોના સમયગાળા દરમિયાન વિશ્વના ટોપ-૧૦ અબજોપતિઓની સંપત્તિ લગભગ બમણી થઈ ગઈ છે. જેમાં ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક અને એમેઝોનના સ્થાપક જેફ બેઝોસનો સમાવેશ થાય છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, હવે દુનિયાના આ ૧૦ અબજોપતિનો સમૂહ દુનિયાના ૩.૧ અબજ ગરીબ લોકો કરતા છ ગણો મોટો થઈ ગયો છે. જો કે દરેક અબજોપતિ પોતાની રીતે લોકોને મદદ કરે છે, પરંતુ સવાલ એ છે કે શું તેમની મદદ પૂરતી છે!

ઓક્સફેમનું કહેવું છે કે, સરકારે આ અતિ-સમૃદ્ધ લોકો પર ભારે ટેક્સ લાદવો જોઈએ અને તેમની પાસેથી મળેલા નાણાંનો ઉપયોગ રસીકરણ અને આરોગ્ય પ્રણાલીને સુધારવા માટે કરવો જોઈએ.

ઓક્સફેમના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર ગેબ્રિએલા બુચરે એક પ્રેસ રિલીઝમાં જણાવ્યું હતું કે, કોરોના સમયગાળા દરમિયાન કેન્દ્રીય બેંકોએ હજારો અબજો ડોલર નાણાકીય બજારમાં ઠાલવ્યા હતા, જેથી અર્થવ્યવસ્થાને મજબૂત બનાવી શકાય. પરિણામે, આમાંથી મોટા ભાગના પૈસા અબજોપતિઓના ખિસ્સામાં ગયા હતા.

business news coronavirus covid19