✕

વધતી ઉંમરની સાથે પારિવારિક જવાબદારીઓ ઓછી કરો અને શરૂ કરો જીવનની સેકન્ડ ઇનિંગ્સ

17 November, 2026 03:07 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તમારી એ અધૂરી ઇચ્છાઓ પૂરી કરો જે તમે પચીસ વર્ષની ઉંમરે પૈસા, સમય કે જવાબદારીના અભાવે નહોતાં કરી શક્યાં. ઉંમર માત્ર આંકડો છે, ઉત્સાહની કોઈ ઉંમર હોતી નથી. દરેક મહિલા પોતાની બનાવેલી મર્યાદાઓમાંથી બહાર આવે અને જીવનની દરેક પળને મન ભરીને માણે.

બીના સાંગાણી

આપણા સમાજમાં મોટા ભાગના પુરુષો માટે ૬૦ વર્ષની ઉંમરે નિવૃત્તિ નક્કી હોય છે. કાગળ પર સિનિયર સિટિઝન બન્યા એટલે ઑફિસમાં ફેરવેલ પાર્ટી અપાય, શાલ ઓઢાડીને સન્માન થાય અને પછી તેઓ મુક્ત. આ સુવિધા હોમમેકર માટે કેમ નથી? સ્ત્રીઓ માટે રિટાયરમેન્ટ શબ્દ જાણે દુનિયાની કોઈ ડિક્શનરીમાં લખાયો જ નથી. બાળપણથી દીકરી, પત્ની, વહુ, માતા અને સાસુ એમ દરેક પાત્રમાં તે ગૂંથાયેલી અને ગૂંચવાયેલી રહે છે. સંબંધો સાચવવામાં અને જવાબદારીઓ નિભાવવામાં આયખું કાઢી નાખે છે. સવારે પાંચ વાગ્યાના અલાર્મથી શરૂ થતું તેનું રસોડું અને ઘરનાં કામો રાત્રે બધા સૂઈ જાય ત્યાં સુધી નૉન-સ્ટૉપ ચાલતાં રહે છે. બાળકોનો ઉછેર, ઘરની સંભાળ, વડીલોની સેવા અને પરિવારની દરેક વ્યક્તિની જરૂરિયાતો પૂરી કરવામાં તે પોતાનાં સપનાં અને ઇચ્છાઓને પાછળ મૂકી દે છે; પરંતુ એક પ્રશ્ન વિચારવા જેવો છે કે જ્યારે બાળકો પોતપોતાના જીવનમાં વ્યસ્ત થઈ જાય અને ઉંમર ૬૦ની આસપાસ પહોંચે ત્યારે શું?

હકીકત એ છે કે મોટા ભાગની સ્ત્રીઓ પારિવારિક જવાબદારીઓ સાથે જરૂર ન હોય છતાં વળગી રહે છે, કારણ કે તેની પાસે બીજી ચૉઇસ નથી અને પછી અકારણ તેના જીવનમાં શૂન્યાવકાશ સર્જાય છે. ઉંમરના એક પડાવે થોભવું જરૂરી છે. સ્ત્રી ધારે તો જીવનની સેકન્ડ ઇનિંગ્સ શરૂ કરી જ શકે છે. દિવાળીમાં જેમ કબાટ સાફ કર્યો એમ મનના કોઈક ખૂણે સાચવી રાખેલા શોખ પર જામેલી ધૂળ પણ ખંખેરી નાખો. આજે એવાં અનેક ગ્રુપ છે જે પ્રૌઢાવસ્થાથી વૃદ્ધાવસ્થા તરફ જઈ રહેલી સ્ત્રીઓને પોતાનાં અધૂરાં સપનાં પૂરાં કરવા પ્લૅટફૉર્મ આપે છે. ચાલો, ફરી જીવી લઈએ : આ અમારા સખી સ્નેહ મહિલામંડળનું સ્લોગન છે. આ એવો સુંદર મંચ છે જ્યાં જિંદગીના એકસરખા તબક્કામાંથી પસાર થતી સ્ત્રીઓ એકબીજા સાથે જોડાય છે. અહીં તેમને નવા મિત્રો બનાવવાની, મન મૂકીને હસવાની, સામાજિક પ્રવૃત્તિઓમાં ભાગ લેવાની, સાથે મળીને તહેવારો ઊજવવાની, જાત્રાઓ કરવાની અને નવી-નવી પ્રવૃત્તિઓ શીખવાની તક મળે છે. મારું દૃઢપણે માનવું છે કે પચાસ વર્ષની ઉંમર પછી જીવનનો નવો અધ્યાય શરૂ થવો જ જોઈએ. વર્ષો સુધી પરિવાર માટે જીવ્યાં, હવે થોડું પોતાના માટે જીવવાની, પોતાની જાતને ફરીથી ઓળખવાની અને જીવનને નવા ઉત્સાહથી માણવાની તક છે. તમારી એ અધૂરી ઇચ્છાઓ પૂરી કરો જે તમે પચીસ વર્ષની ઉંમરે પૈસા, સમય કે જવાબદારીના અભાવે નહોતાં કરી શક્યાં. ઉંમર માત્ર આંકડો છે, ઉત્સાહની કોઈ ઉંમર હોતી નથી. દરેક મહિલા પોતાની બનાવેલી મર્યાદાઓમાંથી બહાર આવે અને જીવનની દરેક પળને મન ભરીને માણે.

બીના સાંગાણી દશા સોરઠિયા વણિક સમાજ મહિલા મંડળનાં ફાઉન્ડર મેમ્બર હતાં. હાલમાં તેઓ સખી સ્નેહ મહિલામંડળ હેઠળ મિડલ એજ મહિલાઓ માટે અવનવા કાર્યક્રમોનું આયોજન કરે છે.

news national news india lifestyle news life and style columnists mental health