11 July, 2025 12:40 PM IST | Mumbai | Sharmishta Shah
થાણેના ચંદ્રકાન્ત દેઢિયા
થાણેમાં રહેતા ૪૪ વર્ષના ચંદ્રકાન્ત દેઢિયાને આજથી ૧૩ વર્ષ પહેલાં ગળાનું કૅન્સર થયું અને એ બીમારીમાંથી સાજા થઈને જ્યારે તેમને નવજીવન મળ્યું ત્યારથી જ તેમના જીવનની મકસદ બદલાઈ ગઈ. ભગવાને પોતાને આ નવજીવન તો લોકસેવા અર્થે જ આપ્યું છે એવું દૃઢપણે માનવા લાગેલા ચંદ્રકાન્તભાઈએ ત્યારથી જ પોતાના જીવનનો રાહ બદલી નાખ્યો અને પોતાના જીવનને સત્કાર્યમાં જોડવાનું નક્કી કરી લીધું. ચંદ્રકાન્તભાઈએ શરૂ કરેલા ‘અમાસ સેવા ગ્રુપ મુંબઈ’ દ્વારા લોકસેવાનાં અઢળક કાર્યો થઈ રહ્યાં છે. તેઓ અને તેમની ટીમ મહારાષ્ટ્રનાં અંતરિયાળ ગામડાંઓમાં જાતે જઈને લોકોની જરૂરિયાતો વિશે સંપૂર્ણ તપાસ કરી આવે છે અને ત્યાં જઈને સેવાકાર્ય કરે છે. તેમના આ કાર્યમાં તેમની સાથે અનેક ગ્રુપ જોડાયેલાં છે જેઓ જીવદયા અને પરોપકારનું કાર્ય કરે છે. આ મંડળોને પણ તેમનું દાન યોગ્ય જરૂરિયાતમંદ વ્યક્તિઓ સુધી પહોંચી શકે એ માટે ચંદ્રકાન્તભાઈ માર્ગદર્શન આપે છે. દાન આપનાર વ્યક્તિને અહંકાર ન જાગે અને દાન લેનાર વ્યક્તિને સંકોચ ન થાય એવી રીતે આ બન્નેને જોડનાર સેતુ તરીકે તેઓ કાર્ય કરી રહ્યા છે. દાતાઓ દ્વારા અપાયેલા દાનનો સદુપયોગ થાય અને એ યોગ્ય વ્યક્તિઓને પહોંચે એ માટે તેઓ નિષ્ઠાપૂર્વક પ્રયત્ન કરી રહ્યા છે.
માનવતાનાં કાર્યોની શરૂઆત
દરેક વ્યક્તિના જીવનમાં પરિવર્તન લાવવા માટે કંઈક નિમિત્ત તો બને જ છે. થાણેમાં જ કુરતીનો વ્યવસાય કરતા ચંદ્રકાન્તભાઈનું જીવન સરળ રીતે વહી રહ્યું હતું ત્યાં અચાનક જીવનમાં ઝંઝાવાત આવ્યો. તેમની તબિયત લથડવા માંડી અને તેમને ગળાના કૅન્સરનું નિદાન થયું. સીધોસાદો નિર્વ્યસની માણસ આ સમાચાર સાંભળીને પહેલાં તો હચમચી ગયો, પરંતુ તેમણે હિંમત ટકાવીને ઇલાજ શરૂ કર્યો. એકાદ વર્ષની ટ્રીટમેન્ટ પછી સાજા થઈ ગયા ત્યારથી જ તેમને જીવનની ખરી કિંમત સમજાઈ ગઈ અને બાકીનું જીવન સત્કાર્યોમાં જ વિતાવવાનો તેમણે નિશ્ચય કર્યો. બાળપણથી જ તેમને માતા તરફથી સેવાકાર્યના સંસ્કાર તો મળ્યા જ હતા. તેમનાં માતા દિવાળીબહેન પ્રજ્ઞાચક્ષુ હોવા છતાં દરરોજ શ્વાન માટે રોટલા ઘડતાં હતાં એટલે પ્રાણીઓ પ્રત્યે દયાભાવ તો તેમને પહેલેથી હતો જ, એમાં કૅન્સરની બીમારીમાંથી સાજા થઈને મળેલા નવજીવનને કારણે તેમને જીવનનું મહત્ત્વ સમજાયું. તેમણે પોતાના જીવનને લોકસેવા અર્થે સમર્પિત કરવાનું નક્કી કરી લીધું. મનમાં એવી ભાવના ચાલી રહી હતી ત્યાં જ તેમનાં માતાનું મૃત્યુ થયું. માતાના મૃત્યુ પછી તેમણે અમુક રકમ ગૌશાળામાં દાન આપી અને માતા પ્રજ્ઞાચક્ષુ હતાં એટલે ચક્ષુહીન વ્યક્તિઓ માટે પણ કંઈક કરવાની તેમને ભાવના જાગી. ઘાટકોપર-વેસ્ટમાં આવેલા જલારામ મંદિરના પૂજારી વિજય દાવડા ભગત તેમના મિત્ર હતા. તેઓ પણ પરમાર્થનાં અનેક કાર્યો કરતા હતા એથી ચંદ્રકાન્તભાઈએ તેમને પોતાની ઇચ્છાની વાત કરી એટલે તેમણે ચંદ્રકાન્તભાઈને જણાવ્યું કે હેલ્પ બ્લાઇન્ડ વેલ્ફેર ફાઉન્ડેશન દ્વારા મુલુંડની યોગી હિલ્સમાં દર અમાસે જોઈ ન શકતા લોકોને જુદી-જુદી વસ્તુઓની કિટ આપવામાં આવે છે, એ જગ્યાએ દર અમાસે ૧૪૦૦ જેટલા પ્રજ્ઞાચક્ષુઓ આવે છે અને અનેક જુદાં-જુદાં ગ્રુપ અને મંડળો પણ ત્યાં પોતાની શક્તિ મુજબ જુદી-જુદી વસ્તુઓ વહેંચે છે. એ સાંભળીને ચંદ્રકાન્તભાઈ પણ પોતાના મિત્રો સાથે ત્યાં પહોંચી ગયા અને યથાશક્તિ દાન આપ્યું. ત્યાં ગયા પછી તેમને ઘણું સારું લાગ્યું એથી તેમણે અને તેમના મિત્રોએ પણ દર અમાસે ત્યાં જવાનું શરૂ કર્યું. આમ ધીરે-ધીરે તેમના સેવાકાર્યની શરૂઆત થઈ. એ પછી તેઓ હૉસ્પિટલ, ગૌશાળા અને શ્વાનોની હૉસ્પિટલ વગેરે સ્થળોએ જવા લાગ્યા અને ૨૦૧૬ની ૪ જુલાઈએ ચંદ્રકાન્તભાઈએ પોતાના મિત્રો અને કાર્યકરોની ટીમ સાથે મળીને ‘અમાસ સેવા ગ્રુપ મુંબઈ’ની શરૂઆત કરી. તેમના ગ્રુપના કાર્યકરો પણ પોતાના સમયનું યોગદાન આપીને તેમની સાથે નિ:સ્વાર્થ ભાવે સેવાકાર્ય કરવા લાગ્યા. ધીરે-ધીરે તેમની સેવાનું કામ વિસ્તરવા લાગ્યું. અનેક મંડળો અને ગ્રુપ્સ તેમની સાથે જોડાવા લાગ્યાં.
ચંદ્રકાન્તભાઈ મહારાષ્ટ્રના નાશિક, પાલઘર, અહમદનગર તેમ જ દહાણુ જિલ્લાનાં અંતરિયાળ ગામડાંઓમાં જઈને ત્યાંના લોકોની જરૂરિયાતો વિશે તપાસ કરવા લાગ્યા અને તેમને આ કાર્યમાં ત્યાંની સ્કૂલના શિક્ષકોનો પણ સાથ-સહકાર મળવા લાગ્યો. તેઓ તેમની સ્કૂલમાં ભણતાં બાળકોની જરૂરિયાતો વિશે પણ તેમને જણાવવા લાગ્યા. ચંદ્રકાન્તભાઈ જાતે ત્યાં જઈને તપાસ કરી આવતા અને પછી જુદાં-જુદાં મંડળોને જણાવવા લાગ્યા. એ પછી મંડળના સભ્યો ત્યાં જઈને દાન આપી આવતા હતા.
કયા પ્રકારનાં કાર્યો થયાં?
‘અમાસ સેવા ગ્રુપ મુંબઈ’ દર વર્ષે જુદાં-જુદાં મંડળો અને દાતાઓના સહકારથી અંતરિયાળ ગામડાંઓની શાળાના વિદ્યાર્થીઓને સ્ટેશનરી, બૅગ, નાસ્તો વગેરે ચીજોનું વિતરણ કરે છે. ગયા વર્ષે ચંદ્રકાન્તભાઈ અને તેમની ટીમે ૧૦૦ સ્કૂલના અંદાજે ૮૫૦૦ જેટલા વિદ્યાર્થીઓને સ્કૂલ-સ્ટેશનરી વહેંચી હતી. ઘણી સ્કૂલોમાં ઓછા વર્ગને કારણે બાળકોએ તડકામાં બેસીને ભણવું પડે છે. એવી સ્કૂલોમાં અમાસ સેવા ગ્રુપ મુંબઈના માધ્યમથી દાતાઓ તરફથી શેડ બનાવી આપવામાં આવે છે. અત્યાર સુધી નાશિક જિલ્લામાં સાત, અહમદનગર જિલ્લામાં એક અને સુરેન્દ્રનગર જિલ્લામાં એક શેડ બનાવી આપવામાં આવ્યો છે.
આ ઉપરાંત ઈંટના ભઠ્ઠામાં કામ કરતા મજૂરોને પણ ખાવાની ચીજવસ્તુઓ ઉપરાંત અન્ય આઇટમો વહેંચવામાં આવે છે. નાશિક જિલ્લાના ડુંગરિયાળ અને પથરાળ વિસ્તારમાં રહેતા લોકોને ૩-૪ કિલોમીટર દૂર જઈને પાણી ભરી લાવવું પડે છે. આવા સાઠેક પરિવારને દર વર્ષે પૈડાંવાળાં પાણીનાં ડ્રમ વહેંચવામાં આવે છે જેથી ગામડાંના લોકોને દૂર-દૂરથી પાણી ભરી લાવવામાં સરળતા રહે. ગુજરાતના સુરેન્દ્રનગરના ખારાઘોડા રણમાં રહેતા અગરિયા પરિવારોને પાણીની ૫૦ ટાંકી, ૧૫૦ તાડપત્રી અને ૧૦૦ પરિવારને અનાજની કિટ તેમના માધ્યમથી આપવામાં આવી હતી. દર વર્ષે ચૈત્ર મહિનામાં જંગલ-ઝાડી વિસ્તારોમાં જઈને કીડિયારાં પૂરવામાં આવે છે. કીડિયારું એટલે કીડીઓ માટેનો ખોરાક જેમાં બાજરીનો લોટ, તલ, સાકર, ઘી વગેરે મિક્સ કરીને બનાવવામાં આવે છે અને એ જંગલ-ઝાડીઓમાં છાંટવામાં આવે છે. વરસાદ પહેલાં કીડીઓ પોતાને માટેના અનાજનો સંગ્રહ કરે છે એટલે એને માટે જંગલ વિસ્તારોમાં કીડિયારું પૂરવામાં આવે છે. એ ઉપરાંત શ્વાનોની હૉસ્પિટલોમાં, કૅન્સર પેશન્ટ્સ માટેની હૉસ્પિટલોમાં અને ગૌશાળાઓમાં પણ દાન આપવામાં આવે છે. દાતા પરિવારમાંથી કોઈનો જન્મદિવસ, લગ્નદિવસ કે પુણ્યતિથિ હોય તો એ દિવસે વૃદ્ધાશ્રમોમાં અને અનાથાશ્રમોમાં જઈને ભોજન કરાવવામાં આવે છે. ઉનાળામાં છાશનું વિતરણ પણ કરવામાં આવે છે. જે મંડળો કે ગ્રુપ આવાં સત્કાર્ય કરતાં હોય એના સભ્યો દાન આપવા માટે જ્યારે પણ ચંદ્રકાન્તભાઈનો સંપર્ક કરે ત્યારે તેઓ જે સ્થળે જે વસ્તુની જરૂરિયાત હોય એની માહિતી આપે છે અને પછી ત્યાં જઈને દાન આપવા માટેની બધી વ્યવસ્થા પણ કરી આપે છે.
બીજી વાર નવજીવન મળ્યું
કોરોનાની બીજી વેવ વખતે ચંદ્રકાન્તભાઈ પણ વાઇરસની લપેટમાં આવી ગયા હતા અને ૨૬ દિવસ હૉસ્પિટલમાં રહ્યા હતા. છેલ્લે-છેલ્લે તેમને વેન્ટિલેટર પર મૂકી દેવામાં આવ્યા હતા, પરંતુ તેઓ એમાંથી સાજા થઈને બહાર આવ્યા. તેઓ કહે છે, ‘મને બીજી વખત નવજીવન મળ્યું છે. હું હૉસ્પિટલમાં હતો ત્યારે ઘણા લોકોએ મારા માટે પ્રાર્થના કરી હતી અને તેમના આશીર્વાદથી જ હું બચી ગયો છું. મારી સારવાર કરતા ડૉક્ટર્સ પણ આશ્ચર્યમાં પડી ગયા હતા કે આ વ્યક્તિ કઈ રીતે બચી ગઈ? પરંતુ મેં જ્યારે તેમને મારાં સત્કાર્યો વિશે જણાવ્યું ત્યારે તેઓ પણ ખૂબ ખુશ થઈ ગયા હતા અને હવે તેઓ પણ મારા આ મિશનમાં જોડાઈ ગયા છે. ભગવાન પણ મારા હાથે સત્કાર્યો કરાવવા માગે છે અને એટલે જ તેમણે મને જિવાડ્યો છે. આ કાર્ય કરતાં મને જે આંતરિક ખુશી મળે છે એનું કોઈ મોલ નથી.’
ગ્રામવાસીઓ દ્વારા આગતાસ્વાગતા
ગામડાંઓમાં જઈને કામ કરવું સરળ નથી હોતું એમ જણાવતાં ચંદ્રકાન્તભાઈ કહે છે, ‘ઘણી વાર ટ્રાફિક જૅમ, વરસાદ વગેરેને કારણે હેરાન થવું પડે કે ગામડાંઓમાં કીચડ જામી જાય, ત્યાં પ્રૉપર વૉશરૂમ ન હોય, સરખી રીતે બેસવાની જગ્યા ન હોય છતાં અમારી સાથે કામ કરતાં મંડળોનાં સેવાભાવી ભાઈ-બહેનો હોંશે-હોંશે આ કાર્યમાં જોડાય છે. સાવ ઓછી સગવડ ધરાવતા ગ્રામવાસીઓની આગતાસ્વાગતા જોઈને આપણું મન ખુશ થઈ જાય છે. અમે જ્યારે પણ જઈએ ત્યારે ગ્રામવાસીઓ સ્થાનિક નૃત્ય, સંગીત તેમ જ શાળાનાં બાળકો દ્વારા અમારું ખૂબ પ્રેમથી સ્વાગત કરે છે. એ ઉપરાંત તેમના દ્વારા તૈયાર કરાયેલું ગ્રામીણ ભોજન જેમ કે નાચણીની રોટલી, વઘારેલો ભાત, ભાજીનું શાક વગેરેનો સ્વાદ અવર્ણનીય હોય છે. ગ્રામવાસીઓ અમારા માટે ઘરની આસપાસ ઉગાડેલાં સ્થાનિક ફળ જેવાં કે જમરૂખ, કલિંગડ, બોર, ફણસ, શિંગ વગેરે લઈ આવે છે જેમાં શબરીના બોર જેવી મીઠાશ હોય છે. તેઓ તેમના ખેતરનાં શાકભાજી જેવાં કે રીંગણ, દૂધી વગેરે અમને પ્રેમથી આપે છે.’
પરિવારનો સાથ
ચંદ્રકાન્તભાઈના આ સેવાયજ્ઞમાં તેમના પરિવારનો પૂરો સપોર્ટ છે. તેમનાં પત્ની નમ્રતા અને ત્રણ સંતાનોને તેમના પર ગર્વ છે. તેમની મોટી દીકરી કૃપા ફાર્મસીનું ભણે છે. બીજી દીકરી નીપા BMS કરી રહી છે અને નાનો દીકરો વિહાન નવમા ધોરણમાં ભણે છે.