બલૂચિસ્તાન બિચારાપણું છોડી રહ્યું છે

23 March, 2025 03:39 PM IST  |  Islamabad | Aashutosh Desai

અખંડ ભારતના જ્યારે ભાગલા પડી રહ્યા હતા ત્યારે મહંમદ અલી જિન્નાહે દગાખોરી કરીને બળજબરીથી બલૂચિસ્તાનને પાકિસ્તાનમાં વિલીન થવા મજબૂર કર્યું હતું

બલૂચિસ્તાન

અખંડ ભારતના જ્યારે ભાગલા પડી રહ્યા હતા ત્યારે મહંમદ અલી જિન્નાહે દગાખોરી કરીને બળજબરીથી બલૂચિસ્તાનને પાકિસ્તાનમાં વિલીન થવા મજબૂર કર્યું હતું. એ જ બલૂચો હવે પાકિસ્તાન માટે ગળામાં હાડકું બની ગયા છે. સ્વતંત્ર રાષ્ટ્ર માટે માથું ઉઠાવી રહેલા બલૂચો સામે પાકિસ્તાનની હાલત હવે આગળ કૂવો અને પાછળ ખાઈ જેવી થઈ ગઈ છે ત્યારે જાણીએ બલૂચિસ્તાનની સ્વતંત્રતાની મૂવમેન્ટ કઈ રીતે આગળ ધપી રહી છે એ

પાકિસ્તાનમાં ૧૧ માર્ચે જાફર એક્સપ્રેસ ટ્રેન હાઇજૅકની ઘટનાએ આખાય વિશ્વને અચંબામાં પાડી દીધું હતું. ત્યાર પછી ૧૫ માર્ચે પાકિસ્તાની આર્મીના બ્રિગેડિયર ઉમર અલ્તાફે મીડિયામાં નિવેદન આપ્યું કે બલૂચિસ્તાનમાં ૧૧ માર્ચે જાફર એક્સપ્રેસ ટ્રેનને હાઇજૅક કરનારા તમામ ઉગ્રવાદીઓને પાકિસ્તાન આર્મીએ ઠાર માર્યા છે.’

જે બલૂચિસ્તાનનું નામ વિશ્વના નકશામાં ક્યારેય કોઈએ જોવાની સુધ્ધાં દરકાર નહોતી કરી એ તમામે બલૂચિસ્તાન ક્યાં છે અને કેવું છે એ શોધવા માંડ્યું હતું. દેખીતી રીતે ટ્રેન હાઇજૅકર્સ દ્વારા એ હાઇજૅક દરમિયાન ભલે માત્ર એટલી જ શરત મુકાઈ હોય કે બલૂચિસ્તાનના રાજકારણી કેદીઓને ૨૪ કલાકમાં આઝાદ કરવામાં આવે, પરંતુ વાસ્તવમાં તેમની આ લડાઈ અને એની પાછળનાં કારણો જૂનાં અને જુદાં છે. ખરેખર તો ટ્રેન હાઇજૅક એ વર્ષોથી ઊકળી રહેલો દાવાનળ ફાટ્યાની ઘટના સમાન છે.

દગાખોરી અને અવગણનાનો શિકાર

વાસ્તવમાં બલૂચિસ્તાનનો ઇતિહાસ વિશ્વાસઘાતના લાલ લોહીથી લખાયેલો છે. બલૂચોમાં પાકિસ્તાન પ્રત્યે તિરસ્કાર અને અસંતોષભર્યો ગુસ્સો અકારણ નથી. તેમના પર વર્ષોથી પાકિસ્તાન દ્વારા જુલમ કરવામાં આવી રહ્યો છે. બલૂચિસ્તાનની ધરતીમાં ધરબાયેલી અનેક પ્રાકૃતિક મિલકતોનો બેફામ ગેરલાભ લેવાતો રહ્યો છે. અને વર્ષોથી અનેક બાબતે વિશ્વાસઘાત થતો રહ્યો છે.

આપણે થોડા પાછળ જઈએ તો ભારત દેશને આઝાદી મળી એ પહેલાંથી બલૂચિસ્તાનને એક સ્પેશ્યલ સ્ટેટનું સ્ટેટસ અંગ્રેજ સરકાર દ્વારા પણ આપવામાં આવ્યું હતું, કારણ કે બલૂચિસ્તાન એવા સમુદ્રકિનારે વસેલો એક એવો પહાડી વિસ્તાર હતો કે અંગ્રેજો માટે એને સંભાળવું અને શાસન કરવું અત્યંત મુશ્કેલ હતું. આથી બલૂચિસ્તાનના રાજવીઓની ઇચ્છા હતી કે આઝાદી પછી પણ તેમને એક સ્વતંત્ર દેશ તરીકેનું જ સ્ટેટસ મળે. આ માટે મહંમદઅલી જિન્નાહે બલૂચ રાજવીઓ વતી ૧૯૪૨ની સાલમાં અંગ્રેજ સરકાર સામે એક લેખિત પ્રસ્તાવ રજૂ કર્યો હતો. જિન્નાહ એ સમયે એક પ્રૅક્ટિસિંગ લૉયર હતા. આથી એ સમયે બલૂચ રાજવીના વકીલ તરીકે તેમણે આ પ્રસ્તાવ રજૂ કર્યો હતો જેમાં જિન્નાહે પોતે લખ્યું હતું અને કહ્યું હતું કે મારું દૃઢપણે માનવું છે કે જ્યોગ્રાફિકલી બલૂચિસ્તાન ભારતમાં વિલીન થઈ શકે એ શક્ય નથી. વળી તેમની ભાષા, રહેણીકરણી, પ્રજા, વાતાવરણ વગેરે બધું જ ભિન્ન હોવાથી તેમને એક અલગ દેશનું જ સ્ટેટસ મળવું જોઈએ એવું હું પોતે પણ અંગત રીતે માનું છું.

એક વાર સ્વતંત્ર બલૂચિસ્તાનના નિર્માણ પછી પાકિસ્તાને કરેલી બળજબરી હજી બલૂચો ભૂલ્યા નથી. 

દગાખોર જિન્નાહે જાત દેખાડી           

ત્યાર બાદ ૧૯૪૭ની સાલમાં અખંડ ભારતના કુલ ચાર ભાગલા પડ્યા. ભારત, ઈસ્ટ પાકિસ્તાન, વેસ્ટ પાકિસ્તાન અને બલૂચિસ્તાન. આ એ સમય હતો જ્યારે બલૂચિસ્તાન પાસે વિકલ્પ હતો કે એણે ભારતમાં વિલીન થવું કે પાકિસ્તાનમાં કે આઝાદ રાષ્ટ્ર તરીકે અસ્તિત્વ મેળવવું. ૧૯૪૭ની સાલમાં બલૂચિસ્તાનમાં કુલ ચાર રિયાસતો હતી - કલાત, ખારન, લાસબેલા અને મકરાના. હવે બન્યું એવું કે જે જિન્નાહ અંગત રીતે એમ માનતા હતા કે બલૂચિસ્તાનને એક અલગ દેશનું સ્ટેટસ મળવું જોઈએ એ જ જિન્નાહે બલૂચ રાજવીઓ પર દબાણ લાવવા માંડ્યું અને તેમને ધમકાવવા માંડ્યા કે તેમણે પાકિસ્તાનમાં વિલીન થઈ જવું જોઈએ. પરિણામે ચાર રાજ્યોમાંથી ત્રણ રાજ્યોએ તો દબાણ હેઠળ પાકિસ્તાનમાં વિલયના દસ્તાવેજ પર હસ્તાક્ષર કરી નાખ્યા; પરંતુ ખાન મીર અહમદ યાર ખાન જેને કલાતના ખાન તરીકે પણ ઓળખે છે તેમણે પાકિસ્તાનમાં વિલયની ના કહી દીધી અને પોતાના પ્રાંતને એક અલગ રાષ્ટ્ર તરીકે ઘોષિત કરી દીધું.  તારીખ હતી ૪ ઑગસ્ટ અને સાલ હતી ૧૯૪૭. ભારતના દિલ્હીમાં એક બેઠક યોજાઈ, જેમાં કલાત ખાન સિવાય લૉર્ડ માઉન્ટબેટન અને જવાહરલાલ નેહરુ પણ હાજર હતા. આપણે આગળ કહ્યું એમ કલાત ખાને જિન્નાહને પોતાના કાનૂની સલાહકાર અને પ્રતિનિધિ તરીકે અપૉઇન્ટ કર્યા હતા. આ બેઠકમાં તો જિન્નાહે કલાત ખાનના આઝાદ રાષ્ટ્રના પ્રસ્તાવને પણ પોતાનું સમર્થન આપ્યું એટલું જ નહીં, જિન્નાહે પ્રસ્તાવ મૂક્યો કે ખારન અને લાસબેલાને પણ કલાતમાં મેળવી લઈ એક પૂર્ણ બલૂચિસ્તાન બનાવવામાં આવે.

આ બેઠક બાદ ૧૫ ઑગસ્ટ ૧૯૪૭ના દિવસે કલાતખાને સ્વતંત્ર બલૂચિસ્તાનની ઘોષણા પણ કરી દીધી, પરંતુ ૧૨ સપ્ટેમ્બર ૧૯૪૭ના દિવસે એક અંગ્રેજ દસ્તાવેજમાં અંગ્રેજ સરકાર દ્વારા કહેવામાં આવ્યું કે કલાત એક સંપૂર્ણ સ્વતંત્ર રાષ્ટ્ર તરીકેની જવાબદારીઓ નભાવી શકશે નહીં.

હવે કલાતખાનની પરિસ્થિતિ અને સ્ટેટસ બન્ને અવઢવમાં હતાં. ઑક્ટોબર ૧૯૪૭નો એ મહિનો જ્યારે કલાતખાન મહંમદ અલી જિન્નાહને મળવા માટે ગયા. જે જિન્નાહ હમણાં સુધી અલગ આઝાદ બલૂચિસ્તાનના હિમાયતી હતા તેમણે અચાનક પોતાની જાત દેખાડી અને ફરી ગયા. તેમણે કલાતખાનને મળવાની સુધ્ધાં ના કહી દીધી અને સંદેશો મોકલ્યો કે પાકિસ્તાનમાં વિલય થવા સિવાય બીજો કોઈ વિકલ્પ તમારી પાસે નથી. જો તમે વિલીનીકરણ નહીં કરવાના હો તો મને મળવામાં કોઈ રસ નથી.       

૧૧ માર્ચે પાકિસ્તાનમાં થયેલું ટ્રેન હાઇજૅક અને એ પછી મુસાફરોનું રેસ્ક્યુ ઑપરેશન.             

જવાહર નેહરુની અવગણના

જિન્નાહે કાચિંડાને પણ શરમાવે એ રીતે રંગ બદલતાં આખરે કલાતખાન મદદની આશાએ ભારત પાસે આવ્યા. તેમણે તત્કાલીન વડા પ્રધાન જવાહરલાલ નેહરુને વચ્ચે પડી તેમની મદદ કરવા માટે પ્રસ્તાવ મૂક્યો પરંતુ જવાહરલાલ નેહરુએ કલાતખાનને કોઈ મદદ કરવાની પણ ના કહી દીધી અને સાથે જ કહી દીધું કે ભારતની ભૂગોળમાં તમારું વિલીનીકરણ થાય એ પણ શક્ય નથી, આથી ભારત આ મુદ્દે કોઈ ભાગ ભજવી શકે એમ નથી. આખરે ૨૬ માર્ચ ૧૯૪૮નો એ જઘન્ય દિવસ આવ્યો જ્યારે પાકિસ્તાનની આર્મીએ બળજબરીથી બલૂચિસ્તાનના તટીય વિસ્તારો પર ગેરકાયદે કબજો જમાવી લીધો અને કલાતખાનને મજબૂર કરવા માંડ્યા કે તેમણે જિન્નાહની દરેક શરત માની વિલયના દસ્તાવેજ પર સહી કરી દેવી.

જવાહરલાલ નેહરુની એ ભૂલ આજે ભલે કદાચ એટલી મહત્ત્વની ન જણાય પરંતુ કાશ્મીરમાં તેમણે જેટલી ગંભીર ભૂલ કરી હતી એથી જરાય ઓછી ગંભીરતા આ ભૂલની નથી જ નથી. રણનીતિની દૂરંદેશીનો અભાવ, પ્રાથમિકતાની સમજનો અભાવ અને રાજકીય અદૂરદર્શિતાને કારણે તત્કાલીન ભારત સરકારનું સમર્થન મેળવવાની આશાએ આવેલા કલાતખાનને મદદની ના કહી દીધી એટલું જ નહીં, તત્કાલીન કૉન્ગ્રેસ અધ્યક્ષ મૌલાના અબુલ કલામે તો એવો પણ પ્રશ્ન ઉઠાવ્યો કે બલૂચિસ્તાન એક સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે ટકી શકશે કે નહીં એ વિશે મને શંકા છે (અર્થાત, પરોક્ષ રીતે પાકિસ્તાનને સમર્થન આપતું નિવેદન). ત્યાર બાદ ૧૯૪૮ની ૨૭ માર્ચે વી. પી. મેનનની પ્રેસ-કૉન્ફરન્સ નોટ્સ ઑલ ઇન્ડિયા રેડિયો પર પ્રસારિત થઈ હતી એમાં મેનને જણાવ્યું હતું કે પાકિસ્તાનમાં વિલયથી બચવા માટે કલાતખાન ભારત સાથે વિલય કરવા ભારત પર દબાણ કરી રહ્યા છે. આટલું ઓછું હોય એમ બ્રિટનની થિન્કટૅન્ક ફૉરેન પૉલિસી સેન્ટરના એક રિપોર્ટ પર વિશ્વાસ કરીએ તો એમાં તો સ્પષ્ટપણે એવું કહેવામાં આવ્યું છે કે ૧૯૪૭ની સાલમાં ભારતમાં વિલીનીકરણ કરવાના દસ્તાવેજ પર કલાતખાન દ્વારા સહી કરવામાં આવી હતી અને એ દસ્તાવેજ જવાહરલાલ નેહરુને આપવામાં આવ્યો હતો, પરંતુ નહેરુજીએ એ દસ્તાવેજ કલાતખાનને પાછો આપી દીધો અને વિલયની ના કહી દીધી.

બલૂચિસ્તાન લિબરેશન આર્મીના સભ્યો.

આખરે કલાતખાને પાકિસ્તાની સેનાના દબાણ હેઠળ નાછૂટકે સહી કરવી પડી, પરંતુ તેમના ભાઈ પ્રિન્સ અબદુલ કરીમે પાકિસ્તાન સામે હિંસક વિદ્રોહની જાહેરાત કરી. એમ કહીએ તો ચાલે કે ૧૯૪૮ની સાલ એટલે બલૂચિસ્તાનમાં રાષ્ટ્રવાદની વિચારધારાને જન્મ આપનારી સાલ. આ જ વર્ષમાં રાષ્ટ્રવાદનાં બીજ રોપાયાં જે માટેની લડાઈ આજદિન સુધી ચાલી રહી છે. માત્ર ૨૨૬ દિવસ માટે એક આઝાદ રાષ્ટ્ર તરીકે રહી શકેલું બલૂચિસ્તાન એ દિવસથી આજ સુધી પોતાના અસ્તિત્વ અને આઝાદી માટે સતત લડી રહ્યું છે.

વર્ષોવર્ષની લડાઈ

બલૂચિસ્તાનના લોકો વર્ષોથી દૃઢપણે એવું માને છે (જે વાસ્તવિકતા છે) કે એ સમયે પાકિસ્તાનમાં થયેલો વિલય એ વાસ્તવમાં વિલય નહોતો. કલાતખાને વિલિનીકરણના દસ્તાવેજ પર સહી કરી જ નહોતી, પણ તેમની પાસે બળજબરીથી કરાવવામાં આવી હતી અને બલૂચિસ્તાનને ગેરકાયદે આંચકી લેવામાં આવ્યું હતું.   

૧૯૪૮માં જ્યારે ભુટ્ટો સરકાર પાકિસ્તાનની ગાદી પર આરૂઢ થઈ ત્યારે પાકિસ્તાની આર્મીએ બલૂચો પર અમાનવીય અત્યાચાર કર્યો. હિંસા જાણે એની ચરમસીમાએ હતી એમ કહીએ તો ચાલે. એમાં ખૂન કરવાથી લઈને બળાત્કાર, કિડનૅપિંગ, ખરીદ-વેચાણ અને બંદી બનાવવાથી લઈને સામાન્ય પ્રજાને ઢોરમાર મારવા સુધીની તમામ પ્રકારની હિંસાનો કેર સ્થાનિક બલૂચો પર સેના દ્વારા વરસાવવામાં આવ્યો હતો.

અર્થાત્ પાકિસ્તાનનો જન્મ થયો ત્યારથી લઈને આજ સુધી બલૂચોના સંઘર્ષનો અંત નથી આવ્યો. પહેલી હિંસા અને ખૂનામરકી ૧૯૪૮ની સાલમાં થઈ, ત્યાર બાદ ૧૯૫૮-’૫૯ની સાલમાં ફરી આ વિસ્તારમાં એક મોટી હિંસા ફાટી નીકળી. ૧૯૬૨-’૬૩ની સાલમાં પરિસ્થિતિ ફરી એક વાર વણસી. અને ત્યાર બાદ ૧૯૭૧માં બંગલાદેશની લડાઈ સાથે ફરી શરૂ થઈ. જે ૧૯૭૩ની સાલથી એના અત્યંત જલદ સ્વરૂપે પહોંચી ગઈ હતી એ છેક ૧૯૭૭ સુધી ચાલી. આ બધાં જ વર્ષો દરમિયાન બલૂચિસ્તાન અને ત્યાં રહેતા બલૂચો હિંસા અને ખૂનામરકી વચ્ચે જીવતા રહ્યા છે. ૨૦૦૩ની સાલમાં આ હિંસા ફરી એક વાર એટલી ઉગ્ર બની હતી કે બલૂચિસ્તાનમાં સેંકડોની સંખ્યામાં સ્થાનિક લોકો અને પાકિસ્તાન આર્મીના જવાનો માર્યા ગયા હતા. આ જ સંઘર્ષોમાંથી બલૂચોના હક માટે લડનારા એક સંગઠનનો જન્મ થયો : બલૂચ લિબરેશન આર્મી (BAL). આ સંગઠનનું ધીરે-ધીરે લક્ષ્ય જ એ નિર્ધારિત થઈ ગયું કે પાકિસ્તાનથી બલૂચિસ્તાનને આઝાદ કરાવવું.

હકની લડાઈ 

સતત સળગતા રહેતા આ વિસ્તારનો આ બધાં જ કારણોને લીધે આટલાં વર્ષોમાં કોઈ વિકાસ પણ થવા નથી પામ્યો. પ્રાકૃતિક સંશાધનોથી અત્યંત ધનિક આ પ્રદેશ પોતાની ધરતીમાં અનેક પ્રકારનાં મિનરલ્સથી લઈને ક્રૂડ વગેરે સંઘરીને જીવતો હોવા છતાં વર્ષોવર્ષથી એ બધી જ સંપત્તિ પાકિસ્તાન સરકાર ખનન દ્વારા બહાર કાઢી પોતાના લાભાર્થે વાપરતી રહી છે અને બલૂચિસ્તાનની સામાન્ય જનતાને ગરીબી અને અવિકસિતતાના શ્રાપ હેઠળ જ જીવ્યા કરવા માટે અવગણતી રહી છે. એમાં વળી સ્થાનિકોનો ગુસ્સો ત્યારે વધુ ઉગ્ર બન્યો જ્યારે ચીન જેવા ડ્રૅગનનો આ વિસ્તારમાં પ્રવેશ થયો. ગવાદર પોર્ટ ચીન-પાકિસ્તાનની એક એટલી મોટી સ્ટ્રૅટેજિક ટ્રીટી છે જેને કારણે પાકિસ્તાન આજ સુધી જીવી રહ્યું છે એમ કહીએ તો ખોટું નથી. આ કારણથી ૨૦૦૪ની સાલથી બલૂચિસ્તાનમાં ફરી એક વાર હિંસાની આગ ભડકી હતી એમાં વળી ૨૦૦૬ની સાલમાં બલૂચોના પ્રમુખ ગણાતા એવા નેતા અકબરખાન બુગતીનું પાકિસ્તાન સરકારે ખૂન કરાવી નાખ્યું, જેને કારણે બલૂચોનો ગુસ્સો વધુ ભડક્યો. અકબરખાન તેમના એક એવા નેતા હતા જે બલૂચિસ્તાનની સ્વાયત્તતા અને બલૂચિસ્તાનનાં પ્રાકૃતિક સંશાધનો પર બલૂચોનું જ નિયંત્રણ રહે એ માટે લડત લડતા હતા. આ જ લડાઈના ભાગરૂપે અકબરખાને પાકિસ્તાન સરકાર સામે માગણી મૂકી હતી કે બલૂચિસ્તાનની જમીનમાંથી જે પ્રાકૃતિક ગૅસ નીકળે છે અને એને કારણે પાકિસ્તાનને જે આવક થાય છે એમાંથી બલૂચોને તેમનો યોગ્ય હિસ્સો મળવો જોઈએ.

જ્વાળામુખીમાં ડૂબતું પાકિસ્તાન

બલૂચિસ્તાનના રહેવાસીઓ અસંતોષ, અન્યાય, શોષણ અને ગુસ્સાની લાગણી તો વર્ષોથી અનુભવી જ રહ્યા છે પણ હમણાં સુધી એ ગુસ્સો ભીતર સળગી રહ્યો હતો, જે હવે ઉગ્રતાનો દાવાનળ બની બહાર આવી રહ્યો છે. અને જો ભવિષ્યમાં પાકિસ્તાનની બરબાદીનું આ એક મુખ્ય કારણ બને તો નવાઈ નહીં, કારણ કે બલૂચિસ્તાનમાં હવે એક કરતાં વધુ ઉગ્રવાદી સંગઠનો એકબીજા સાથે ભેગાં મળી એક મોટી ઉગ્રવાદી સંસ્થારૂપે આકાર લઈ રહ્યાં છે.   

તકલીફ એ છે કે બલૂચો સાથે દગો અને અન્યાય તો વર્ષોથી થઈ રહ્યો છે, પરંતુ સ્થાનિકોમાં ઊંડો ઊતરી ગયેલો એ ઘા હવે નાસૂર બની ચૂક્યો છે. પાકિસ્તાન મુખ્યત્વે ત્રણ મોટા હિસ્સાઓમાં વહેંચાયેલો દેશ છે. બલૂચિસ્તાન, પંજાબ અને સિંધ. ક્ષેત્રફળની દૃષ્ટિએ બલૂચિસ્તાન પાકિસ્તાનનો ખૂબ મોટો હિસ્સો છે. છતાં ઇસ્લામાબાદ એને વર્ષોથી અવગણનાપાત્ર ક્ષેત્ર જ ગણતું રહ્યું અથવા ઓવરકૉન્ફિડન્સમાં રહ્યું છે એમ કહીએ તો ચાલે. હાલ પરિસ્થિતિ એ છે કે આખાય પાકિસ્તાનમાં બલૂચિસ્તાન, ખૈબર પખ્તૂનખ્વા, સિંધ અને PoK મળીને કુલ ચાર મોટા વિસ્તારો એવા છે જ્યાં કોઈ ને કોઈ દૃષ્ટિએ બગાવતની જ્વાળાઓ ભડકી રહી છે.

સરકાર જાગવા માગતી નથી?           

હમણાં ગયા મહિને જ જમિયત ઉલેમા-એ-ઇસ્લામના નેતા મૌલાના ફઝલ-ઉર-રહમાને પાકિસ્તાન નૅશનલ ઍસેમ્બલીમાં પોતાના નિવેદનમાં કહ્યું હતું કે બલૂચિસ્તાનના પાંચથી સાત જિલ્લા એવા છે જે ગમે ત્યારે પોતાને પાકિસ્તાનથી આઝાદ થઈ ગયા હોવાનું એલાન કરી શકે છે એટલું જ નહીં, ઍસેમ્બલીમાં જાણે કોઈ નશો કરીને આવ્યા હોય એમ ફઝલે તો ત્યાં સુધી કહી નાખ્યું હતું કે એ જિલ્લાઓ જેવી આ જાહેરાત કરશે કે તરત યુનાઇટેડ નેશન્સ તેમને માન્યતા પણ આપી દેશે.

બલૂચિસ્તાનના મુખ્ય પ્રધાન સરફરાઝ બુગતીએ તો ત્યાર બાદ એ પણ સ્વીકાર્યું હતું કે સ્થાનિક હાલત ઠીક નથી અને પરિસ્થિતિ ગમે ત્યારે વણસી શકે છે. હવે આ બધામાં પાકિસ્તાન માટે વર્તમાનમાં મોટી મુશ્કેલી એ ઊભી થઈ છે કે દેશમાં આમેય વિદેશી રોકાણ આવી નથી રહ્યું. એમાં વળી બલૂચિસ્તાનમાં જે પોર્ટ, મિનરલ્સ માટેનું જમીનખનન અને બીજાં વિકાસનાં અનેક કાર્યોની મહત્ત્વાકાંક્ષી યોજનાઓ દેખાડી-દેખાડીને જે થોડુંઘણું વિદેશી રોકાણ (મુખ્યત્વે ચીન તરફથી) મળતું હતું એ પણ વારંવાર આવા નાના-મોટા હુમલાઓ થતા રહેવાને કારણે બંધ થઈ રહ્યું છે અથવા જોખમમાં આવી પડ્યું છે.

ચાર નહીં, એક હો રહે હૈં હમ

કહેવાય છે કે કોઈના પર એટલો જુલમ ન કરવો જોઈએ કે તેને જુલમનો કોઈ ડર જ ન રહે. હાલ બલૂચો સાથે કંઈક આવી જ પરિસ્થિતિ છે. બલૂચિસ્તાન લિબરેશન પાર્ટી (BLA), બલૂચિસ્તાન લિબરેશન ફ્રન્ટ (BLF), બલૂચિસ્તાન રિપબ્લિકન ગાર્ડ (BRG) અને સિંધુદેશ રેવલ્યુશનરી આર્મી (SRA)... પાકિસ્તાનમાં આ ચાર એવી સંસ્થાઓ કે સંગઠનો છે જે બલૂચો અને બલૂચિસ્તાનના હકો માટે લડતા રહે છે. હમણાં સુધી અલગ-અલગ લડતા રહેવાને કારણે અને નાના-નાના હુમલા કે આયોજનને કારણે આ સંગઠનોને ધારી સફળતા મળતી નહોતી અથવા કોઈ પણ પાકિસ્તાની સરકાર કે સેના એમને ગંભીરતાથી લઈ રહ્યા નહોતા. જોકે હવે આ ચારેય સંગઠનોએ ભેગા મળી ‘બલૂચ રાજી અજોઈ સંગાર’ (BRAS) નામનું એક નવું સંગઠન બનાવ્યું છે અને ચાર સંગઠનો એકજૂથ થઈ બનેલી એ સંસ્થાએ હવે ‘બલૂચ નૅશનલ આર્મી’ બનાવવાની જાહેરાત કરી છે.

દબાવી શકશો વહેમ માત્ર છે

BRASનું કહેવું છે કે તેઓ હવે નાના-નાના અલગ-અલગ હુમલા કરવાની જગ્યાએ સંગઠિત થઈ પાકિસ્તાન અને એના સંરક્ષક એવા ચીન સામે નિર્ણાયક લડાઈ લડશે. તેમણે હવે નક્કી કર્યું છે કે સંગઠનનાં ગેરીલા અભિયાનોને વધુ ઘાતક બનાવવામાં આવશે. બલૂચિસ્તાનના તમામ હાઇવે પર નાકાબંદી લગાવી બહારથી આવનારાં તમામ કમર્શિયલ અને આર્મીનાં વાહનો પર દેખરેખ રાખવામાં આવશે એટલું જ નહીં, જરૂર જણાશે તો એમનો ખાતમો પણ બોલાવવામાં પાછળ નહીં હટે.

BRASએ આવી ઘોષણા કરી કે એના થોડા જ દિવસોમાં એની ગેરીલા સેનાએ કોસ્ટલ હાઇવે પર જાણે આ ઘોષણાની અસર દેખાડી હતી. છ ગૅસ ટૅન્કર અને પોલીસની ગાડીઓ રોકીને તેમણે એ દરેક વાહનને આગ ચાંપી દીધી હતી એટલું જ નહીં, પાકિસ્તાન આર્મીમાં અને બલૂચિસ્તાનમાં રહેતા એવા જે-જે લોકો પર તેમને શક હતો કે તેઓ પાકિસ્તાન સરકારના મદદગાર છે તેમની વિરુદ્ધ પણ આકરાં પગલાં તેમણે લીધાં. બૉમ્બ-બ્લાસ્ટથી લઈને આત્મઘાતી હુમલાની ગતિવિધિઓ પણ આવા લોકો અને વિસ્તારોમાં અચાનક વધવા માંડી, જેમાં કલાત શહેરમાં ધમાકા તો થયા જ અને સાથે ખુઝદારમાં એક નેતાને અને ઝેહરી શહેરમાં બે મૌલાનાઓને પણ મારી નાખવામાં આવ્યા. આ ઝેહરી એટલે એ જ વિસ્તાર છે જ્યાં ગયા જાન્યુઆરી મહિનામાં એકસાથે ૧૦૦ ઉગ્રવાદીઓએ હુમલો કર્યો હતો અને કલાકો સુધી આખોય વિસ્તાર પોતાના તાબામાં લઈ લીધો હતો.

સાઉથ એશિયા ટેરરિઝમ નામના એક પોર્ટલ પર રજૂ થયેલા આંકડાઓ સાચા માનીએ તો વર્ષ ૨૦૨૫ના હજી માંડ ત્રણ મહિના હમણાં પૂર્ણ થશે એટલામાં એકલા બલૂચિસ્તાનમાં જ ૭૦ જેટલા આતંકવાદી કે ઉગ્રવાદી હુમલાઓ થઈ ચૂક્યા છે જેમાં પાકિસ્તાન આર્મીના લગભગ ૧૩૫ જવાનોનું મૃત્યુ થઈ ચૂક્યું છે. ૨૦૨૪નો આંકડો તો હજી આથીયે વધુ ભયાનક છે. ૨૦૨૪માં એકમાત્ર બલૂચિસ્તાનમાં જ ૯૦૦ જેટલા ઉગ્રવાદી હુમલા થયા હતા.

ચોરના ભાઈ ગંઠીચોર

આટલી-આટલી ભયાનક ઘટનાઓ થતી હોવા છતાં હજીયે પાકિસ્તાન સરકાર કે પાકિસ્તાની સેના આ હુમલાઓ રોકવા સામે કે એનું કાયમી નિરાકરણ લાવવા માટે કંઈ જ ઠોસ કરી શકી નથી કારણ કે મૂલતઃ કરવાની માનસિકતા જ નથી. પાકિસ્તાન સરકાર હજીયે એ જ વર્ષો જૂના પેંતરા અપનાવતી રહે છે, જેમાં સ્થાનિક લોકો પર અત્યાચાર અને દમન વધારી દેવું, તેમનું ઉત્પીડન વધારવું, ખૂન, બળાત્કાર, કિડનૅપિંગ વગેરે-વગેરે. આ વિસ્તારોને બાનમાં રાખી પોતાનાં પ્યાદાંઓને જ સત્તા પર બેસાડવાની એ જ વર્ષોજૂની માનસિકતાને કારણે મામલો ઠંડો પડવાની જગ્યાએ વધુ ને વધુ સળગતો રહે છે; જેને કારણે પરિણામ એ આવે છે કે અસંતોષ, અન્યાય અને ગુસ્સાનો ભાવ દબાવાની જગ્યાએ ઓર વધે છે.

પાકિસ્તાની આર્મી હવે એટલા નીચલા સ્તરે ઊતરી આવી છે જાણે એ આર્મ્ડ ફોર્સ નહી પરંતુ કિડનૅપર્સ હોય. દેશની યુનિવર્સિટીઝમાંથી પાકિસ્તાની આર્મી બલૂચ વિદ્યાર્થીઓને શોધી-શોધીને કિડનૅપ કરે છે અને ગેરકાનૂની રીતે તેમને બંદી બનાવી મારપીટ કરે છે એટલું જ નહીં, એ વિદ્યાર્થીઓની લાશને રસ્તાના કિનારે કે જંગલમાં ફેંકી દે છે. ૨૦૨૫ની જ વાત કરીએ તો વર્ષનાં પહેલાં કેટલાંક અઠવાડિયાંઓમાં જ બલૂચિસ્તાનથી લગભગ ૨૫૦ જેટલા વિદ્યાર્થીઓ રહસ્યમય રીતે ગાયબ થઈ ગયા છે જેમાંના કેટલાકની કાં તો લાશ મળી છે કાં તો હજી આજેય કોઈ પત્તો નથી. આવાં બધાં અનેક કારણોને લીધે પરિણામ એ આવે છે કે સ્થાનિક લોકોમાં પાકિસ્તાન સરકાર અને આર્મી પ્રત્યે ગુસ્સો અને અસંતોષ વધુ ભડકે છે જેથી યુવાપેઢી અને બીજા સ્થાનિકો ન માત્ર આવાં ઉગ્રવાદી સંગઠનોમાં જોડાવા માંડે છે બલકે એમના પ્રત્યે સહાનુભૂતિ અને સમર્થન પણ વધતાં જાય છે. આટલું ઓછું હોય એમ આજના સોશ્યલ મીડિયાના જમાનામાં હજીયે પાકિસ્તાન એવાં નરેટિવ ચલાવતી રહે છે કે આવાં સંગઠનોને ભારત જેવા દેશો ફન્ડિંગ કરે છે અને પાકિસ્તાનમાં ઉગ્રવાદી ગતિવિધિઓને પ્રોત્સાહન આપે છે.

અબ ક્યા કરે મિયાં?

પાકિસ્તાનની હાલત હવે એવી થઈ ગઈ છે કે આગળ કૂવો અને પાછળ ખાઈ. જો સરકાર સેના સાથે મળી વર્ષોથી જે કરતી આવી છે એ રીતે જોરજબરદસ્તી અને દમનકારી નીતિ અપનાવે તો આવા અનેક હુમલાઓ અને હાઇજૅક્સ હવે થતા જ રહેશે એમાં કોઈ શકે નથી. વાટાઘાટો કરવાનો તો સરકાર પાસે વિકલ્પ છે જ નહીં કારણ કે બલૂચિસ્તાનના બલૂચોને જે જોઈએ છે એ પાકિસ્તાન કોઈ કાળે તેમને આપવા તૈયાર થશે નહીં. સેનાની કાર્યવાહી પણ નહીં કરી શકે કારણ કે પોતાના જ દેશમાં હુમલો કરી આગ ઓલવવાને બદલે વધુ સળગાવવા જેવી પરિસ્થિતિ થાય. ટૂંકમાં આ વિદ્રોહ અને વિદ્રોહી સંસ્થાઓનું જે હાડકું આટલાં વર્ષોમાં પાકિસ્તાને પોતે જ મોટું કર્યું છે એ હવે એટલું મોટું થઈ ગયું છે કે એ ગળામાં એ રીતે અટક્યું છે કે નથી ગળી શકાતું અને નથી બહાર કાઢી શકાતું.

પરિણામ જે પણ આવવાનું હશે એ નજીકના ભવિષ્યમાં તો આવતું દેખાતું નથી. લાગે છે બલૂચિસ્તાનન સ્થાનિક લોકો હવે ચૂપ રહી જુલમ સહેનારી પ્રજા નથી રહી. દાવાનળ એવો ભડક્યો છે કે એની આગ હોલવવી હમણાં તો શક્ય જણાતી નથી. ઊલટાની વધુ ભડકે અને આ ટ્રેન હાઇજૅક જેવી ઘટનાઓ વધુ મોટું અને વિકરાળ સ્વરૂપ ધારણ કરે તો નવાઈ નહીં.

બલૂચિસ્તાન આટલું મહત્ત્વનું કેમ છે?

ચાઇના-પાકિસ્તાન ઇકૉનૉમિક કૉરિડોર (CPEC) તો જાણો છોને? આ કૉરિડોર માટે બલૂચિસ્તાન એક અત્યંત મહત્ત્વનો હિસ્સો છે. બલૂચિસ્તાનનું ગવાદર પોર્ટ વ્યાપાર અને ઊર્જાના રોડમૅપ માટે એક અત્યંત મહત્ત્વનો ભાગ છે. ચીન પાકિસ્તાનમાં પોતાના રોકાણ દ્વારા આ ગવાદર પોર્ટથી છેક પોતાના દેશના બીજિંગ શહેર સુધી એક સડક માર્ગ બનાવવાની યોજના પર કામ કરી રહ્યું છે. અત્યંત મહત્ત્વાકાંક્ષી એવા આ પ્રોજેક્ટને કારણે ચીનને અરબી સમુદ્ર સુધીનો સીધો માર્ગ તો મળી જ જશે અને સાથે જ બ્લૅક સીનો પણ ઍક્સેસ મળી જશે જેને ટ્રેડરૂટ તરીકે ઓળખવામાં આવે છે. અને ગવાદર પોર્ટ આ રૂટ પર આવતા એક અતિમહત્ત્વના અને મોટા પોર્ટ તરીકે વિકસી શકે છે.

પણ તકલીફ એ ઊભી થઈ છે કે ચીનના સીધા રોકાણ બાબતે અનેક સ્થાનીય સંસ્થાઓએ વિરોધ નોંધાવ્યો છે અને તેઓ દલીલ કરી રહ્યા છે કે ચીન બલૂચિસ્તાનનાં પ્રાકૃતિક સંસાધનો પર સીધી લૂંટ ચલાવશે. આ જ કારણે બલૂચી સંગઠનોએ ચીની રોકાણો પર કે કંપનીઓ પર સ્ટાફ પર અનેક વાર હુમલા પણ કર્યા છે.

એક સાંધે ત્યાં ૧૩ તૂટે

માત્ર આ એક ચીન બાબતે જ બલૂચિસ્તાન મુદ્દે પાકિસ્તાનની હાલત કફોડી નથી થઈ. અફઘાનિસ્તાન તરફથી થઈ રહેલો માથાનો દુખાવો વળી અલગ જ છે. જ્યારથી અફઘાનિસ્તાન પર તાલિબાનીઓનો કબજો થયો છે ત્યારથી રાજનૈતિક દૃષ્ટિએ બલૂચિસ્તાનનું મહત્ત્વ જ બદલાઈ ગયું છે. બલૂચિસ્તાન પોતાની સીમા અફઘાનિસ્તાન સાથે વહેંચે છે. હવે તાલિબાન આવવાને કારણે પાકિસ્તાનમાં જે વિદ્રોહીઓ કે વિદ્રોહી સમૂહો છે તેમને અફઘાનિસ્તાનમાં સુલભ પનાહ મળવી શરૂ થઈ ગઈ છે. હવે અફઘાનિસ્તાનમાં જે સત્તાપલટો અને ફેરફાર થયો એને કારણે બલૂચિસ્તાનના વિદ્રોહી નેતાઓને પણ ફાવતું પડી ગયું છે. તેમણે પાકિસ્તાનમાં પોતાની ગતિવિધિઓ વધારી દીધી, આતંકવાદી હુમલાઓ વધારી દીધા અને જરૂર પડ્યે અફઘાનિસ્તાન ભાગી જવાનો વિકલ્પ અપનાવવા માંડ્યો; જેને કારણે પાકિસ્તાન માટે હવે સરહદસુરક્ષાનો પણ એક મોટો પ્રશ્ન ઊભો થયો છે. અને મુશ્કેલી એ ઊભી થઈ કે વારંવાર થતા આતંકવાદી હુમલાઓને કારણે હવે ચીન સાથેના આર્થિક સબંધો જ નહીં પરંતુ રાજકીય સબંધો પણ જોખમમાં આવી ગયા છે, કારણ કે ગયા વર્ષની ૨૬ માર્ચે જ્યારે પાકિસ્તાનમાં એક આતંકવાદી હુમલો થયો હતો ત્યારે એમાં પાંચ ચીની નાગરિકોનું મૃત્યુ થયું હતું, જેને કારણે જ ચાઇનાએ ત્યાર બાદ પાકિસ્તાનમાં મોજૂદ એકેએક ચીની નાગરિકની સુરક્ષા વિશે સરકાર પાસે બાંહેધરી માગી હતી.

pakistan terror attack international news news columnists gujarati mid-day