17 July, 2026 04:47 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગુનેગારોને સજાના ભયથી મુક્ત રાખતી કીડીવેગે ચાલતી કાનૂની કાર્યવાહી
છાપાં ખોલો કે કોઈ પણ ન્યુઝ-ચૅનલ જોવાનું શરૂ કરો અને હિંસા, ક્રૂરતા કે ઘાતકીપણાની એક પણ ઘટના વગરનો કોઈ પણ દિવસ વીત્યો હોય એવું બન્યું છે? કમનસીબે આવા સવાલનો જવાબ ‘ના’માં જ આપવો પડે છે. જોકે છેલ્લા થોડા સમયથી બની રહેલી કેટલીક અતિશય ક્રૂર ઘટનાઓ આપણી સમાજવ્યવસ્થા સામે ઊભાં થઈ રહેલાં ભયંકર જોખમોનાં એંધાણ આપી રહી છે. એપ્રિલ મહિનામાં પાંચ જ મહિના પહેલાં પરણેલી ટ્વિશાના શંકાસ્પદ સંજોગોમાં થયેલા મૃત્યુ અને ૧૮ જૂને પોતાની જ ફિયૉન્સે દ્વારા ૪૦૦ ફીટ ઊંડી ખાઈમાં ફંગોળાઈને મૃત્યુ પામેલા કેતન અગ્રવાલની વાત અહીં થઈ ચૂકી છે. આજે એવા જ અતિશય ક્રૂરતાભર્યા બીજા કિસ્સાઓની વાત.
આ જુલાઈ મહિનામાં જયપુરમાં બાવીસ વર્ષની એક યુવતીએ પોતાની મમ્મીની હત્યા કરી નાખી! પોતાના કાકા અને પિતરાઈ ભાઈ સાથે મળીને આયુષી નામની યુવતીએ પોતાની મમ્મીને મારી નાખી, કારણ કે એકાદ વર્ષ અગાઉ તેના પિતાનું મૃત્યુ થયું ત્યારે તેમની સરકારી નોકરી તેમની પત્ની નીરજને ફાળવવામાં આવેલી અને આ દીકરીને લાગેલું કે તેનો હક મમ્મીએ છીનવી લીધો. એટલે મમ્મીના મૃત્યુ પછી સહાનુભૂતિના ધોરણે એ સરકારી નોકરી પોતાને મળી જાય અને બીજું, કરોડોની પારિવારિક સંપત્તિ પણ પોતાને મળી જાય. આ કારસામાં તેને તેનાં સગાંઓનો સાથ મળ્યો.
બીજો કિસ્સો આ જ વર્ષના જૂન મહિનાનો છે. બૅન્ગલોરમાં એક યુવતીએ પોતાના લિવ-ઇન પાર્ટનર સાથે મળીને પોતાનાં મા-બાપ અને નાની બહેનની હત્યા કરી નાખી! શા માટે? ત્યાં પણ જવાબમાં કંઈક આવી જ સંપત્તિની લાલચ અને પોતાની જીવનશૈલી સંબંધે મા-બાપનો જુદો અભિપ્રાય જોવા મળે છે. આ ઘટનાઓ વિશે વાંચતાં ધ્રૂજી જવાય છે. એક ઘરમાં રહેતા પરિવારના સભ્યો પણ સંપત્તિના મોહવશ આટલા હલકા સ્તરે પહોંચી શકે છે? માતા-પિતા અને સંતાનો વચ્ચેના સંબધો અતિ પવિત્ર અને ભરોસાપાત્ર ગણાય છે. આ સંબંધો પણ સંપત્તિના મોહ આગળ આમ રાખ બની જાય એ અસહ્ય લાગે છે, પણ આવી ઘટનાઓ બનતી જ રહે છે. ગુનેગારો પકડાય, પોલીસ-કસ્ટડી થાય અને ત્યાં પોલીસ સમક્ષ પોતાનો ગુનો કબૂલી પણ લે. આમ છતાં અદાલતમાં કેસ જાય અને વરસો સુધી ચાલ્યા કરે. ગુનેગારો છૂટા ફરે અને જેમની સાથે દુષ્કૃત્યો થયાં હોય તેમના પરિવારો ન્યાયની આશામાં તડપતા રહે. હા, અગાઉ પણ કહેલું અને આજે ફરી કહું છું કે આ છે આપણી ન્યાયપદ્ધતિની બલિહારી.
જોકે પશ્ચિમ બંગાળમાં આ મહિને આવા એક નિષ્ઠુર ગુનેગારને તાબડતોબ સજા મળી ગઈ. ૭ જુલાઈએ પશ્ચિમ બંગાળના ૨૪ પરગણા જિલ્લાના બારુઇપુર ગામમાં એક તળાવમાંથી ૧૧ વર્ષની એક બાળકીનો મૃતદેહ મળી આવ્યો. તેના પર સામૂહિક બળાત્કાર કરાયેલો અને પછી તેની હત્યા કરીને તેના મૃતદેહને તળાવમાં ફેંકી દેવામાં આવ્યો હતો. આ ભયંકર ઘટનાએ માત્ર બાળકીનાં મા-બાપને જ નહીં, સમગ્ર પશ્ચિમ બંગાળને ધ્રુજાવી દીધું. નવી સરકારે બાળકીના પરિવારને ખાતરી આપી કે ગુનેગારોને ઝડપીને આકરામાં આકરી સજા ફટકારવામાં આવશે. ખરેખર પાંચ ગુનેગારો સત્વર પકડાઈ ગયા અને અઠવાડિયામાં જ મુખ્ય ગુનેગાર એક પોલીસ-એન્કાઉન્ટરમાં માર્યો ગયો. આ સાંભળીને રાજ્યની જનતાને મમતાના રાજમાં થયેલા અનેક બળાત્કાર અને હત્યાના કિસ્સાઓ સાંભરી આવ્યા હશે જેમાં ગુનેગારને પકડવાનું તો દૂર રહ્યું, ઊલટું સરકારી તંત્ર તેમને છાવરવાના કામમાં લાગ્યું હતું. સ્વાભાવિક છે કે લોકોએ ગુનેગારને થયેલી આ તત્કાળ સજાને વધાવી.
જોકે રાજકારણીઓ પોતાના કામે લાગી ગયા. મમતાની તૃણમૂલ પાર્ટીની એક નેતાએ આઘાત સાથે કહ્યું કે આ તો નર્યું જંગલરાજ આવી ગયું છે બંગાળમાં! પોતાના શાસન દરમ્યાન આર. જી. કાર હૉસ્પિટલમાં એક ડૉક્ટર યુવતીના બળત્કાર અને હત્યા બાદ ગુનેગારોને બધા જ પુરાવાઓ નાશ કરવામાં મદદ કરનાર તંત્રનો હિસ્સો હોય એવી વ્યક્તિની આ પ્રતિક્રિયા સાંભળતાં કોઈ પણ ન્યાયપ્રેમી નાગરિકનું લોહી ઊકળી જાય એ સહજ છે, પણ જ્યારે તે ગુનેગારની માતાને તેનું શબ લઈ જવા માટે કહેવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું કે અમારે તેની સાથે કંઈ લેવા-દેવા નથી, અમારે તેનો મૃતદેહ નથી જોઈતો, તેને તેનાં કર્મની સજા મળી છે.
વાચકમિત્રો, તમને શું લાગે છે આવા ભયંકર ગુના કરનારાઓને મહિનાઓ કે વર્ષો સુધી જેલમાં રાખવા, તેમને નિભાવવા, તેમની સલામતીનું ધ્યાન રાખવું, તેમના માટે
કોર્ટ-કચેરીનાં ચક્કર કાપવાં અને ખર્ચા કર્યા કરવા એ તેમની યોગ્ય સજા છે? એક કિસ્સો યાદ કરાવી દઉં. ૨૦૨૨માં મુંબઈની એક યુવતી શ્રદ્ધા વાલકરનું દિલ્હીમાં તેના લિવ-ઇન પાર્ટનરે ખૂન કર્યું હતું. પછી તેના શરીરના ટુકડા કરીને એક ફ્રિજમાં ૬ મહિના સુધી ભરી રાખ્યા હતા. ૬ મહિના સુધી દીકરી સાથે કોઈ સંપર્ક નહોતો થતો એટલે શ્રદ્ધાનાં મા-બાપને ચિંતા થતી હતી. તેમણે પોલીસમાં ફરિયાદ કરી. ત્યાર બાદ હત્યાનો આ મામલો બહાર આવ્યો હતો. પછી તો આફતાબ પૂનાવાલાએ પોલીસ સમક્ષ પોતાનો ગુનો કબૂલ્યો ને તેને સજા થઈ અને કેસ પણ ચાલ્યો. આજે ૨૦૨૬ સુધી તેનો કેસ ચાલે છે. તારીખ પે તારીખનો સિલસિલો પણ ચાલુ છે. આ મહિને એ કેસની સુનાવણીની તારીખ હતી પરંતુ અદાલતે એ તારીખ રદ કરી, કારણ કે પેલા ક્રૂર હત્યારા (જોકે કાનૂની ભાષામાં તેને ‘કહેવાતા હત્યારા’ શબ્દો પ્રયોજાય) આફતાબે તારીખ પાછળ ધકેલવાની અરજી કરી હતી. અને શા માટે? તમને જાણીને આઘાત લાગશે. એ નાલાયક સોશ્યોલૉજીમાં એમ.એ. કરી રહ્યો છે. જે માણસ આટલું અમાનવીય કૃત્ય કરી શકે છે, જેને પોતે કરેલી પાશવતા માટે કોઈ પસ્તાવો નથી થતો અને જેનામાં સહાનુભૂતિ કે અનુકંપા જેવી લાગણીનું ટીપું પણ નથી તે સમાજશાસ્ત્રમાં માસ્ટર્સની ડિગ્ર્રી મેળવશે? દિલ્હી અદાલતે આફતાબની આ માગણી મંજૂર રાખી એનાથી જનસમાજમાં ખાસ્સી નારાજગી પ્રવર્તી રહી છે. શ્રદ્ધાના પરિવારજનો ૪ વર્ષથી શ્રદ્ધાની અંતિમવિધિ કરવાની પ્રતીક્ષા કરી રહ્યા છે, કેમ કે તેના શરીરના ટુકડાઓ આ કેસમાં એક પુરાવારૂપ છે અને જ્યાં સુધી કેસનો નિકાલ ન આવે ત્યાં સુધી એને કંઈ જ ન કરી શકાય! કેટલી કરુણ અને અસહ્ય પરિસ્થિતિ છે એની કલ્પના કરી શકાય છે. વિચાર આવે છે કે આવા હત્યારાના શિક્ષણના અધિકારની રક્ષા કરવા પ્રત્યે આટલી પ્રતિબદ્ધ અદાલતને
ચાર-ચાર વર્ષથી પોતાની પોતાની પુત્રીની અંતિમક્રિયા કરવાની પ્રતીક્ષા કરી રહેલાં એક મા-બાપના અધિકારની રક્ષા કરવાનું સૂઝતું નથી?
સાચું કહેજો મિત્રો, ક્યારેક નથી લાગતું કે ગુનેગારોનાં આવાં થાબડભાણાં કરવા કરતાં આવાં એન્કાઉન્ટર દ્વારા વન-ટૂ-થ્રી કરી દેવાનો વિકલ્પ શું ખોટો?
તરૂ મેઘાણી કજારિયા