૧૪મા દલાઈ લામા

06 July, 2025 02:54 PM IST  |  Tibet | Aashutosh Desai

એક અનોખા ધર્મયુદ્ધની સંઘર્ષભરી, દમામદાર ગાથાનો મહત્ત્વનો અધ્યાય

દલાઈ લામા

હાલના દલાઈ લામાની ૯૦મી વર્ષગાંઠ નિમિત્તે તેમનો ઉત્તરાધિકારી કોણ એ સવાલ ચગડોળે ચડ્યો છે અને ચીન એમાં હસ્તક્ષેપ કરવાના પ્રયત્નો કરી રહ્યું છે ત્યારે જાણીએ તિબેટિયન બૌદ્ધ ધર્મની આ અનોખી પદવી કેમ આપવાની શરૂ થઈ, ક્યારથી શરૂ થઈ, હાલના દલાઈ લામાની પસંદગી કઈ રીતે થઈ હતી અને હવે પછીના દલાઈ લામાની પસંદગીમાં કેમ રાજકારણ પ્રવેશ્યું છે એ બધું જ

હિમાલયના પહાડોમાં વસેલો એક વિસ્તાર જે ક્યારેક એક સ્વતંત્ર રાષ્ટ્ર હતું એવા તિબેટના બૌદ્ધ સાધુ દલાઈ લામાની આજે ૯૦મી વર્ષગાંઠ છે. સ્વભાવે શાંત અને હસમુખ વ્યક્તિત્વના માલિક એવા દલાઈ લામા હવે એવી જૈફ વયે પહોંચી ચૂક્યા છે કે છેલ્લાં ૪ વર્ષથી જ્યારે-જ્યારે તેમની વર્ષગાંઠ નજીક આવે એટલે ચર્ચા શરૂ થઈ જાય કે દલાઈ લામાના ઉત્તરાધિકારી કોણ? સક્સેસર કોણ? કારણ કે તિબેટિયન સંસ્કૃતિ જે બૌદ્ધ પંથને અનુસરે છે એમાં ‘લામા’ એ વાસ્તવમાં કોઈ વ્યક્તિ નથી પરંતુ એક વિશ્વાસ છે, એક પદવી છે અને એનું એટલું બધું મહત્ત્વ છે કે તિબેટિયન લોકો તો તેમને ભગવાન બુદ્ધનું જ સ્વરૂપ માને છે. આથી જ તિબેટમાં એવી માન્યતા છે કે કોઈ પણ લામા ક્યારેય જાતે આ પદવી મેળવી શકે નહીં. વર્તમાન સમયમાં જે લામા હોય તે જ નક્કી કરે છે કે તેમની આ પરંપરા કોણ આગળ વધારશે. શ્રદ્ધાનો આ વિષય તિબેટિયન્સમાં એટલો ઊંડે સુધી ધરબાયેલો છે કે મોટા ભાગના તિબેટિયન્સ તો માને છે કે વર્તમાન લામા પોતે જ નક્કી કરે છે કે તેઓ ભવિષ્યમાં કયા ઘરે જન્મ લેશે અને લામા તરીકે આ બૌદ્ધ પરંપરાને આગળ વધારશે.

જોકે જેમ છેલ્લાં ચાર વર્ષથી થતું રહ્યું છે એ જ રીતે આ વર્ષે પણ દલાઈ લામાની વર્ષગાંઠનો દિવસ નજીક આવ્યો અને ફરી એ ચર્ચાએ જોર પકડ્યું છે કે વર્તમાન દલાઈ લામાના સક્સેસર હવે પછી કોણ બનશે? એક તરફ આખેઆખા તિબેટ રાષ્ટ્રને બળજબરીપૂર્વક ભરખી ગયેલું ચીન દબાણ બનાવી રહ્યું છે કે હવે પછીના લામા બીજિંગ નક્કી કરશે તો બીજી તરફ દલાઈ લામા પોતે કહી રહ્યા છે કે ચાઇનાની આ દાદાગીરી નહીં ચલાવી લેવાય અને મારા ઉત્તરાધિકારીની વરણી કઈ રીતે થશે એ નક્કી થઈ ચૂક્યું છે. આ બધું કોકડું શું છે એ વિશે થોડી ઊંડાણપૂર્વક વાત કરીએ તો ખબર પડે કે આખરે મામલો છે શું અને એક લામાની નિયુક્તિ માટે આટલાં વર્ષોથી શા માટે આટલો હોબાળો થઈ રહ્યો છે?

કોણ છે લામો ઠોન્ડુપ

તિબેટિયન માન્યતા અનુસાર સિનિયર બૌદ્ધ ગુરુ જ્યારે પોતાનું જીર્ણ થઈ ગયેલું શરીર છોડે છે ત્યારે તેઓ પોતે જ પુનર્જન્મ માટે નવા ઘર, નવો પરિવાર અને નવા શરીરનું ચયન કરે છે અને આખરે તેઓ બાળક તરીકે ફરી જન્મ લે છે. હાલમાં જે દલાઈ લામા છે તે વાસ્તવમાં ૧૪મા દલાઈ લામા છે. તેમનો જન્મ ૧૯૩૫ની ૬ જુલાઈએ થયો હતો. લામો ઠોન્ડુપ તરીકે ટટ્ટુ ખરીદ-વેચાણનું કામ કરતા અને ખેતી કરતા એક સામાન્ય પરિવારમાં તે જન્મ્યા હતા. તિબેટના અમદો રીજનમાં આવેલા ચીજા તૅગતસ્તર નામના નાનકડા ગામમાં તેમનો જન્મ થયો અને માત્ર બે વર્ષની ઉંમરે જ તેમણે પોતાની અસામાન્ય પ્રતિભાનો પરચો દેખાડતાં પરોક્ષ રીતે એ જણાવી દીધું હતું કે તેઓ જ ભવિષ્યમાં ૧૪મા દલાઈ લામા તરીકે તિબેટનું પ્રતિનિધિત્વ કરવાના છે.

૧૩મા દલાઈ લામાએ શરીરનો ત્યાગ કર્યો અને ૧૯૩૫ની ૬ જુલાઈએ જ લામો ઠોન્ડુપનો જન્મ થયો. મોંગોલિયન અને તિબેટિયન અફેર્સ કમિશને દલાઈ લામાની વરણી કરવા અંગે ચોક્કસ નિયમો અને ચોક્કસ પદ્ધતિ ઘડી છે. અહીં વંશ પરંપરાગતની પદ્ધતિ નથી. તિબેટમાં એવી પ્રણાલી છે કે જ્યારે વર્તમાન દલાઈ લામા પોતાનું શરીર ત્યાગે ત્યાર બાદ તિબેટ સરકારની ત્રણ ટુકડીઓ નવા લામાની શોધ માટે ત્રણે દિશાઓમાં ભ્રમણ શરૂ કરે : ઉત્તર પૂર્વ, પૂર્વ અને દક્ષિણ પૂર્વ. ત્યાર બાદ નિર્ધારિત પ્રમાણો અનુસાર એવા બાળકના જન્મની શોધ કરવામાં આવે જે અસામાન્ય સંજોગો સાથે અસામાન્ય જન્મ્યું હોય. આ માટે તિબેટિયન સરકારે કેટલાક સાયન્ટિફિક તર્ક સાથેના નિયમો અને આધારો બનાવ્યા છે અને એ બધાં જ પરિબળો કોઈક એક-બે-ત્રણ બાળકમાં પૂરાં થતાં જણાય ત્યારે તેની નવા લામા અથવા દલાઈ લામા તરીકેની સફરનો આરંભ થાય છે.

દલાઈ લામા કઈ રીતે નક્કી થાય છે?

આ જાણવા માટે આપણે આજથી લગભગ ૯૦૦ વર્ષ પાછળ જવું પડશે. ૧૩૫૭ની સાલથી ૧૪૧૯ સુધીનાં વર્ષો દરમ્યાન તિબેટમાં એક ધર્મગુરુ હતા જે. સિખમ્પા! તેમણે ૧૪૦૯ની સાલમાં તિબેટમાં એક શાળા શરૂ કરી હતી જેનું નામ રાખવામાં આવ્યું જૅગલ સ્કૂલ. તેમની આ જ શાળામાં એક અસામાન્ય વ્યક્તિત્વનો માલિક એવો વિદ્યાર્થી ભણતો હતો જેનું નામ હતું ગેનતુંત્રુ. તેમની પ્રતિભા અને સામર્થ્ય એટલું હતું કે સમય વીતતાં તેમને કરુણાના દેવતા અવલોકિતેશ્વરના અવતાર ગણવામાં આવ્યા. તિબેટના એ મહાન સંત ગેનતુંત્રુ જ પહેલા દલાઈ લામા ગણાય છે. ત્યારથી સમગ્ર તિબેટમાં એવી માન્યતા છે કે દલાઈ લામા ક્યારેય મરતા નથી, તે માત્ર પોતાનું એક શરીર છોડીને બીજા શરીરમાં પ્રવેશ કરે છે. આ માટે તે દલાઈ લામા કેટલાક એવા સંકેત છોડી જાય છે જેથી ખબર પડે કે હવે પછીના દલાઈ લામા કોણ હશે. આથી જ દલાઈ લામાના મૃત્યુ પછી ૯ મહિનાની અંદર તિબેટમાં જેટલાં બાળકોનો જન્મ થાય છે તેમના પર ઝીણવટપૂર્વક દેખરેખ રાખવામાં આવે છે. ત્યાર બાદ આગળના દલાઈ લામા જે સંકેતો છોડી ગયા હોય છે એના આધારે બૌદ્ધ ભિક્ષુકો તારવણી કરે છે.

૧૪મા દલાઈ લામાની શોધ

૧૯૩૩ની સાલમાં ૫૭ વર્ષની વયે ૧૩મા દલાઈ લામા થુપ્ટેન ગ્યાત્સોનું મૃત્યુ થઈ ગયું. મૃત્યુ સમયે અને મૃત્યુ બાદ પણ ૧૩મા દલાઈ લામાએ હવે પછીના દલાઈ લામા વિશે કેટલાક સંકેતો આપ્યા અને એના આધારે શોધખોળ શરૂ થઈ. વાત કંઈક એવી બની કે મૃત્યુ પામેલા ૧૩મા દલાઈ લામાનું મૃત શરીર વારંવાર દક્ષિણ દિશાથી ફરી જઈને ઉત્તર-પૂર્વ દિશા તરફ થઈ જતું હતું. આ ઘટનાના થોડા જ દિવસો બાદ પાંચેલ લામાને એક સ્વપ્ન આવે છે. (પાંચેલ લામા એટલે એ લામા જે દલાઈ લામાના સાથી સત્સંગી હોય છે.) તેમને સ્વપ્નમાં દેખાયું કે તિબેટના દક્ષિણમાં સ્થિત લ્હામો લ્હાત્સો નામના પવિત્ર લેકના પાણીમાં ત્રણ અક્ષરો તરી રહ્યા છે. આ અક્ષરો હતા, ‘આહ’, ‘કા’ અને ‘મા’ એટલું જ નહીં, એ જ સ્વપ્નમાં તેમને ત્રણ માળવાળી એક મૉનેસ્ટરી પણ દેખાઈ જેની નજીકથી પસાર થઈ રહેલો માર્ગ એક પહાડી ગામ તરફ જતો હતો અને ત્યાં જ દેખાયું એક ઘર જેની છત નજીક એક ઘટાદાર વૃક્ષ હતું.

પાંચેલ લામાએ વિચાર્યું કે પેલા ૩ અક્ષરોમાં પહેલા અક્ષર ‘આહ’નો અર્થ અમદો હોઈ શકે જે તિબેટનો ઉત્તર-પૂર્વ વિસ્તાર છે. ભવિષ્યના દલાઈ લામાની શોધ કરી રહેલી ટીમ આ વિસ્તારમાં કુમ્બુમ મૉનેસ્ટરી પહોંચી. બૌદ્ધ ભિક્ષુકોની એ ટીમને સમજાવા લાગ્યું કે પેલા બીજા અક્ષર ‘કા’નો અર્થ ‘કુમ્બુક’ હોઈ શકે. હવે ટીમે પેલું ઘર શોધવાનું હતું જેની છત નજીક ઘટાદાર વૃક્ષ હોય. ટીમને એ ઘર પણ મળી ગયું. ત્યારે ભિક્ષુકોએ પોતાની સાચી ઓળખ છુપાવતાં ઠોન્ડુપના પિતાને કહ્યું કે અમે લાંબા પ્રવાસથી આવ્યા છીએ, અમને એક રાત્રિ મુકામ કરવા દેશો? પિતા માની ગયા અને બધાએ આખો સમય ઘરમાં હાજર બાળક ઠોન્ડુપનું નિરીક્ષણ કરવા માંડ્યું. બે વર્ષનું બાળક. તેની સામે અચાનક મૂકવામાં આવી કેટલીક વસ્તુઓ જેમાં એક ચશ્માં હતાં, એક બૌદ્ધ ડમરુ હતું અને કેટલીક લાકડીઓ સાથે માળા હતી. એ વસ્તુઓ જોતાં જ બાળક ઠોન્ડુપ કહેવા માંડ્યો કે આ મારી વસ્તુઓ છે, મારી વસ્તુઓ છે! આ સાંભળીને તે ટીમના મોટા ભિક્ષુકે કહ્યું કે અમે કોણ છીએ એ તું કહી દે તો આ બધી જ વસ્તુઓ તારી.

ત્યાર બાદ તે બાળકે અનેક પ્રકારની કઠણમાં કઠણ પરીક્ષાઓમાંથી પસાર થવું પડે છે અને આખરે કસોટીની એરણ પર ટીપાઈને ઊજળું થયેલું તે બાળક દલાઈ લામા બને છે. બે વર્ષનું લ્હામો ઠોન્ડુપ નામનું તે બાળક જે ટીમના કોઈ સદસ્યને ઓળખાતું નહોતું કે આ પહેલાં તેમને મળ્યું પણ નહોતું તેણે કહ્યું, ‘સેરા લામા, સેરા લામા!’ હવે આ સેરા લામા એ વાસ્તવમાં એ મૉનેસ્ટરી હતી જ્યાંથી આ શોધકર્તા ભિક્ષુકો આવ્યા હતા. હવે પેલા ભિક્ષુકોને ત્રીજા અક્ષરનો અર્થનો પણ સમજાઈ ચૂક્યો હતો. ‘મા’નો અર્થ હતો ‘લામા’. આખરે તિબેટને લામો ઠોન્ડુપના રૂપમાં નવા દલાઈ લામા મળી ગયા અને માત્ર પાંચ વર્ષની ઉંમરે તિબેટના એ ૧૪મા દલાઈ લામા બાળક લામો ઠોન્ડુપને નવું નામ મળ્યું તેન્ઝિન ગ્યાત્સો.

ત્યાર બાદ નાલંદા વિદ્યાપીઠની શિક્ષણ-પરંપરા અનુસાર તેન્ઝિન ગ્યાત્સોની શિક્ષા અને દીક્ષાનો પ્રારંભ થયો. એમાં પાંચ મુખ્ય વિષય અને પાંચ ગૌણ વિષયની શિક્ષા આપવામાં આવે છે. એમાં પાંચ મુખ્ય વિષય તરીકે હતા તર્કશાસ્ત્ર, લલિત કળા, સંસ્કૃત વ્યાકરણ, ચિકિત્સા અને બૌદ્ધ દર્શન. તેન્ઝિન ગ્યાત્સોએ એની શિક્ષા પૂરી કરી અને બન્યા નવા દલાઈ લામા.

‘દલાઈ લામા’. બે શબ્દના સમૂહથી બનેલો આ એક શબ્દ મોંગોલિયન અને તિબ્બતી ભાષાના બે અલગ-અલગ શબ્દોનો એવો સમૂહ છે જે એક અસામાન્ય વ્યક્તિત્વની, એક ધાર્મિક ગુરુની ઓળખ છે. ‘દલાઈ’ શબ્દ મૂળ મોંગોલિયન શબ્દ છે જેનો અર્થ થાય છે ‘સમુદ્ર!’ અને ‘લામા’ તિબ્બતી શબ્દ છે જેનો અર્થ થાય છે ‘ગુરુ!’ અર્થાત્ દલાઈ લામા એટલે એક એવી વ્યક્તિ જેની અંદર જ્ઞાનનો સમુદ્ર હોય.

તિબ્બતી લામા બાબત ચીન શા માટે સવાયું દબાણ લાવે છે. આ પ્રશ્નનો સાચો જવાબ જાણવા માટે આપણે થોડી સફર ઇતિહાસના પાને કરવી પડશે.

૧૭ પૉઇન્ટ્સ ઍગ્રીમેન્ટ

થોડોઘણો ઇતિહાસ તો આપણને બધાને ખબર છે કે એક સમયે સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે અસ્તિત્વ ધરાવતા તિબેટ પર ૧૯૫૦ની સાલથી ચાઇનાએ કોઈ આક્રાંતાની જેમ તિબેટ પચાવી પાડવાની મેલી રમત શરૂ કરી. ૧૯૫૦ની એ સાલ જ્યારે દલાઈ લામાની ઉંમર હજી માત્ર ૧૫ વર્ષની હતી. આટલી નાની ઉંમરે દેશ પર આવી પડેલી અસ્તિત્વની લડાઈના સંજોગોમાં દલાઈ લામાને તિબેટની કમાન સોંપવામાં આવી. પહેલાં સમજાવટથી શરૂ થયેલી ઘૃણાસ્પદ રમત આખરે બળજબરી, આતંક અને અત્યાચાર સુધી વિસ્તારીને આખરે એ મોટો જંગલી ડ્રૅગન તિબેટ નામના નાનકડા રાષ્ટ્રને ભરખી ગયો.

આપણે બધા જાણીએ છીએ કે દલાઈ લામાએ ચાઇનાના ગેરકાયદે કબજા અંગે યુનાઇટેડ નેશન્સમાં અવાજ ઉઠાવ્યો જેને કારણે વિશ્વઆખામાં ચીન પર થૂ-થૂ થવા માંડ્યું હતું. ત્યારે ચીને તિબેટ સામે એક પ્રસ્તાવ મૂક્યો જેને આજે વિશ્વ ‘૧૭ પૉઇન્ટ્સ ઍગ્રીમેન્ટ’ તરીકે ઓળખે છે. ચીને એના પહેલા જ પૉઇન્ટમાં લખ્યું કે તિબેટના લોકો એકજૂટ થશે અને તેમણે તેમની માતૃભૂમિ એટલે કે પીપલ્સ રિપબ્લિક ઑફ ચાઇનામાં સામેલ થવું પડશે. આ પૉઇન્ટ વાંચીને દલાઈ લામાની પ્રતિનિધિ ટીમ ઊકળી ઊઠી. જોકે ચીને એક મોટી મેલી રમત હવે પછી રમી હતી જેમાં તિબેટ ફસાઈ ગયું. આગળના પૉઇન્ટ્સમાં એણે લખ્યું હતું કે તિબેટને સ્વાયત્તતા આપવામાં આવશે. ત્યાર બાદ ત્રીજો પૉઇન્ટ લખ્યો કે બૌદ્ધ ધર્મનું સન્માન કરવામાં આવશે અને ચોથો મુદ્દો લખ્યો કે દલાઈ લામાની પોસ્ટ સાથે કોઈ છેડછાડ થશે નહીં, તેમની પ્રતિષ્ઠાનું પૂર્ણ સન્માન થશે. ટૂંકમાં, પહેલા પૉઇન્ટને બાદ કરતાં બાકીના બધા જ મુદ્દા એવા ઘડવામાં આવ્યા જેથી તિબેટ ચીનની જાળમાં ફસાઈ જાય અને ખરેખર જ પરિણામ ચીને ધાર્યું હતું એ જ આવ્યું. ૧૭ મુદ્દાઓનું એ ઍગ્રીમેન્ટ પાસ થઈ ગયું અને એ ત્યાં સુધી કે તિબેટની સામાન્ય જનતાથી લઈને દલાઈ લામાએ પણ એનો વિરોધ કર્યો નહીં.

જોકે વર્ષોથી ચાઇનાની જે ફિતરત રહી છે એ જ અહીં પણ દેખાઈ. કાગળ પર બન્ને દેશો વચ્ચે મંજૂર થયેલો ૧૭ મુદ્દાઓનું એ ઍગ્રીમેન્ટ વાસ્તવિક જમીન પર ક્યાંય નહોતું. ધીરે-ધીરે તિબેટ અને પરિસ્થિતિઓ બન્ને ખૂબ ઝડપથી બદલાવા માંડ્યાં. તત્કાલીન ચીન મુખિયા માઓ ઝેડૉન્ગ એક એવા કટ્ટર કમ્યુનિસ્ટ વિચારધારા ધરાવતા નેતા હતા જેમને કોઈ ધર્મ સાથે કોઈ લેવાદેવા નહોતી. તે માનતા હતા કે એક રાષ્ટ્ર, એક સંસ્કૃતિ, એક ધર્મ!

તિબેટ પર એની અસર ખૂબ ઝડપથી દેખાવા માંડી. ૧૭ મુદ્દાઓ પર ઍગ્રી થયેલા ચીને તિબેટની સંસ્કૃતિ અને ધર્મ બન્ને પર હુમલો કરવા માંડ્યો. ક્યારેક આખા દેશમાં ૬૦૦૦ કરતાંય વધુ બૌદ્ધ મૉનેસ્ટરી ધરાવતા તિબેટમાં ગણતરીની જ મૉનેસ્ટરી બચી હોય એવા સંજોગો આવી ગયા.

ભારત સાથે સંબંધ, ચીનની ધમકી

સાલ હતી ૧૯૫૬ની જ્યારે ભગવાન બુદ્ધની ૨૫૦૦મી વર્ષગાંઠની ઉજવણી તિબેટમાં ધામધૂમથી થઈ રહી હતી. આ ઉજવણીના એક પ્રસંગ દરમ્યાન દલાઈ લામા ભારતની મુલાકાતે આવ્યા. એ સમયે વડા પ્રધાન હતા જવાહરલાલ નેહરુ. બરાબર એ જ સમયે એ જ પ્રસંગમાં હાજરી આપવા માટે ચીનના પ્રીમિયર ચાઉ એન લાઈ પણ ભારત આવ્યા હતા. મહેમાન દલાઈ લામાને દિલ્હીના હૈદરાબાદ હાઉસમાં મુકામ આપવાનું નક્કી થયું હતું. ચાઉ એન લાઈ દલાઈ લામાને રિસીવ કરવા ઍરપોર્ટ પહોંચી ગયા અને વાત કરતાં-કરતાં ઍરપોર્ટથી બહાર લઈ આવી પોતાની ગાડીમાં બેસાડી લીધા અને હૈદરાબાદ હાઉસની જગ્યાએ તેમને સીધા લઈ ગયા ચાઇનીઝ કૉન્સ્યુલેટ ઑફિસમાં. ત્યાં લામાને જાણે બંદી બનાવ્યા હોય એમ ચાઉ એન લાઈએ તેમને ધમકી આપી કે જો તેઓ ભારત સાથે સંબંધ વધારશે તો તેમને તિબેટના નામે કશું જ નહીં મળે.

ત્યાર બાદ દલાઈ લામાની મુલાકાત પંડિત નેહરુ સાથે થઈ, પરંતુ નેહરુએ તિબેટ કે દલાઈ લામાને કોઈ પણ મદદ કરવા માટે ના કહી દીધી. કારણ તરીકે સામે ધર્યો ભારત અને ચાઇના વચ્ચે થયેલો પંચશીલ કરાર, જેમાં એક મુદ્દો એવો પણ હતો કે ભારત અને ચીન એકબીજાના આંતરિક વિષયોમાં દખલઅંદાજી નહીં કરે. આ કરાર બાદ ભારત સરકારે ભારતીય સેનાને પણ તિબેટથી પાછી બોલાવી લીધી હતી જે વાસ્તવમાં તિબેટને ચાઇના સામે મદદ માટે ખડકાયેલી હતી.

ગ્રેટ એસ્કેપ

૧૧ અઠવાડિયાં દલાઈ લામા ભારતમાં રહ્યા અને ફરી તિબેટ જતા રહ્યા. તિબેટની હાલત આ સમય સુધીમાં ખૂબ બગડી ચૂકી હતી. ત્યાર બાદ આવી એ તારીખ જ્યારે દલાઈ લામાને એક મહત્ત્વની ઉપાધિ મળી. ૧૯૫૮નો મે મહિનો જ્યારે તિબેટમાં ૪૫ વિદ્વાનો સામે દલાઈ લામા હાજર હતા અને શરૂ થયો એક દીર્ઘ શાસ્ત્રાર્થ જે છેક ફેબ્રુઆરી ૧૯૫૯ સુધી ચાલ્યો. દલાઈ લામા આ આખા શાસ્ત્રાર્થ દરમ્યાન એટલા તો નિખાર સાથે ઝળહળ્યા કે તેમને ‘ગેશે લહરમ્પા’નું સન્માન આપવામાં આવ્યું. હવે એક તરફ તિબેટ આ રીતે ધાર્મિક અને સાંસ્કૃતિક વિરાસતને સમૃદ્ધ કરી રહ્યું હતું તો બીજી તરફ ચીન કેમેય કરીને તિબેટને ભરખી જવા માટે આતુર હતું; પરંતુ ચીન સામે એ સમયે દીવાલ બનીને કોઈ ઊભું હતું તો એ હતા બૌદ્ધ ભિક્ષુકો, જેના લીડર હતા દલાઈ લામા!   

૧૯૫૯ની સાલનો માર્ચ મહિનો. આખા લ્હાસામાં એવી અફવા ફેલાઈ ગઈ કે ચાઇના દલાઈ લામાનું ખૂન કરી નાખવાનું કાવતરું ઘડી રહ્યું છે. એને વધુ બળ ત્યારે મળ્યું જ્યારે ચીને એક કાર્યક્રમમાં હાજરી આપવા માટે દલાઈ લામાને આમંત્રણ મોકલ્યું. એટલું જ નહીં, ચીન તરફથી એવું કહેવામાં આવ્યું કે તેઓ સિક્યૉરિટી ગાર્ડ્સ સાથે લઈને ન આવે. ૧૯૫૯ની ૧૬ માર્ચ સુધી તો એવા ખબર આવવા માંડ્યા કે ચીની આર્મી દલાઈ લામાના મહેલ નોરબુલિંગકાને નષ્ટ કરવા આવી રહી છે. ચાઇનાએ મહેલની બહાર તોપ ઊભી કરી દીધી અને લાખો લોકો તેમના મહેલની આજુબાજુ જમા થઈ ગયા. જોતજોતામાં તો તોપોમાંથી ગોળાઓ ફાટવા માંડ્યા. આખરે દલાઈ લામાના સલાહકારોએ તેમને બળજબરીપૂર્વક મનાવી લીધા કે તેઓ લ્હાસા છોડીને ક્યાંક દૂર જતા રહે. પણ જવું તો જવું કઈ રીતે? આખરે તેમણે તિબ્બતી આર્મીના કોઈ સામાન્ય સૈનિકનો વેશ ધારણ કર્યો અને મા, ભાઈ-બહેન સાથે મહેલ છોડી રવાના થઈ ગયા જેને આજે પણ આખું વિશ્વ ‘ધ ગ્રેટ એસ્કેપ’ તરીકે ઓળખે છે.

પ્રતાડિત લામાનું ભારતમાં આગમન અને અમેરિકાનું કનેક્શન

તારીખ હતી ૧૭ માર્ચ જ્યારે દલાઈ લામા પોતાનો મહેલ છોડી વેશપલટો કરીને લ્હાસાથી રવાના થયા હતા. ત્યાર બાદ ૧૯૫૯ની ૨૫ માર્ચના દિવસે દલાઈ લામાએ અમેરિકાની સ્પાય એજન્સી CIAને એક કોડવર્ડ સંદેશો મોકલ્યો જેમાં જણાવ્યું કે તેઓ સુરક્ષિત છે. ત્યાર બાદ દર ૨૪ કલાકે દલાઈ લામાની સફરનો રિપોર્ટ CIAને સતત મોકલાતો રહ્યો અને એવા જ એક રિપોર્ટમાં દલાઈ લામાએ અમેરિકાને જણાવ્યું કે તેઓ ભારતમાં શરણ લેવા માગે છે. બીજી તરફથી દલાઈ લામાએ જાતે પણ તત્કાલીન વડા પ્રધાન નેહરુને સંદેશો મોકલ્યો કે ‘આખી દુનિયામાં ભારત માનવીય મૂલ્યોના સમર્થન માટે જાણીતું છે. અમે ‘સોના’ વિસ્તારથી ભારતમાં પ્રવેશ કરી રહ્યા છીએ. અમને આશા છે કે તમે ભારતની ધરતી પર અમારા રહેવાની વ્યવસ્થા પૂરી પાડશો. અમને તમારી સહાયતા પર પૂરો વિશ્વાસ છે.’

૧૫ દિવસ સુધી મુશ્કેલીભર્યો પગપાળા પ્રવાસ અને સાથે લાખો અનુયાયીઓ. વિશ્વને લાગ્યું કે ૧૪મા દલાઈ લામાનું મૃત્યુ થઈ ગયું છે, પરંતુ હિમાલયનો મહામુશ્કેલ માર્ગ પસાર કરીને આખરે જ્યારે તેન્ઝિન ગ્યાત્સો ભારત પહોંચ્યા ત્યારે જગતઆખાને ખબર પડી કે તેમનું મૃત્યુ થઈ ગયું હોવાની વાત માત્ર એક અફવા હતી. ત્યારથી આજ સુધી દલાઈ લામા ધરમશાલામાં બનેલી મૉનેસ્ટરીમાં રહે છે અને બૌદ્ધ પંથના વિચાર અને સુવાસ આખા વિશ્વમાં ફેલાવે છે.

બીજી તરફ ચીનને જ્યારે ખબર પડી કે દલાઈ લામા જીવિત છે અને ભારતમાં સુરક્ષિત છે ત્યારે ચીને તિબેટ પર જુલમ કરવામાં રાક્ષસીપણાની બધી હદો વટાવી દીધી. એ ડ્રૅગન આક્રાંતા પર એવી હેવાનિયત સવાર થઈ ગઈ હતી કે જો તિબેટના કોઈ નાગરિક પાસે દલાઈ લામાનો ફોટો પણ મળી જાય તો તેને બંદી બનાવી લેવામાં આવતો. જો કોઈના ઘરમાં દલાઈ લામાનો ફોટો લટકાવેલો મળે તો ફાંસીની સજા આપવામાં આવતી. આખરે ચીનના એ રાક્ષસોએ દલાઈ લામાના મહેલ નોરબુલિંગકા પર હુમલો કરીને ૨૮ માર્ચે ત્યાં ચીનનો ઝંડો લહેરાવી દીધો અને ૨૯ માર્ચે બળજબરીપૂર્વક તિબેટની સરકારને પણ બરખાસ્ત કરી નાખી.

દલાઈ લામાની ઇર્દ-ગિર્દ આટલું કોકડું શા માટે?

હવે એવો પ્રશ્ન થાય કે દલાઈ લામા બીજું કોઈ નહીં પરંતુ માત્ર એક ધાર્મિક ગુરુ છે તો પછી તેમના સક્સેસર કોણ હોય કે કોણ બનશે એ માટે આટલી પળોજણ શા માટે? હા, એ વાત સાચી કે દલાઈ લામા આમ તો માત્ર એક ધાર્મિક ગુરુ છે, પરંતુ તેમનું સ્થાન, મોભો અને મરતબો માત્ર ધાર્મિક ગુરુ જેટલો જ નથી. તિબેટમાં એક સમય એવો હતો જ્યારે લામા માત્ર એક ધાર્મિક ગુરુ નહીં પરંતુ દેશના વડા પણ ગણાતા હતા અને તેમનો પૉલિટિકલ પાવર પણ એટલો જ હતો જેટલો એક દેશના રાષ્ટ્રપતિનો હોય. હવે હાલના દલાઈ લામા જૈફ વયે પહોંચ્યા હોવાને કારણે તેમના સક્સેસર બાબતે ચર્ચા ગરમાઈ રહી છે એની પાછળનું મૂળ કારણ કૂટનીતિ છે, કારણ કે હવે પછી તેમના સક્સેસર કોણ હશે એ બાબતથી મોટો ફરક ચીન, ભારત અને યુનાઇટેડ નેશન્સને પડે છે. એનું કારણ એ છે કે હાલના દલાઈ લામા માત્ર શાંતિ અને મોક્ષની વાત કરનારા એક ધર્મગુરુ જ નથી પરંતુ તેઓ વૈશ્વિક કક્ષાએ ખૂબ મોટા ઇન્ફ્લુ​એન્સર પણ છે. નેલ્સન મન્ડેલા હોય કે અમેરિકન રાષ્ટ્રપતિ હોય, ક્રિશ્ચિયન સેન્ટ પોપ હોય કે યુનાઇટેડ નેશન્સના વડા, બધા જ તેમની વાત સાંભળે છે, માને છે અને અનુસરે પણ છે.

ખરેખર કોણ ૧૫મા દલાઈ લામા બનશે? જે બનશે તે તિબેટની હાલતમાં કોઈ નોંધપાત્ર સુધારો લાવી શકશે કે નહીં? આ બધા જ પ્રશ્નોના જવાબો હમણાં તો ભવિષ્યના ખોળામાં જ છુપાઈને બેઠા છે. છતું થાય ત્યારે ચિત્ર ધૂંધળું હશે કે સાફ દેખાશે એ જોવાનું રહ્યું.

ચીનને કેમ તકલીફ થાય છે?

ક્યારેક દલાઈ લામાનો ફોટો સુધ્ધાં સાથે રાખનારને બંદી બનાવનારી ચીન સરકાર હજી આટલાં વર્ષે પણ તિબેટ પર પૂર્ણ પ્રભુત્વ મેળવી શકી નથી. હજી આજેય સ્થાનિક તિબેટિયન લોકો ચીનને ગાળો જ ભાંડે છે અને ચીની સરકારની વિરુદ્ધ જ છે. એવા સંજોગોમાં ભારતમાં રહેલા દલાઈ લામાના સક્સેસર જો ચીનતરફી ન હોય તો શક્ય છે કે ફરી એક વાર તિબેટમાં આઝાદીની લહેર ફેલાવા માંડે. દલાઈ લામાના નિર્દેશ હેઠળ વિદ્રોહનું વાતાવરણ સર્જાય અને ચીનને આખા વિશ્વ સામે ન માત્ર નીચું જોવા જેવું થાય બલ્કે એની બર્બરતાનું ચિત્ર પણ છતું થઈ જાય.

આનું કારણ એ છે કે જ્યારથી દલાઈ લામા ભારતના હિમાચલ પ્રદેશમાં ધરમશાલામાં રહેવા આવ્યા છે ત્યારથી એ જગ્યા લિટલ લ્હાસા તરીકે ઓળખાવા માંડી છે. દલાઈ લામાએ અહીં રહી તિબ્બતી લોકોને એકજૂટ કરીને તિબ્બતી સંસ્કૃતિ બચાવવા માટે એક નિર્વાસિત સરકારનો પાયો રચ્યો છે. એ માટે તેમણે ૧૯૫૯ની ૨૯ એપ્રિલે ભારતના મસૂરીમાં તિબેટિયન ગવર્નમેન્ટ ઇન એક્ઝાઇલની પણ સ્થાપના કરી હતી અને એ જ ૧૯૬૦માં ધરમશાલામાં ટ્રાન્સફર કરવામાં આવી. આ સરકારનાં મુખ્યત્વે ત્રણ લક્ષ્યો છે : એક, તિબેટિયન શરણાર્થીઓની મદદ કરવી. બીજું, તિબ્બતી ધર્મ, સંસ્કૃતિ અને ભાષાનું રક્ષણ કરવું અને ત્રીજું, તિબેટની આઝાદી અથવા સ્વાયત્તતા માટે શાંતિપૂર્ણ સંઘર્ષ કરવો.

યુનાઇટેડ નેશન્સનો રોલ

જ સંઘર્ષની સાથે દલાઈ લામાએ ત્યાર બાદ તિબેટ માટે એક લોકતાંત્રિક ઢાંચો તૈયાર કર્યો જેમાં તિબેટનું સંવિધાન પણ લખવામાં આવ્યું અને આજે ૪૫ સદસ્યોની એક તિબ્બતી સંસદ છે જ્યાં તિબ્બતી શરણાર્થીઓ પોતાનો વોટ આપીને પ્રતિનિધિઓ ચૂંટે છે. તે પ્રતિનિધિઓ તિબેટ અને એના શરણાર્થીઓનો અવાજ બને છે આખા વિશ્વ સામે, યુનાઇટેડ નેશન્સ સામે.

એની સાથે જ્યારથી તિબેટ છોડ્યું છે ત્યારથી દલાઈ લામા સતત વિશ્વફલક પર તિબેટની સ્વતંત્રતા અને ચીનનાં ગેરકાયદે પગલાં અંગે પ્રશ્નો ઉઠાવી રહ્યા છે. ૧૯૫૯, ૧૯૬૧ અને ૧૯૬૫ આ ત્રણ વર્ષ દરમ્યાન યુનાઇટેડ નેશન્સની મહાસભામાં તિબેટની સ્વતંત્રતા માટે પ્રસ્તાવ પાસ થયા જેમાં તિબ્બતીઓના માનવાધિકાર પર થઈ રહેલા હુમલા અંગે પણ ચિંતા વ્યક્ત થઈ, પરંતુ ચીન પર એની ક્યારેય કોઈ અસર થઈ નથી.

હવે ૧૫મા દલાઈ લામાની વરણી ચાઇનીઝ સરકાર દ્વારા જ થવી જોઈએ એવું વારંવાર બીજિંગ દ્વારા કહેવામાં આવી રહ્યું છે એનું કારણ એ છે કે ચાઇનીઝ સરકાર તિબેટની પ્રણાલી, સ્થાનિક તિબેટ પર લામાનું પ્રભુત્વ અને તિબ્બતી સંસ્કૃતિ આ ત્રણેયનો સંપૂર્ણપણે નાશ કરીને પોતાનું આધિપત્ય જમાવવા માગે છે જે ૭૫ વર્ષ જેટલો લાંબો સમય થઈ ચૂક્યો હોવા છતાં હજી પણ ચાઇનીઝ ગવર્નમેન્ટ પૂર્ણપણે સ્થાપી શકી નથી. આથી ચીન ચાહે છે કે ૧૫મા દલાઈ લામા કોઈ એવી વ્યક્તિ હોય જે જન્મ અને લોહીના સંબંધે તો તિબેટિયન હોય, પરંતુ તેમનો ઝુકાવ અને તેમની માન્યતાઓ ચીનતરફી હોય.

dalai lama tibet himalayas international news china buddhism news columnists gujarati mid day