03 May, 2025 05:59 PM IST | Mumbai | Jigisha Jain
પ્રતીકાત્મક તસવીર
રજત પટલ પર પ્રસ્તુત થતા સિનેમાનો સ્વર્ણિમ ઇતિહાસ અને એની ઉજ્જવળ આવતી કાલ વચ્ચેનો સેતુ એટલે કમ્બાલા હિલ પર આવેલું આ નૅશનલ મ્યુઝિયમ ઑફ ઇન્ડિયન સિનેમા. ભારત સરકાર દ્વારા નિર્મિત આ મ્યુઝિયમમાં આપણા સિનેમાની ૧૦૦ વર્ષથી પણ વધુ લાંબી સફરની ગૌરવગાથા એ રીતે વર્ણવાઈ છે કે તમે જો ફિલ્મપ્રેમી નહીં હો તો પણ એના પ્રેમમાં પડી જશો એની ગૅરન્ટી. બાકી જે ફિલ્મપ્રેમીઓ છે તેમના માટે તો આ માહિતી અને અનુભવોની ખાણ સમાન જગ્યા છે જ્યાં તેમના માટે આખો દિવસ પણ ઓછો પડશે
રિશ્તે મેં તો વો હમ સબકી માં લગતી હૈ, નામ હૈ સિનેમા...
આપણે ભારતીયો વિશ્વભરમાં આપણા આ (સિને)માના નામે ઘણા પ્રખ્યાત છીએ. નાનપણથી જ સિનેમાએ આપણને હસાવ્યા છે, રડાવ્યા છે, પ્રેમ કરતાં શીખવ્યું છે અને ગીતો ગાતાં પણ. સ્ટાઇલમાં આજે પણ આપણે એને જ અનુસરીએ છીએ અને એના આપેલા સંદેશ આપણને શીરાની જેમ ગળે ઊતરી જાય છે. ભારતીયોનો સિનેમા પ્રત્યેનો અઢળક પ્રેમ કોઈથી છૂપો નથી. દુનિયાની સૌથી વધુ ફિલ્મો પ્રોડ્યુસ કરતી, ગીતોવાળા કથાનક દર્શાવતી, આપણી ફિલ્મ-ઇન્ડસ્ટ્રી ૧૦૦થી પણ વધુ વર્ષો જૂની છે. એક સમયે તંબુમાં જોવાતી ફિલ્મોથી લઈને આજે મલ્ટિપ્લેક્સ સુધીની લાંબી મજલ આ ઇન્ડસ્ટ્રીએ કાપી છે. એની આ આખી જર્નીને એક જગ્યાએ સંગઠિત કરવાનું કામ કર્યું છે ફિલ્મ્સ ડિવિઝન ઑફ ઇન્ડિયાએ અને બનાવ્યું છે માયાનગરી મુંબઈમાં ભારતનું સર્વપ્રથમ નૅશનલ મ્યુઝિયમ ઑફ ઇન્ડિયન સિનેમા. કમ્બાલા હિલ પરના પેડર રોડ પર આવેલા આ મ્યુઝિયમનું ઉદ્ઘાટન ૨૦૧૯ની ૧૯ જાન્યુઆરીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થયું. ઉપલબ્ધ માહિતી મુજબ મિનિસ્ટ્રી ઑફ ઇન્ફર્મેશન અને બ્રૉડકાસ્ટિંગનો આ ૧૫૬ કરોડ રૂપિયાનો મહત્ત્વપૂર્ણ પ્રોજેક્ટ બનતાં ૬ વર્ષ લાગ્યાં. આ મ્યુઝિયમ શ્યામ બેનેગલના માર્ગદર્શન હેઠળ બનાવવામાં આવ્યું. અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, ચીન બધા પાસે પોતાનું ફિલ્મ મ્યુઝિયમ હતું. હવે આપણી પાસે પણ છે, જેનો ગર્વ આપણને બધાને હોવો જોઈએ. એક ભારતીય તરીકે આ મ્યુઝિયમની એક મુલાકાત તો લેવી ઠરે.
ટપાલની ટિકિટો પર હિન્દી સિનેમા.
મૂંગી ફિલ્મોનો જમાનો.
આ મ્યુઝિયમ બે બિલ્ડિંગ અને કુલ ૯ વર્ગમાં વિભાજિત છે. એક ગુલશન મહલ અને બીજું નવું કાચનું બિલ્ડિંગ મળીને એક મોટું કૅમ્પસ છે જેમાં આ મ્યુઝિયમ સ્થિત છે. પાંચ માળના નવા બિલ્ડિંગમાં ૪ એક્ઝિબિશન હૉલ છે. ૧૬૫ રૂપિયાની ટિકિટ સાથે તમને એક ઑડિયો-ગાઇડ અહીં આપવામાં આવે છે જેનો ઉપયોગ અત્યંત સરળ છે. અંગ્રેજી, હિન્દી અને મરાઠીમાં કામ કરતી આ ઑડિયો-ગાઇડને પહેરી લીધા પછી આખું મ્યુઝિયમ સમજવાની, જોવાની અને અનુભવવાની જુદી જ મજા આવે છે. તેમની પાસે અંદાજે ૭૫ જેટલી ઑડિયો-ગાઇડ છે. જો તમે જે દિવસે ગયા એ દિવસે વધુ લોકો એની મુલાકાતે આવ્યા હોય તો તમને ઑડિયો-ગાઇડ વગર મ્યુઝિયમ જોવું પડશે. એટલે રજાના દિવસોમાં તો વહેલા પહોંચી જવું સારું. મ્યુઝિયમનો સમય સવારે ૧૧ વાગ્યાથી શરૂ થઈ જાય છે જે સાંજે ૬ વાગ્યે બંધ થાય છે. ચાલો તમને જણાવીએ કે આ મ્યુઝિયમમાં તમે જશો તો શું ખજાનો હાથ લાગવાનો છે.
‘આલમ આરા’ - પહેલી બોલકી ફિલ્મ, જેની પ્રિન્ટ હવે આપણી પાસે નથી. છે તો બસ આ પોસ્ટર.
ગુલશન મહલ
જતાંવેંત વિક્ટોરિયન ગોથિક સ્ટાઇલનું આર્કિટેક્ચર ધરાવતો ૧૯મી શતાબ્દીનો બંગલો દેખાશે, જેનું નામ છે ગુલશન મહલ. લગભગ પાંચેક એકરમાં ફેલાયેલો આ બંગલો તમારી મ્યુઝિયમ ટૂરનો પહેલો અને અતિ રસપ્રદ પડાવ છે. અહીં એક સમયે મ્યુઝિકલ પ્રોગ્રામ અને સાંસ્કૃતિક મેળાવડા થતા. ગુજરાતી તરીકે આનંદની વાત એ છે કે ગુલશન મહલ ૧૮૬૮ સુધી એક કચ્છી વેપારી પીરભોય ખાલાકદીનાની માલિકીનો હતો. બીજા વિશ્વયુદ્ધ વખતે આ બિલ્ડિંગ એક હૉસ્પિટલમાં ફેરવાઈ ગયું હતું. ભારતના ભાગલા થયા ત્યારે એ બિનવારસી પ્રૉપર્ટી બની ગઈ હતી એટલે ત્યારથી એ ભારત સરકારની માલિકી હેઠળ આવી. એ પછી ૧૯૭૬ સુધી એ ફિલ્મ્સ ડિવિઝનને હસ્તક રહી. ‘મુન્નાભાઈ MBBS’ અને ‘હલચલ’ જેવી ફિલ્મોનું શૂટિંગ પણ અહીં થયું હતું. આ સિવાય ઘણી ડૉક્યુમેન્ટરીનું શૂટિંગ પણ અહીં થયું હતું. મ્યુઝિયમનો સૌથી મહત્ત્વનો ભાગ ગુલશન મહલમાં જોવા મળશે, કારણ કે અહીં ઇતિહાસથી શરૂઆત કરવામાં આવી છે.
જૂના સમયનાં કૅમેરા, લાઇટ્સ અને પ્રોજેક્ટર્સ.
કૅમેરામાંથી જોઈએ તો કેવું લાગે એનો અનુભવ અહીં મળશે.
જરા આ બાયોસ્કોપ પર નજર નાખો.
મૂક ફિલ્મો
લુમિએર બ્રધર્સ દ્વારા મૉડર્ન સિનેમૅટોગ્રાફીનો પાયો રખાયો હતો. તેમનાં સ્ટેચ્યુ અહીં રાખ્યાં છે. તેમણે ૧૮૯૫માં વાપરેલો કૅમેરા જે સાથે-સાથે પ્રોસેસર અને પ્રોજેક્ટર તરીકે કામ કરી શકતો હતો એ પણ અહીં રાખવામાં આવ્યો છે. ૧૮૯૬માં પહેલી વાર તેમને કારણે ભારતમાં લોકોને સિનેમા શું છે એ ખબર પડી. તેમને મળીને આગળ જઈએ તો ફાધર ઑફ ઇન્ડિયન સિનેમા દાદાસાહેબ ફાળકેનું એક સ્ટૅચ્યુ આવે જેમનાં દર્શન કરીને તમે ફિલ્મોના ઇતિહાસની દુનિયામાં પગ મૂકી શકો છો. એક એવો સમય હતો જ્યારે સિનેમા ફક્ત દૃશ્ય માધ્યમ હતું, શ્રાવ્ય નહીં. મૂક ફિલ્મોના એ સમયને સાઇલન્ટ એરા કહે છે, જેની પહેલી ફિલ્મ એટલે ‘રાજા હરિશ્ચન્દ્ર’. અહીં આ ફિલ્મનો એક સીન સાક્ષાત 3D રૂપમાં પૂતળાંઓ ગોઠવીને દર્શાવવામાં આવ્યો છે, જે જોઈને સાક્ષાત એ સમયમાં પહોંચી જવાય છે. એકસાથે ઘણીબધી ફ્રેમ્સને મોશનમાં લાવવામાં આવે ત્યારે કઈ રીતે એ એક ચિત્ર બની જાય છે એ સમજાવવા માટે કેટલાંક ઇક્વિપમેન્ટ અહીં રાખવામાં આવ્યાં છે. કૅમેરાનાં ઘણાં ઇક્વિપમેન્ટ જેમ કે ટ્રાઇપૉડ, જે આજે ફાઇબરનાં બનેલાં હોય છે એ પહેલાં લાકડાના બનતાં એના જેવી ઘણી માહિતી અહીં આવીએ તો જ ખબર પડે. દાદાસાહેબ ફાળકેથી તો બધા જ પરિચિત છે પણ શું તમને એચ. એસ. ભાટવડેકર, હીરાલાલ સેન, જે. એફ. મદાન, આનંદીનાથ બોઝ, એસ. વિન્સેન્ટ, આર. વી. નાયડુ કોણ હતા એ ખબર છે? આ શરૂઆતી ફિલ્મમેકર્સ વિશે તમને અહીં જાણવા મળશે. ૧૯૧૩માં ‘રાજા હરિશ્ચન્દ્ર’થી લઈને ૧૯૩૪ સુધી કુલ ૧૩૨૯ મૂક ફિલ્મોનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ આંકડો જ જતાવે છે કે ભારતમાં ફિલ્મમેકિંગનું પૅશન ત્યારથી એટલું આગળ પડતું હતું. અહીં સૌથી રસપ્રદ માહિતી એ જાણવા મળી કે એ સમયે થિયેટરમાં મૂવી જોવા આવેલા લોકોને લાઇવ સાઉન્ડ સાંભળવા મળતો. મૂક ફિલ્મોના અનુભવને વધુ સારો બનાવવા આ પ્રયાસ થતો.
અવાજ સાથે
શું થાત જો અવાજ ન હોત ફિલ્મોમાં? લાખો ગીતો અને ભૂલી ન શકાય એવા ડાયલૉગ્સથી આપણે વંચિત રહી જાત. મૂક ફિલ્મો પછી આવી એ ફિલ્મો જેમાં અવાજ હતો અને એને કારણે ગીતો હતાં. ભારતની પહેલી બોલકી ફિલ્મ એટલે ‘આલમઆરા’. આ ફિલ્મને એક ટૅગલાઇન આપવામાં આવેલી, ‘ઑલ લિવિંગ, ઑલ બ્રીધિંગ અને ૧૦૦ પર્સન્ટ ટૉકિંગ.’ એ ખબર પડે એટલે એવું લાગે કે ચાલો, જોઈએ તો ખરા કે પહેલી ફિલ્મ કેવી બનેલી? પણ અફસોસ, આ ફિલ્મની એક પણ પ્રિન્ટ બચી નથી. બધી કોઈ ને કોઈ રીતે ડિસ્ટ્રોય થઈ ચૂકી છે. ફિલ્મ ન જોઈ શકાય તો કંઈ નહીં, અહીં એ ફિલ્મનું પોસ્ટર જોઈને સંતોષ માણી શકાય છે. શરૂઆતમાં ફિલ્મોમાં કોઈ સ્ત્રીઓ કામ કરતી નહીં એટલે પુરુષ કલાકારો જ હતા જે ફિલ્મોમાં કામ કરતા. અહીં મ્યુઝિયમમાં એકદમ શરૂઆતમાં ફિલ્મોમાં કામ શરૂ કરનાર સ્ત્રીઓનાં ફોટો અને નામ છે. દાદાસાહેબ ફાળકે દ્વારા ૧૯૧૪માં નિર્મિત ‘મોહિની ભસ્માસુર’માં તેમણે એક મા-દીકરીની જોડી દુર્ગાબાઈ અને કમલાબાઈને રોલ આપેલો, જેના થકી ભારતીય સિનેમામાં કામ કરનારી તેઓ પ્રથમ સ્ત્રીઓ બની. અહીં પહેલી ફીમેલ ચાઇલ્ડ આર્ટિસ્ટ મંદાકિની ફાળકેનો ફોટો પણ જોવા મળશે જે દાદાસાહેબ ફાળકેનાં પુત્રી હતાં. પોતાનું નામ બદલીને ફિલ્મોમાં કામ કરવાની હિરોઇનોની રીત એ સમયથી જ ચાલી આવતી હતી. જેમ કે રૂબી મેયર્સ બની હતી સુલોચના, બેરીલ ક્લીસેન બની હતી માધુરી, રેની સ્મિથ બની હતી સીતાદેવી અને રોઝ બની હતી રામ પિયારી. મોટા ભાગે ઍન્ગ્લો-ઇન્ડિયન છોકરીઓએ ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કર્યું હતું. એ પછી ભારતીય છોકરીઓ ધીમે-ધીમે ફિલ્મોમાં આવી. આ બધાના ફોટો અહીં ઉપલબ્ધ છે.
ગુજરાતી ફિલ્મોનાં એ સમયનાં પોસ્ટર.
રીજનલ સિનેમા
ગુલશન મહલનો પહેલો માળ તમને પ્રાદેશિક સિનેમાની ઝાંખી કરાવશે. જો તમે તમારાં દાદા-દાદી કે નાની-નાની સાથે ત્યાં જશો તો તે આ માળ પર સૌથી વધુ આનંદિત થઈ ઊઠશે એની ગૅરન્ટી, કારણ કે જૂની ગુજરાતી ફિલ્મોનાં અઢળક પોસ્ટર અહીં જોવા મળશે. કઈ રીતે આ સિનેમાનો વિકાસ થયો એની ઝલક અહીં પ્રસ્તુત છે. અહીં તમે જાણી શકો છો કે ૧૯૩૨માં પહેલી ગુજરાતી ફિલ્મ બની એ હતી ‘નરસિંહ મહેતા’. એ પછી ચંદુલાલ શાહ દ્વારા ‘સતી સાવિત્રી’, ‘ગુણસુંદરી’ જેવી ફિલ્મો બનાવાઈ. ૧૯૬૯માં કાંતિલાલ રાઠોડ દ્વારા બનેલી ‘કંકુ’ અને કેતન મહેતાની ‘ભવની ભવાઈ’ ફિલ્મે ગુજરાતી સિનેમાને વિશ્વના ફલક પર એક સ્થાન અપાવ્યું. અહીં જૂની ગુજરાતી ફિલ્મો જેમ કે ‘સતી અનસૂયા’, ‘શીતલને કાંઠે’, ‘કલાપી’, ‘ચૂડી ચાંદલો’, ‘જોગીદાસ ખુમાણ’, ‘અક્કલના બારદાન’ જેવાં જુદી-જુદી ગુજરાતી ફિલ્મોનાં પોસ્ટર જોઈને મજા પડી જાય છે. અહીં તમારા ઘરની નવી પેઢીને પદ્મારાણી, નરેશ કનોડિયા અને સ્નેહલતા કોણ હતાં એના કિસ્સા સંભળાવવાની તક જવા ન દેતા. ગુજરાતીની સાથે-સાથે ભારતમાં ખૂણે-ખૂણે ચાલેલા પ્રાદેશિક સિનેમાની વિસ્તૃત માહિતી અહીં મળી રહેશે.
રાજ કપૂર જોડે એક ફોટો તો પાડવો જ પડે.
ફિલ્મ ગૅલરી
મ્યુઝિયમમાં એક લાંબી ગૅલરી જેવું નિર્માણ કરવામાં આવ્યું છે જેમાં ભારતીય સિનેમાનાં મૂક ફિલ્મોથી લઈને, ટૉકીઝ એરા, કલર ફિલ્મો અને મૉડર્ન સિનેમાનાં રેર પોસ્ટર્સથી એને સજાવવામાં આવી છે. એની મુલાકાત તમારા અને સિનેમાના એક અગાઢ સંબંધના ઝરોખા સમી લાગે છે. નાનપણથી લઈને આજ સુધી તમે જે હિન્દી સિનેમા જોયું છે, જાણ્યું છે, જીવ્યું છે એની સુનહરી સફર સમી આ ગૅલરી મન ભરીને માણવા જેવી છે. ગુલશન મહલને ખૂબ જ સરસ રીતે જોવો જોય તો એમાં જ ઓછામાં ઓછા બે કલાક નીકળી જાય. એ પતાવીને તમે સામે જ આવેલા કાચવાળા બિલ્ડિંગમાં પ્રવેશ કરો તો ખબર પડે કે અહીં તો હજી ચાર માળમાં ફેલાયેલું વિસ્તૃત એવું મ્યુઝિયમ તમારી રાહ જોઈ રહ્યું છે. ત્યારે લાગે કે હજી શું બાકી છે જોવાનું? ત્યાં જ ગ્રાઉન્ડ ફ્લોર પર જાણીતા અને માનીતા ફિલ્મમેકર સત્યજિત રે અને તેમની ફિલ્મોગ્રાફી ચીતરતું આખું એક્ઝિબિશન જોવા મળશે. ત્યાં એકદમ તાદૃશ લાગતા સત્યજિત રેના પૂતળા પાસે એક ફોટો પડાવવાનું ભૂલતા નહીં. એ પછી ઉપરના ફ્લોર પર જવા માટે લિફ્ટ કે એસ્કેલેટરનો ઉપયોગ તમે કરી શકો છો.
ગાંધી અને સિનેમા
શ્યામ બનેગલ હંમેશાં કહેતા કે દુનિયાના કોઈ પણ હીરો કે સ્ટાર કરતાં પણ કેટલાય ગણા વધુ ફોટોગ્રાફ આપણા રિયલ લાઇફ હીરો મહાત્મા ગાંધીના પડાયા છે. મહાત્મા ગાંધી જેમને ખુદ ફિલ્મો જોવામાં કોઈ અભિરુચિ નહોતી તેમના પર અને તેમની જીવની પર અઢળક ફિલ્મો બની છે. મહાત્મા ગાંધી ભારતીય ફિલ્મોમાં સૌથી વધુ વાર ચિતરાયેલું પાત્ર છે. જાણકારો એવું માને છે કે ગાંધીજીએ ૭૪ વર્ષની ઉંમરે વિજય ભટ્ટના નિર્દેશનમાં ૧૯૪૩માં બનેલી ફિલ્મ ‘રામરાજ્ય’ જોઈ હતી, જે કદાચ તેમની જોયેલી એકમાત્ર ફિલ્મ હતી. અહીં આ બધી માહિતીઓની સાથે એક લાઇફસાઇઝ સ્ટૅચ્યુ પણ રાખવામાં આવ્યું છે. તો બાપુ સાથે એક સેલ્ફી પાડવાનું ચૂકતા નહીં.
ફિલમને ફિલ્મ પર આ રીતે તૈયાર કરવામાં આવતી.
સિનેમા અને ટેક્નૉલૉજી
આ સિવાય એક આખો માળ છે જેમાં ટેક્નૉલૉજીની દૃષ્ટિએ સિનેમાને તમે નિહાળી શકો છો. કયા પ્રકારનાં યંત્રો એમાં જોઈએ, પહેલાં કેવાં યંત્રો વપરાતાં અને આજે શું ઉપયોગમાં આવે છે એ બધી જ વસ્તુઓ વિશે ફક્ત જાણકારી નથી, એને તમે સામે જોઈ શકો છો. અહીં સમજી શકાય છે કે સિનેમા એ ટેક્નૉલૉજિકલ માર્વેલ છે જેનું નિર્માણ માણસના જિનીયસ મગજ દ્વારા થયું છે. ફિલ્મમેકિંગનાં જુદાં-જુદાં સાધનો જેમ કે વિન્ટેજ ફિલ્મોનાં પ્રોજેક્ટર્સ, એડિટિંગ સ્ટુડિયોમાં વપરાયેલાં મશીન અહીં જોઈને કોઈ ફિલ્મમેકિંગમાં રસ ધરાવતી વ્યક્તિ તો ગેલમાં જ આવી જાય. અહીં ઓક્સબેરી ઍનિમેશન કૅમેરા પણ જોવા મળશે જેના દ્વારા અત્યંત શરૂઆતી ઍનિમેશન ફિલ્મોનું નિર્માણ થયું છે.
ચિલ્ડ્રન્સ ફિલ્મ સ્ટુડિયો
ફિલ્મ આપણને જોવી ખૂબ ગમે છે પણ આ ફિલ્મ બને છે કઈ રીતે એનું કુતૂહલ બાળકોમાં જન્માવવા માટે એક આખા ફ્લોર પર બનાવવામાં આવ્યો છે ચિલ્ડ્રન્સ ફિલ્મ સ્ટુડિયો. જોકે અહીં આવીને મોટેરા પણ બાળક બની જાય તો એની નવાઈ નહીં. આ આખો એરિયા ઍક્ટિવિટીથી ભરપૂર છે. અહીં તમે ખુદ તમારી કલ્પનાને પાંખો આપીને ફિલ્મનું રૂપ આપી શકો છો. અહીં લાઇટ્સ અને કૅમેરા પર હાથ અજમાવી શકો છો. શૂટિંગ કઈ રીતે કરવું એની મૂળભૂત સમજ ડેવલપ કરી શકો છો. સાઉન્ડ-ઇફેક્ટ કઈ રીતે કામ કરે છે એ જાતે કરીને જોઈ શકો છો. ઍનિમેશન ફિલ્મના રસિકો પોતાના ફેવરિટ કાર્ટૂન સાથે અહીં એક નાનકડી ફિલ્મ પણ બનાવી શકે છે. ગ્રીન પડદો, જેને ફિલ્મની ભાષામાં ક્રોમા કહેવાય એનો ઉપયોગ કઈ રીતે કરવો એ પણ જાણી શકાય છે અને ખુદ વાપરીને જોઈ પણ શકાય છે. આ આખો ફ્લોર તમે છેલ્લે વિઝિટ કરજો કારણ કે એમાં ખૂબ મજા પડશે. એ મજા સાથે તમે ઘરે પાછા ફરી શકો છો.
ઍક્ટિવિટી
ફિલ્મો વિશે ઘણી ક્વિઝ છે જેમાં તમે ફિલ્મોના જ્ઞાનને અજમાવી શકો છો.
એ સિવાય બોલકી ફિલ્મોના સેગમેન્ટમાં ગીતોનું લિપસિન્ક કેટલું અઘરું છે એ સમજાવવા માટેની એક ઍક્ટિવિટી છે. તમારું મનગમતું ગીત સિલેક્ટ કરીને દેખાતા વિડિયોમાં તમારો વૉઇસ રેકૉર્ડ કરીને ફરીથી સાંભળી શકવાની તમને ચોક્કસ મજા પડશે.
આ સિવાય ચિલ્ડ્રન્સ ફિલ્મ સ્ટુડિયોની બધી જ ઍક્ટિવિટી કરવા જેવી છે. એક પણ છોડવા જેવી નથી.
દર ગુરુવારે ૧૨ વાગ્યે અહીં જુદી-જુદી ડૉક્યુમેન્ટરીનું સ્ક્રીનિંગ થાય છે. દર શનિવારે ૪ વાગ્યે અહીં એક ક્લાસિક ફિલ્મ દેખાડવામાં આવે છે.
બાકી દર મંગળવારે બાળકો માટે તેમના અનુભવને કૅન્વસ પર કૅપ્ચર કરવાની તક આપવામાં આવે છે અને શુક્રવારે બાળકોને ફિલ્મોના સુવર્ણ ઇતિહાસને ખૂબ જ રસપ્રદ ઢબે સ્ટોરીટેલિંગના માધ્યમથી સંભળાવવામાં આવે છે.
દર બુધવારે ફિલ્મમેકિંગ માટે ઉપયોગી કોઈ વર્કશૉપ યોજવામાં આવે છે જેનો લાભ ફિલ્મના વિદ્યાર્થીઓ લઈ શકે છે.
જોવાનું ચુકાય નહીં
દાદાસાહેબ ફાળકે દ્વારા નિર્મિત ‘રાજા હરિશ્ચન્દ્ર’, જે ભારતીય સિનેમાની પ્રથમ ફિલ્મ ગણાય છે, એ ફિલ્મને જેના વડે શૂટ કરવામાં આવેલી એ કૅમેરા ત્યાં છે.
ભારતીય સિનેમાનો પ્રભાવ એટલો ઘેરો છે કે એક સમયે ટપાલ પર ચોંટાડવાની ટિકિટોમાં પણ એ સમયના ફિલ્મમેકર્સ અને ઍક્ટર્સને સ્થાન આપવામાં આવેલું. આ ટિકિટોનો સંગ્રહ જોવો એ પોતાનામાં એક લહાવો છે.
એક સમયે ફિલ્મો રિલીઝ થતી ત્યારે એનાં ગીતો અને ડાયલૉગ્સની બુકલેટ બહાર પડતી, એ બુકલેટ પણ તમને અમુક ફિલ્મોની ત્યાં જોવા મળશે.
આ મ્યુઝિયમમાં ભારતીય સેનાએ બીજા વિશ્વયુદ્ધ સમયે જે શૌર્યનું પ્રદર્શન કર્યું હતું એનું ૩૦ કલાકનું ફુટેજ પણ સાચવવામાં આવ્યું છે. જો તમને એનો થોડો અંશ જોવા મળે તો એ ચૂકવા જેવું નથી.